Oct 25, 2021

Gujarati-Ramayan-Rahasya-110-ગુજરાતી-રામાયણ-રહસ્ય-110

બીજે દિવસે,જનકજીએ ભરતને કહ્યું કે-શ્રીરામનો સ્વભાવ તમે જાણો છે,તેઓ સત્યવ્રત અને ધર્મનિષ્ઠ છે,બધું તે એકલા એકલા જ મનમાં સહન કરી રહ્યા છે,હવે તો તમે કહો તેમ થાય.ત્યારે ભરત કહે છે કે-હું તો કેવળ સેવક છું,સેવા-ધર્મ મહા-કઠિન છે,સ્વામીની સેવા અને સ્વાર્થની સેવા એક સાથે થઇ શકે નહિ.હું સ્વાર્થવશ થઇને કે પ્રેમવશ થઈને કંઈ કહું તો બંનેમાં ભૂલ થવા સંભવ છે.માટે. રામજીની ઈચ્છા અને તેમના ધર્મ અને સત્યવ્રત સાચવીને સર્વનું હિત થાય તેમ તમે જ કંઈક કરો.

જનકજી પછી વશિષ્ઠજી પાસે ગયા અને બંને રામજીને મળ્યા.અને કહ્યું કે-હે,રામ, સૌના મનની વાત 
તો તમે જાણો જ છો,તમે જ આ પ્રશ્નનો ઉકેલ કરો,સૌ તમારી આજ્ઞા માથે ચડાવશે.
ફરીથી સભા મળી,બધા ભેગા થયા,ત્યારે સભામાં વશિષ્ઠજીએ જાહેર કર્યું,કે-શ્રીરામ જે આજ્ઞા કરશે 
તે સૌ માથે ચડાવશે. ત્યારે રામજીએ ઉભા થઈને હાથ જોડી ને કહ્યું કે-આપ અને પૂજ્ય જનકજી જ્યાં 
હાજર હોય,ત્યાં મારે આજ્ઞા કરવાની હોય જ નહિ.આપ આજ્ઞા કરો.હવે સહુએ ભરતજી સામે જોયું,

એટલે હવે ભરતજી ઉભા થયા,સૌને પ્રણામ કર્યા,પછી શ્રીરામને કહ્યું.કે-હે,પ્રભુ,આપ મારા પિતા છો,
માતા છો,ગુરૂ છો,સ્વામી છો,પૂજ્ય છો,અંતર્યામી છો- હું તો આપનો અધમ સેવક છું,હું મોહ-વશ થઇ 
આપની અને પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને અહીં આવ્યો છું,ખુદ,મૃત્યુ કે અમૃત પણ 
આપની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની ધ્રુષ્ટતા કરે નહિ,તે મેં કરી,તોયે આપે મારી ધ્રુષ્ટતાને સેવા માની,
મારા અયોગ્ય કાર્યને માફ કર્યું,આપની કૃપાથી મારા દૂષણ –ભૂષણ બની ગયાં.

ને ચોમેર મારો યશ થયો.હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે-જગતમાં આવો સ્વામી મળે નહિ,હું સેવક તો પઢાવેલા 
પોપટ જેવો પઢાવેલી બોલી બોલનારો છું,લોકો પોપટની હોંશિયારીનાં વખાણ કરે,પણ પોપટના ગુણ 
એના પઢાવનારને આધીન છે.સેવકને માટે સ્વામીની આજ્ઞા માનવી એ જ શ્રેષ્ઠ સેવા છે.એ જ શ્રેષ્ઠ પ્રસાદ છે.
હું આપની પાસેથી પ્રસાદની યાચના કરું છું.

આટલું બોલતાં બોલતાં ભરતજીની આંખોમાં આંસુ આવી ગયાં,તેમણે પ્રાણ-વિહ્વળ બનીને 
રામજીના પગ પકડી લીધા.રામજીએ સ્નેહથી તેમનો હાથ પકડી પોતાની પાસે બેસાડ્યા.
ભરતજીનું ભાષણ સાંભળી દેવો પણ “ધન્ય-ધન્ય” કહીને પુષ્પોની વૃષ્ટિ વરસાવવા લાગ્યા.
તુલસીદાસજી કહે છે કે-દેવો કાગડા જેવા છે,તેમને માત્ર બે જ ચીજ પ્રિય છે,
પોતાનો લાભ અને બીજાની હાનિ.શ્રીરામની પાસે રાવણનો વધ કરાવવો છે તે દેવોનો લાભ છે.

લોકોની ઉત્કંઠા વધી છે કે હવે શું થશે? ચિતરેલા ચિત્રની પેઠે સહુ રામજીને જોઈ રહ્યા છે.
પછી શ્રીરામે ધીર-ગંભીર થઇને ભરતજીની સામે જોઈને કહ્યું કે-સાંજ પહેલાં સૂરજ આથમે તો ઉત્પાત થયા 
વગર રહે નહીં. પિતાજીના મૃત્યુથી એવો ઉત્પાત થયો હતો,તેમાંથી ગુરુજીની કૃપાએ આપણને સૌને બચાવી
 લીધા છે.મારો અને તમારો પુરુષાર્થ એક છે,સ્વાર્થ અને પરમાર્થ એક છે,ધર્મ અને યશ એક છે.
આપણે બંને ભાઈઓ પિતાજીની આજ્ઞા પાળીએ એમાં જ સર્વનું કલ્યાણ છે.

ભરતજી ક્ષણમાં સમજી ગયા છે,કે-રામજીની ધર્મ-નિષ્ઠાને કારણે તે કોઈ પણ રીતે પોતાના નિર્ણયમાં ફેરફાર 
કરશે નહિ,તેમને વધુ ધર્મ-સંકટમાં ન નાખવા એ સ્વામીને સુખ પહોંચાડવા જેવું જ છે.
તેમના જીવને થડકાર થયો છે,કે પોતાની ઈચ્છા પ્રમાણે હવે થશે નહિ,એટલે, તરત જ વિચારીને કહ્યું કે-
હું આપની આજ્ઞા માથે ચડાવું છું,પણ મને કોઈ આધાર આપો,નહિતર હું ચૌદ વર્ષ કેવી રીતે જીવી શકીશ?
હું રાજા તરીકે નહિ પણ આપના સેવક તરીકે અયોધ્યા જઈશ,સિંહાસન આપનું છે અને આપનું જ રહેશે.
હું એ સિંહાસન પર બેસીશ નહિ,માટે આ સુવર્ણ પાદુકાઓ પર આપનાં પવિત્ર ચરણો પધરાવો,અને 
આપની પ્રસાદી સમજીને,એ પાદુકાઓને હું સિંહાસન પર પધારાવીશ,
અને તેના પ્રભાવથી જ સર્વનું કલ્યાણ થશે.

સભામાં ભરતનો જય-જયકાર થયો.સર્વેને અતિ આનદ થયો કે કોઈ ત્રીજો પણ અતિ-સુંદર રસ્તો 
ભરતજીએ ખોળી કાઢ્યો.સર્વે લોકો ભરતની સેવક-વૃત્તિની પ્રસંશા કરવા લાગ્યા,
ને રામજીના પ્રતિભાવ ની રાહ જોવા લાગ્યા.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE