Apr 30, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦૨

હવે પછી ત્રણ પ્રકારના યજ્ઞનું વર્ણન કર્યું છે.
ફળની આકાંક્ષા વગર (ફળની ઈચ્છા વગર)- “યજ્ઞ કરવો એ પોતાનું કર્તવ્ય છે,એટલે કરવો જ જોઈએ” એવું સમજીને મનથી નિશ્ચય કરીને શાસ્ત્રોક્ત વિધિથી –જે યજ્ઞ કરવામાં આવે તે-સાત્વિક યજ્ઞ -છે.આવા યજ્ઞ માં “અહંકાર” (હું યજ્ઞ કરું છું) નો અભાવ હોય છે.(૧૧)

ફળની ઈચ્છા રાખીને કે ફળની કામના માટેજ,(એટલે કે કોઈને પુત્ર જોઈતો હોય તેને 
માટે યજ્ઞ કરે તે) અથવા તો કેવળ દેખાડા (દંભ) માટે કરવામાં આવેલા યજ્ઞ ને રાજસિક યજ્ઞ કહે છે.(૧૨)
શાસ્ત્રવિધિ વગરનો,અન્નદાન વગરનો,મંત્ર વગરનો,દક્ષિણા વગરનો અને શ્રદ્ધા વગરનો-જે
યજ્ઞ કરવામાં આવે તેને-તામસિક યજ્ઞ કહેવાય છે (૧૩)

ત્રણ પ્રકારના યજ્ઞ પછી ત્રણ પ્રકારના તપનું વર્ણન આવે છે.
પણ તે પહેલાં તપ એટલે શું? તપનું સ્વરૂપ સમજાવવા,ઉત્તમ તપના ત્રણ પ્રકાર બતાવ્યા છે.
ઉત્તમ તપના ત્રણ પ્રકારો છે-કાયિક.વાચિક અને માનસિક.(દેહ,વાચા,ચિત્તનું તપ)

દેવ,બ્રાહ્મણ,ગુરૂ તથા વિદ્વાનનું પૂજન,પવિત્રતા,સરળતા,બ્રહ્મચર્ય અને અહિંસા-
એને કાયિક તપ (દેહ નું તપ) કહેવામાં આવે છે..(૧૪)
કોઈના પણ મનને ના દુભાવે એવું,સત્ય અને મધુર હોવા સાથે –પરિણામે જે હિતકારક હોય-એવું બોલવું-
અને વેદોનું અધ્યયન કરવું-તેને વાચિક તપ (વાચાનું-વાણીનું તપ) કહેવામાં આવે છે..(૧૫)

મનની પ્રસન્નતા,મૌન,સૌજન્ય,આત્મસંયમ અને અંતઃકરણશુદ્ધિ –ને માનસિક તપ કહે છે.(૧૬)

ફળની આકાંક્ષા વગરના તથા સમાધાન પામેલા ચિત્તવાળા પુરુષે અત્યંત શ્રદ્ધાપૂર્વક કરેલાં –
ઉપર બતાવ્યા તે ત્રણ પ્રકારનાં કાયિક,વાચિક અને માનસિક તપને  સાત્વિક તપ કહે છે. (૧૭)

લોકો પોતાને માન આપે,પોતાની પૂજા કરે.પોતાની સ્તુતિ કરે –એવા હેતુથી,કેવળ દેખાડા માટે-
(દામ્ભિકતાથી) તપ કરવામાં આવે છે-તેને રાજસિક તપ કહે છે..(૧૮)

બીજાનો નાશ કરવાની ઈચ્છાથી કે એવા કોઈ બીજા દુરાગ્રહ રાખીને,શરીરને કષ્ટ આપીને,
જે તપ કરવામાં આવે છે-તેને તામસિક તપ કહેવામાં આવે છે,..(૧૯)

તપ ના આવી રીતે ત્રણ પ્રકાર બતાવી હવે ત્રણ પ્રકારના –દાન- નું વર્ણન છે.

“દાન આપવું એ આપણું કર્તવ્ય છે”-એવા હેતુથી દાન એવા વ્યક્તિ ને આપવામાં આવે કે જેને-
ખરેખર એ દાનની જરૂર હોય અને દાનના ઉપકાર નો બદલો વાળવા માટે અસમર્થ હોય,
દાન આપનારને દાન આપવાનું અભિમાન ના હોય –અને- જેને દાન આપ્યું હોય તે તેના ઉપકારનો બદલો આપે તેવી મનમાં ભાવના ના હોય-તો-આવા દાનને સાત્વિક દાન કહ્યું છે,
વળી ધાર્મિક સ્થાનો (પુણ્યક્ષેત્ર) માં અને ધાર્મિક પર્વોના
દરમિયાન આપેલું દાન પણ સાત્વિક દાન કહેવાય છે.(૨૦)

દાન આપનાર, જેને દાન આપ્યું છે-તે તેના પર કરેલા દાનના ઉપકાર નો બદલો આપે તેવી ઇચ્છાથી,
અથવા તો ફળની આશાથી  તથા મહાકષ્ટથી આપેલા દાનને રાજસિક દાન કહે છે.(૨૧)

જે દાન અપમાનપૂર્વક (સત્કાર કર્યા વગર) કરવામાં આવે અને દેશ-કાળ કે પાત્રના વિવેક રાખ્યા વગર
કરવામાં આવે તો-તેને તામસિક દાન કહ્યું છે..(૨૨)

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
            PREVIOUS PAGE
         NEXT PAGE 
          INDEX PAGE