Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-204


કાળ (સમય) એક જ છે પણ ઋતુ-ઋતુ ને લીધે જેમ તેનાં જુદાંજુદા નામ (વસંતઋતુ-વગેરે)પડે છે,તેમ,
મન ના કર્મને લીધે જુદાંજુદા નામ પડે છે.
કદાચ કોઈ વિચારે કે-મન વિના (મન વગર) -માત્ર અહંકાર-વગેરેની ક્રિયા શરીર ને ક્ષોભ કરતી હોય,
પણ તેમ થતું નથી,કારણકે જેને મન ના હોય તેને પણ ક્ષોભ થવો જોઈએ.
માટે મન વિના બીજી કોઈ "શક્તિ" નથી તે સિદ્ધ થાય છે.
ભિન્નભિન્ન મતવાદીઓએ પોતાના શાસ્ત્રમાં ભેદ કહેલા છે તર્ક થી જ કહેલા છે.અને તેવા તર્કોને
તત્વજ્ઞાનીઓ માનતા નથી,તથા તેનું શાસન પણ કરતા નથી.
હે,રામ,અનેક પ્રકારના તર્ક-વિતર્ક થવા એ મનની સ્વાભાવિક શક્તિ છે,અને તે શક્તિને લીધે જ
ભિન્નભિન્ન મતવાદીઓએ ભિન્નભિન્ન તર્કો કરેલા છે.
અને તેમાં શ્રદ્ધા ના જડ-પણાથી તે તર્કોમાં વિચિત્રતા રહેલી છે.

જેમ,ચેતન-રૂપ કરોળિયા માંથી જડ-તંતુ ની ઉત્પત્તિ થાય છે,તેમ,નિત્ય-પ્રબુદ્ધ-પરમ-પુરુષ (બ્રહ્મ)માંથી,
પ્રકૃતિ ની ઉત્પત્તિ થઇ છે.અવિદ્યા (અજ્ઞાન-કે માયા-કે પ્રકૃતિ) ના પરવશ-પણા થી, ચિત્તની ભાવનાઓ
સ્થિરતા ને પામી છે,તેથી જુદાજુદા વાદીઓ ના મતમાં મનના જે નામ-ભેદ અને રૂપ-ભેદ છે,
તે મન ની શક્તિ વડે જ કલ્પિત થાય છે.અને મલિન ચિત્ત ની “જીવ,મન,બુદ્ધિ,અહંકાર કે અહંકૃતિ”
એવી સંજ્ઞા (નામ) પડેલી છે.અને તે જ આ જગતમાં ચેતન,જીવ,ચિત્ત-વગેરેથી કહેવાય છે.
પણ આ સર્વ માં “એકતા” (સર્વ એક જ છે-એમ) હોવાને લીધે,એમાં વિવાદનું કારણ નથી.
(૯૭) આકાશત્રય નું વર્ણન

રામ કહે છે કે-હે,બ્રહ્મન,આ જગત-રૂપી આડંબર મનથી જ ઉત્પન્ન થયેલો છે,માટે જગત એ મન નું કર્મ છે,
એમ તમારા કહેવાનો અર્થ મને હવે સમજવામાં આવે છે.
વશિષ્ઠ કહે છે કે-મરૂદેશ (રણ-પ્રદેશ) નો પ્રચંડ તાપ તે પ્રકાશ (સૂર્ય-પ્રકાશ) ના આવરણ-રૂપ,
(સૂર્ય-પ્રકાશ થી જ બનતા) મૃગ-જળ (ઝાંઝવાના પાણી) નો જેમ અંગીકાર (સ્વીકાર) કરે છે,
તેમ,દૃઢ ભાવથી આસક્ત થયેલું,”મન” એ આત્માના આવરણ-રૂપ અજ્ઞાન વડે આ જગતનો અંગીકાર કરે છે.
અને આ બ્રહ્મ-રૂપ જગતમાં તે મન પણ એક આકૃતિ-પણ ને પામે છે.
અને કોઈ સમયે તે-મનુષ્ય-રૂપ, દેવરૂપ,દૈત્યરૂપ,યક્ષ,ગંધર્વ-વગેરે રૂપે થાય છે.તો કોઈ સમયે,
આકાશ ને નગર-રૂપે પણ થાય છે.

આ પ્રમાણે મન જ વિસ્તાર-વાળી આકૃતિથી સર્વ સ્થળે વૃદ્ધિ પામે છે.
માટે શરીર પણ એક ઘાસના તણખલા કે વેલા-વગેરેથી વિશેષ નથી.એટલે તે શરીર નો વિચાર
કરવાથી કંઈ ફળ નથી,માત્ર મન જ વિચાર કરવા યોગ્ય છે.
મન વડે આકુલ થયેલું આ જગત વિસ્તાર પામેલું છે,અને જો મન ના રહે તો બાકી (અવશેષ)
પરમાત્મા જ રહે છે.આત્મા (પરમાત્મા) સર્વ-પદથી અતીત છે,સર્વ સ્થળે ગમન કરનાર છે,
સર્વના આશ્રય-રૂપ છે,અને તેના પ્રસાદથી (આપવાથી) મન,આ સંસારમાં દોડે છે,તથા નાચે છે.
મન નું જે “કર્મ” છે તે જ શરીરના કારણભૂત છે.અને જન્મ-મરણ તે મન ના જ થાય છે.
આત્માને તેવા ગુણ નથી.વિચાર કરવાથી મન લય પામે છે,અને મનના લય-માત્ર થી મોક્ષ થાય છે.
મન નો ક્ષય થયા પછી પ્રાણીની મુક્તિ જ છે.અને મુક્તિ પછી ફરીવાર જન્મ નથી.
રામ પૂછે છે કે-હે,ભગવન,તમે પહેલાં ત્રણ પ્રકારની જાતિ (સત્વ-રજસ-તમસ) એમ કહી,અને
મન તેમાં પ્રથમ કારણ છે તેમ કહ્યું,તો પછી,શુદ્ધ ચૈતન્ય-તત્વમાંથી જગત-રૂપી વિચિત્રતા ઉત્પન્ન કરનાર,
મન કેવી રીતે ઉત્પન્ન થયું?તથા કેવી રીતે વૃદ્ધિ પામ્યું?

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE