Jul 17, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-869

 

અધ્યાય-૨૧-યુધિષ્ઠિર અને અર્જુનનો સંવાદ 


II संजय उवाच II बृहतीं धार्त्राष्ट्रस्य सेनां द्रष्टा समुद्यता I विषादमगमद्राजा कुन्तीपुत्रो युधिष्ठिरः II १ II

સંજ્યાએ કહ્યું-દુર્યોધનની મોટી સેનાને યુદ્ધ કરવા તત્પર થયેલી જોઈને,કુંતીપુત્ર યુધિષ્ઠિર ખેદ પામ્યા.ભીષ્મે રચેલા અભેદ્ય નામના વ્યુહને જોઈને તેઓ ફીક્કા પડી ગયા અને અર્જુનને કહેવા લાગ્યા કે-'હે ધનંજય,ભીષ્મપિતામહથી રક્ષિત કૌરવોના આ સૈન્ય સાથે સંગ્રામમાં આપણે કેવી રીતે યુદ્ધ કરી શકીશું? ભીષ્મે શાસ્ત્રોક્ત વિધિ વડે આ અડગ અને અભેદ વ્યૂહ રચ્યો છે,હું સંશયમાં છું કે આ મહાવ્યૂહ આગળ આપણો જય કેવી રીતે થશે?(5)

હે રાજન,ત્યારે તમારી સેનાએ જોઈને ખિન્ન જેવા થયેલા યુધિષ્ઠિરને અર્જુને કહ્યું કે-અધિક બુદ્ધિવાળા,શૂરા અને ગુણવાન એવા ઘણાઓને પણ બહુ થોડાઓ જે રીતે જીતી લે છે તે તમે સાંભળો.જે કારણને નારદ,ભીષ્મ અને દ્રોણ જાણે છે તે પૂર્વે બ્રહ્માએ,દેવાસુર યુદ્ધમાં મહેન્દ્ર આદિ દેવોને કહ્યું હતું કે-'વિજયની ઇચ્છાવાળાઓ સત્ય,ધર્મ,દયા અને ઉદ્યમથી જેવો જય મેળવે છે તેવો બળ અને વીર્યથી મેળવતા નથી.માટે તમે ધર્મ તથા અધર્મના સ્વરૂપને જાણીને અને અહંકાર છોડીને ઉત્તમ આસ્થા રાખી યુદ્ધ કરો એટલે જય મળશે.કારણકે જ્યાં ધર્મ છે ત્યાં જય છે'


આ ઉપરથી તમે નક્કી જાણો કે આપણો જ વિજય છે.વળી નારદે કહ્યું હતું કે-'જય શ્રીકૃષ્ણનો દાસ છે માટે તે માધવની પાછળ પાછળ આવે છે.ગોવિંદ અત્યંત તેજવાળા છે,શત્રુસમૂહ આગળ પણ નિર્ભય ઉભા રહેનારા છે અને સનાતન પુરુષ છે,તેથી જ્યાં કૃષ્ણ છે ત્યાં જય છે' પૂર્વે દેવાસુર સંગ્રામમાં પ્રભુએ હરિરૂપ થઈને તે બંને પક્ષનાઓને પૂછ્યું કે -'જય કોનો થશે?' ત્યારે 'હે કૃષ્ણ,અમે તમારા વિના કેમ જીતી શકીએ?' આવું જેઓએ કહ્યું તે દેવો જીત્યા અને પ્રભુની કૃપાથી તેમને ત્રૈલોક્યનું રાજ્ય મળ્યું હતું.માટે હે ભારત,તમારે ચિંતા કરવાનું કોઈ કારણ નથી,કારણકે શ્રીકૃષ્ણ,તમારા જયની ઈચ્છા રાખે છે.

અધ્યાય-21-સમાપ્ત