અધ્યાય-૨૩-દુર્ગાસ્તોત્ર
II संजय उवाच II धार्तराष्ट्रबलं द्रष्टा युद्धाय समुपास्थितम् I अर्जुनस्य हितार्थाय कृष्णो वचनमब्रवीत II १ II
સંજયે કહ્યું-દુર્યોધનના સૈન્યને યુદ્ધ માટે આવી પહોંચેલું જોઈને શ્રીકૃષ્ણ અર્જુનના હિત માટે,તેને કહેવા લાગ્યા કે-
'હે મહાબાહુ,તું પવિત્ર સંગ્રામભૂમિની સન્મુખ ઉભો રહીને શત્રુઓના પરાજય માટે દુર્ગાસ્તોત્રનો પાઠ કર'
ત્યારે અર્જુન રથમાંથી ઉતરીને બે હાથ જોડીને દુર્ગાસ્તોત્ર ભણવા લાગ્યો
II अर्जुन उवाच II
नमस्ते सिद्धसेनानि आर्ये मंदरवासिनि I कुमारि कालि कापालि कपिले कृष्णपिंगले II 4 II
હે સિદ્ધ સમૂહને પરમપદ આપનારાં,હે આર્યે,હે મંદરવાસિનિ,હે કુમારિ,હે કાલિ,હે કાપાલિ,
હે કપિલે,હે શ્યામ અને પિંગલ વર્ણવાળાં,હું તમને નમસ્કાર કરું છું.
भद्रकालि नमस्तुभ्यं महाकालि नमोस्तु ते I चंडि चंडे नमस्तुभ्यं तारिणि वरवर्णिनि II 5 II
હે ભદ્રકાલિ તમને નમસ્કાર હો,હે મહાકાલિ તમને નમસ્કાર હો,હે ચંડિ,હે ચંડે,
હે તારિણિ,હે વારેવર્ણિનિ,હું તમને નમસ્કાર કરું છું
कात्यायनि महाभागे करालि विजये जये I शिखिपिच्छध्वजधरे नानाभरणभूषिते II 6 II
अट्टशूलप्रहरणे खङ्गखेटकधारिणि I गोपेन्द्रस्यानुजे ज्येष्ठे नंदगोपालोद्भवे II 7 II
महिषासृकप्रिये नित्यं कौशिकि पीतवासिनि I अट्टहास्ये कोकमुखे नमस्तेस्तु रणप्रिये II 8 II
હે કાત્યાયનિ,હે મહાભાગે,હે કરાલિ,હે વિજયે,હે જયે,હે મોરપીંછના ધ્વજને ધારણ કરનારાં,હે જાતજાતના આભૂષણોથી વિભૂષિત,હે અતિઉગ્ર શૂલરૂપ આયુધવાળાં,હે તલવાર તથા ઢાલ ધારણ કરનારાં,હે ગોપેન્દ્ર-શ્રીકૃષ્ણનાં નાની બહેન,
હે જ્યેષ્ઠા,હે નંદ ગોવાળના કુળમાં ઉત્પન્ન થયેલાં,હે નિત્ય મહિષાસુરના રુધિર પર પ્રીતિવાળાં,હે કુશિકકુલોત્પન,
હે પીતાંબરધારિણી,હે અટ્ટહાસ્યવાળાં,હે ચક્રની જેમ ગોળ મુખવાળાં,હે રણપ્રિયે તમને નમસ્કાર હો.
उभे शाकंभरि श्वेते कृष्णे कैटभनाशिनि I हिरण्याक्षि विरुपाक्षि सुधृभ्राक्षि नमोस्तुते II 9 II
હે ઉમે,હે શાકંભરિ,હે શ્વેતે,હે કૃષ્ણે,હે કૈટભનાશિનિ,હે પીળાં નેત્રવાળાં,
હે અનેક સ્વરૂપ નેત્રવાળાં,હે કાળાશ પડતાં લાલ નેત્રવાળાં તમને નમસ્કાર હો.
वेदश्रुतिमहापुण्ये ब्रह्मण्ये जातरेदसि I जंबुकटकचैत्येषु नित्यं रान्निहितालये II 10 II
હે વેદશ્રુતિમાં મહાપુણ્યરૂપા,હે બ્રાહ્મણ વગેરે પર પ્રીતિવાળાં,હે ભૂતકાળના જ્ઞાનવાળાં,
હે જંબુદ્વીપની રાજધાનીઓમાં તથા દેવાલયોમાં નિત્ય નિવાસ કરનારાં,તમને નમસ્કાર હો
त्वं ब्रह्मविद्या विधानं महानिद्रा च देहिनाम I स्कंदमातर्भग्वति दुर्गे कंतारवासिनि II 11 II
તમે વિદ્યાઓમાં મહાવિદ્યા છો અને દેહધારીઓની મહાનિદ્રા (મુક્તિ)રૂપા છો.
હે કાર્તિક સ્વામીનાં માતા,હે ભગવતી,હે દુર્ગે,હે અરણ્યવાસિની તમને નમસ્કાર હો.
स्वाहाकार: स्वधा चैव कला काष्ठा सरस्वती I सावित्रि वेदमाता च तथा वेदांत उच्यते II 12 II
તમે જ સ્વાહાકાર છો,સ્વધા છો,કળા છો,કાષ્ઠા છો,સરસ્વતી છો,
વેદમાતા સાવિત્રી છો અને વેદાંતરૂપ કહેવાઓ છો.
स्तुतासि त्वं महादेवि विषुद्वेनांतरात्मना I जयो भवतु मे नित्यं त्वत्प्रसादाद्रणाजिरे II 13 II
હે મહાદેવિ,મેં શુદ્ધ અંતઃકરણથી તમારી સ્તુતિ કરી છે,માટે તમારી કૃપાથી રણાંગણમાં નિત્ય મારો જય થાઓ.
कांतारभयदुर्गेषु भक्तानां चालयेषु च I नित्यं वससि पाताले युद्धे जयसि दानवान II 14 II
તમે અરણ્યોમાં,ભયસ્થાનોમાં,દુર્ગમ પર્વતોમાં તેમ જ ભક્તોના ઘરોમાં નિત્ય વાસ કરો છો,
વળી તમે પાતાળમાં પણ નિત્ય રહીને યુદ્ધમાં દાનવોને જીતો છો.
त्वं जंभनी मोहिनी च माया ह्रीं:श्रीस्तथैव च I संध्या प्रभवति चैव सावित्री जनन्ज् तथा II 15 II
तुष्टिः पुष्टिर्धृतिदिप्तिश्चंद्रादित्यविवर्धिनी I भूतिर्भूतिमतां संख्ये वीक्ष्यसे सिद्धचारणै II 16 II
તમે જ આળસ,નિદ્રા,લજ્જા,શ્રી,સંધ્યા,પ્રભાવતી,સાવિત્રી અને જનની છો.તમે જ તુષ્ટિ,પુષ્ટિ,ધૃતિ,અને
ચંદ્ર-સૂર્યને વધારનારી કાંતિરૂપ છો,ઐશ્વર્યવાનોનું ઐશ્વર્ય તમે જ છો,અને સમાધિમાં સિદ્ધો-ચારણો તમારું જ દર્શન કરે છે.
સંજયે કહ્યું-પછી,અર્જુનની ભક્તિ જાણીને મનુષ્ય પર પ્રેમ રાખનારાં દેવીએ અંતરિક્ષમાં ગોવિંદની આગળ ઊભાં રહી કહ્યું કે-
'હે પાંડુપુત્ર,તું થોડા સમયમાં શત્રુઓને જીતીશ,હે દુર્જય,તું નારાયણની સહાયવાળો નર છે.સાક્ષાત વજ્રધારી ઇન્દ્ર જેવા શત્રુઓથી પણ તું રણમાં અજિત છે' આમ કહીને વરદાન આપનારાં તે દેવી ક્ષણમાં જ અંતર્ધાન થઇ ગયાં.
વર મેળવીને અર્જુન પોતાનો વિજય માનવા લાગ્યો અને પોતાના રથમાં બેઠો.પછી,તેણે અને શ્રીકૃષ્ણે પોતાના શંખો ફુંક્યા.
જે મનુષ્ય પ્રભાતમાં ઉઠીને આ સ્તોત્રનો પાઠ કરે,તેને સર્વદા યક્ષ,રાક્ષસ કે પિશાચોથી ભય થાય નહિ,તેનો કોઈ શત્રુ થાય નહિ,સર્પાદિ કે રાજકુળથી તેને ભય થાય નહિ.તેને વિવાદમાં જય મળે છે,બંધનમાંથી મુક્ત થાય છે,તે સંકટોમાંથી અવશ્ય પાર પડે છે,ચોરોથી મુક્ત થાય છે,સંગ્રામમાં નિત્ય વિજય મેળવે છે અને શુભ લક્ષ્મી પ્રાપ્ત કરે છે વળી આરોગ્ય તથા બળસંપન્ન થઈને સો વર્ષો સુધી જીવે છે.(24)
હે રાજા,વ્યાસજીની કૃપાથી મેં આ સર્વ જોયું હતું.ક્રોધને અધીન થયેલા તમારા સર્વ પુત્રો મોહને લીધે એ અર્જુન અને કૃષ્ણરૂપ નરનારાયણ ઋષિને ઓળખાતા નથી,તેથી તેઓ કાલપાશમાં ગુંચવાયા છે,એ કહેવું સમયોચિત જ છે.વ્યાસે,નારદે,કણ્વઋષિએ અને પરશુરામે તમારા પુત્રને વાર્યો પરંતુ તેઓનું કહેવું તેણે સાંભળ્યું નહિ.જ્યાં ધર્મ ત્યાં જ તેજ અને કાંતિ,જ્યાં લજ્જા ત્યાં જ લક્ષ્મી તથા બુદ્ધિ.જ્યાં ધર્મ ત્યાં કૃષ્ણ અને જ્યાં કૃષ્ણ છે ત્યાં જ જય છે (28)
અધ્યાય-23-સમાપ્ત