Jul 18, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-870

 

અધ્યાય-૨૨-પાંડવ સૈન્યનું વર્ણન


II संजय उवाच II ततो युधिष्ठिरो राज स्वां सेनां समनोदयत् I प्रतिव्युहन्ननिकानि भीष्मस्य भरतर्षभ II १ II

સંજયે કહ્યું-હે ભરતશ્રેષ્ઠ,તે પછી,યુધિષ્ઠિરે,ભીષ્મની સેના સામે વ્યૂહરચના માટે પોતાની સેનાને આજ્ઞા કરી.ત્યારે અર્જુને સેનાને 

તેમના ઉદ્દેશ મુજબ વ્યૂહરચનામાં ગોઠવી.સૈન્યના મધ્યમાં અર્જુને રક્ષેલા શિખંડીનું સૈન્ય હતું.ભીમસેનથી રક્ષાયેલો ધૃષ્ટદ્યુમ્ન સૈન્યના મોખરામાં હતો.સાત્યકિએ દક્ષિણ તરફના સૈન્યનું રક્ષણ કર્યું હતું.

સર્વ યુદ્ધ સામગ્રીથી સંપન્ન રથમાં બેસીને યુધિષ્ઠિર સર્વ હાથીઓના સમૂહની વચ્ચે રહ્યા હતા.તેમના મસ્તક પર હાથીદાંતના દાંડાવાળું શ્વેત છત્ર શોભી રહ્યું હતું.મહર્ષિઓ ઉત્તમ સ્તુતિ કરતા તેમની જમણી બાજુએ ચાલતા હતા,ને જપ,મંત્ર આદિથી યુધિષ્ઠિરનું સ્વસ્ત્યયન કરતા હતા.તેમને વસ્ત્રો,ગાયો,સોનામહોરો આદિનું દાન આપતા યુધિષ્ઠિર દેવરાજ ઇન્દ્રની જેમ પ્રયાણ કરતા હતા.(8)


અર્જુનના રથને શ્વેત ઘોડાઓ જોડેલા હતા,હજારો દર્પણો જડેલાં હતાં,સેંકડો ઘુઘરીઓ બાંધેલી હતી.તે રથ જાંબુનદ સુવર્ણનાં ચિત્રોથી ચીતરેલો હતો તેથી અગ્નિના જેવો પ્રકાશતો હતો.તેનાં ચક્રો સુંદર હતાં,શ્રીકૃષ્ણ તેના સારથિ હતા અને તેના ધ્વજ પર હનુમાનજી બેઠેલા હતા.તે રથમાં અર્જુન ગાંડીવ ને બાણ લઈને બેઠો હતો.જેના જેવો બીજો ધનુર્ધારી પૃથ્વીમાં છે નહિ અને કદાચ થશે નહિ,તેણે તમારા પુત્રનો સંહાર વાળવા,ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું.


 આયુધ વિના પણ પોતાના બાહુબળ વડે જ યુદ્ધમાં પુરુષો,ઘોડાઓ અને હાથીઓનો નાશ કરી નાખનારો,તેજસ્વી વૃકોદર ભીમ,નકુલ અને સહદેવ સાથે રથોનું રક્ષણ કરતો હતો,તેને મોખરામાં ઉભેલા જોઈને જ તમારા યોદ્ધાઓના અંતઃકરણ ભયથી ખિન્ન થઇ ગયાં.અને તેઓ કાદવમાં ખૂંપેલા હાથીઓના જેમ ગભરાઈ ગયા.પછી,શ્રીકૃષ્ણ,અર્જુનને કહેવા લાગ્યા કે-

'સામે જે પોતાની સેનામાં રહીને ક્રોધવડે આપણને સંતાપ આપે છે અને સિંહની જેમ આપણી સેના સામે જુએ છે તે ત્રણસો અશ્વમેઘ યજ્ઞ કરનારા કુરુવંશના ધ્વજરૂપ ભીષ્મ છે.જેમ,મેઘો સૂર્યને વીંટાઈ રહે તેમ,આ સૈન્યો,તે ભીષ્મની આજુબાજુ વીંટાઇને ઊભાં રહ્યાં છે,માટે હે અર્જુન,તું પ્રથમ એ સૈન્યોનો નાશ કરીને પછી તે ભરતશ્રેષ્ઠ ભીષ્મની સાથે યુદ્ધ કરવાની ઈચ્છા કર.(16)

અધ્યાય-22-સમાપ્ત