Nov 25, 2017

પતંજલિના યોગસૂત્રો-7-Yogsutra of Patanjali-Gujarati

ફરીથી, આ પ્રકરણની શરૂઆતમાં યોગની જે વ્યાખ્યા આપી-કે-તેને યાદ કરીએ-તો-
"યોગ-એટલે- "ચિત્તને જુદી જુદી વૃત્તિઓનું સ્વરૂપ ધારણ કરતાં રોકવું (નિરોધ) "


અત્યાર સુધીમાં-ચિત્ત,ચિત્તની વૃત્તિઓ,અને એ ચિત્ત- વૃત્તિઓ ધારણ કરે છે,તે આપણે સમજયા.
તો હવે આ ચિત્તનો "નિરોધ" એટલે કે ચિત્તને આવી વૃત્તિઓ ધારણ કરતાં રોકવી શી રીતે?
એવો તે કયો "યોગ" (ક્રિયા) કરવો જોઈએ? તો તેના જવાબમાં કહે છે કે-

  • अभ्यासवैराग्याभ्यां तन्निरोधः  (૧૨)
  • तत्र स्थितौ यत्नोऽभ्यासः (૧૩)
  • स तु दीर्घकालनैरन्तर्यसत्कारासेवितो दृढभूमिः (૧૪)
  • दृष्टानुश्रविकविषयवितृष्णस्य वशीकारसंज्ञा वैराग्यम् (૧૫)

"અભ્યાસ"  અને  "વૈરાગ્ય" દ્વારા તેમનો (વૃત્તિઓ નો) "નિરોધ" થઇ શકે (રોકી શકાય)  (૧૨)
"વૃત્તિઓ" ને ત્યાં (ચિત્તમાં) સંપૂર્ણ-સ્થિર રાખવાનો નિરંતર પ્રયાસ -તે- "અભ્યાસ"        (૧૩)
ખૂબ આદર-પૂર્વક લાંબા સમય સુધી,અભ્યાસ કરવાથી જ તે (ચિત્ત) દૃઢ બને છે.          (૧૪)
"દેખેલા" કે "સાંભળેલા" વિષયો માટેની "તૃષ્ણા" જેમનામાંથી નીકળી ગઈ છે,
તેનામાં વિષયોને વશ કરવાની જે "ઈચ્છા" ઉત્પન્ન થાય છે -તે "વૈરાગ્ય"                    (૧૫)

આપણું દરેક "કાર્ય" એ-મન પરનું   એક "કંપન" (સરોવરના તરંગ જેવું એક તરંગ) છે.
અને એ કંપન (તરંગ)  જયારે શાંત થાય ત્યારે (મનમાંથી તે કંપન નીકળી જાય ત્યારે)
પોતાનો એક  ડાઘ મુકતું જાય છે-કે જે ડાઘ ને "સંસ્કાર" કહે છે.

આવા,જુદાજુદા કાર્યોના -જુદા જુદા "સંસ્કારો"-ખૂબ મોટી સંખ્યામાં મન ઉપર પડેલા હોય છે-
અને તે બધા જોડાઈ ને -"ટેવ"  કે "સ્વભાવ" નું સ્વરૂપ લે છે.
જયારે "ટેવો" મુજબ ક્રિયાઓનું પુનરાવર્તન થાય એટલે -બને છે -મનુષ્યનું "ચારિત્ર્ય"
--જો "શુભ કે સારા" સંસ્કારો વધુ હોય અને તે સંસ્કારો પ્રબળ બને-તો
તે મનુષ્ય-તેના સારા ચારિત્ર્ય ને લીધે--સારો ચારિત્ર્ય વાળો અને સુખી થાય. એ જ પ્રમાણે-
--જો, "અશુભ કે ખરાબ" સંસ્કારો પ્રબળ બને તો -મનુષ્ય -દુષ્ટ બને -અને દુઃખી થાય.

ખરાબ ટેવોને છોડવાનો એક માત્ર ઉપાય છે-કે-તેનાથી ઉલ્ટી સારી ટેવો પાડવી -તે.
સારાં કર્મો અને પવિત્ર વિચારો કર્યે રાખવાથી-નવી સારી-ટેવ પડે છે,
નવી સારી-ટેવોના પુનરાવર્તન થી સંસ્કારો સારા થઇને સારું ચારિત્ર્ય ઘડાય છે,
અને ખરાબ અને હલકટ ચારિત્ર્યને તે દબાવે છે.

મનને તરંગ વિનાની (સ્થિર ચિત્ત ની સ્થિતિમાં) રાખવાનો -એટલે કે-
તે મનમાં તરંગો ઉઠતા જ અટકાવવાનો નિરંતર પ્રયાસ (સંયમ)-તેને  "અભ્યાસ" કહે છે.
"સંયમ" ની આ સ્થિતિ-શક્તિ -એક દિવસમાં થઇ જતી નથી,
પણ લાંબા સમય સુધી નિરંતર અભ્યાસ કરવાથી જ મળે છે.