Dec 19, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૫૭

શ્રીરામનો શોક જોઈને સુગ્રીવની આંખોમાંથી પણ આંસુ આવી ગયાં.તેણે રામજીને આશ્વાસન આપતાં કહ્યું કે-હું રાવણને કે તેના નિવાસસ્થાનને જાણતો નથી,તેમ છતાં હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે-રાવણનો નાશ કરીને હું તમને સીતાજીને પાછાં લાવી આપીશ.
શ્રીરામ આંસુ લુછી સ્વસ્થ થયા ને સુગ્રીવને ભેટ્યા,અને કહે છે કે-પહેલું તો મારે વાલીને હણીને તારું કામ કરવાનું છે એટલે વાલી કેવો બળવાન છે તે મારે જાણવું છે.

સુગ્રીવે કહ્યું કે-હે,રામચંદ્રજી,વાલી અતિ બળવાન છે,એ વિષે શંકા નથી,હું તમને ડરાવવા આ નથી કહેતો,
પણ એનાં ભયંકર પરાક્રમો મેં નજરે નજર જોયા છે,લડાઈમાં એ કોઈનાથી હાર્યો નથી,
આ સામે હારેહાર ઉભેલાં તાડનાં જે સાત ઝાડ દેખાય છે તે સાતે ઝાડને જે એક તીરથી એકસાથે વીંધીને 
ભોય-ભેગાં કરી શકે,એ વાલીને મારી શકે.શ્રીરામે તરત જ બાણ ચડાવ્યું ને બાણ છોડ્યું, 
ને તે સાતે તાડનાં ઝાડ એક સાથે ધરાશાયી થયા.

શ્રીરામનું આ પરાક્રમ જોઈને સુગ્રીવ એવા હર્ષમાં આવી ગયો અને તે લાંબો થઇ શ્રીરામના પગમાં પડ્યો,
ને બોલ્યો કે-હવે હું આપને ઓળખી ગયો છું,આપ માનવ નથી પરમાત્મા છો.આપનાં દર્શનથી હવે મને ભાન થયું છે કે-સુખ,સંપત્તિ,ધન પરિવાર –બધું ખોટું છે,સાચું માત્ર આપનું શરણ છે,હવે હું બધું છોડીને આપની સેવા કરીશ.વાલીને પણ હું હવે મારો હિતેચ્છુ માનું છું કારણકે એની સાથે વેર ના બંધાયું હોત તો મને દુઃખ-માત્રનો નાશ કરનાર,એવા આપનાં દર્શન કેવી રીતે થયાં હોત? 
એટલે હવે હું સર્વ છોડીને માત્ર આપનું ભજન કરીશ,મારે બીજું કશું જોઈએ નહિ.

રામજી તો સર્વજ્ઞ છે,તેમને સુગ્રીવનો આ સ્મશાન વૈરાગ્ય જોઈને હસવું આવ્યું ને એને બે વેણ કહીને 
એની શાન ઠેકાણે લાવી,અને કહ્યું કે- જા,હવે વાલીને યુદ્ધનો પડકાર કર.
સુગ્રીવ તરત જ દોડ્યો,ને કિષ્કિંધા નગરીના દરવાજે જઈને વાલીને યુદ્ધ માટે પડકાર કર્યો.
બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું.શ્રીરામ પાસેના ઝાડની પાછળ સંતાઈને ઉભા હતા,તેમણે વાલીને મારવા ધનુષ્ય સજ્જ કર્યું પણ બંને ભાઈઓ એટલા બધા સરખા દેખાતા હતા કે-એમાં વાલી કયો ને સુગ્રીવ કયો તે ઓળખાતું નહોતું.એટલે તેમણે ધનુષ્ય પર બાણ ચડાવ્યું નહિ.

બીજી બાજુ વાલીના હાથનો માર ખાઈને સુગ્રીવ અધમુઓ થઇ ગયો,અને જીવ બચાવવા નાઠો.
વાલી તેને પકડવા દોડ્યો,પણ સુગ્રીવ ઝડપથી મતંગમુનિની હદમાં ઘુસી ગયો.તેથી બચી ગયો.
વાલી વિજયનું હાસ્ય કરી ને પાછો વળી ગયો.સુગ્રીવે રામજીને ફરિયાદ કરી કે-તમારે વાલીને મારવો નહોતો 
તો મને શું કામ આટલો માર ખવડાવ્યો.તમારે મને પહેલેથી કહેવું જોઈતું હતું.

ત્યારે રામજીએ બધી વાત કરીને કહ્યું કે-હું વાલીને ઓળખી શક્યો નહિ,એને મારવા જતાં કદાચ તને મારી બેસું,એટલે હું તને ઓળખી શકું તેવું કંઈક કરવું પડશે.પછી લક્ષ્મણે ફુલની એક માલા બનાવીને સુગ્રીવની 
ડોકમાં પહેરાવી,અને એ માળા પહેરીને સુગ્રીવ ફરીથી વાલીની સામે લડવા ગયો.
આ વખતે વાલીની પત્ની તારાએ,વાલીને રોકતાં કહ્યું કે-પુત્ર અંગદના દ્વારા મને જાણવા મળ્યું છે કે-
સુગ્રીવે દશરથ-પુત્ર રામની મૈત્રી કરી છે,રામ મહા સમર્થ છે તે વિના સુગ્રીવ આમ લડવા આવે નહિ,
માટે તમે યુદ્ધનો વિચાર છોડીને ભાઈની સાથે સુલેહ કરો.ગમે તેવો તો યે એ તમારો ભાઈ છે.
પણ વાલીએ તેની સલાહ ગણકારી નહિ અને સુગ્રીવની સામે લડવા નીકળી પડ્યો.

બંને ભાઈઓ ફરી એકવાર બરોબર ટકરાયા,બંને લોહી લુહાણ થઇ ગયા.
શ્રીરામે વૃક્ષના ઓથેથી બાણ છોડ્યું જે વાલીની છાતીમાં વાગ્યું અને વાલી ચીસ પાડી ધરાશયી થયો.
પણ હજી તેનામાં પ્રાણ હતા.રામ-લક્ષ્મણ તેમની સામે જઈને ઉભા,એટલે વાલી હવે સમજી ગયો કે-
મને મારનાર શ્રીરામ છે,એટલે મરતાં મરતાં તે રામને કઠોર વચનો સંભળાવે છે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE