Dec 20, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-373


અરે,શઠ ચિત્ત,જેમ જેમ તું ભોગોની ઈચ્છા કરતુ જાય છે-તેમ તેમ અસંખ્ય વ્યથાઓ ઉત્પન્ન થતી આવે છે.
કારણકે જન્મ-મરણ આદિ સંસારની સૃષ્ટિઓ,વાસનાઓની જાળના વિલાસથી જ થાય છે.
આથી હે,ચિત્ત, તું વિચિત્ર ચિંતાઓ ત્યજી દઈને ઉપશમ પામ.
તું વિવેક રાખીને -"આ ચપળ સંસારની સૃષ્ટિ"ને અને "ઉપશમના સુખ"ને-કાંટામાં નાખી ને તોળી જો.
પછી તને જો આ સંસારની સૃષ્ટિમાં સાર જોવામાં આવે તો-જ તેને વળગી રહેજે.

પણ,આ સંસારમાં આસ્થા રાખવી એ નિસ્સાર જ છે.એટલા માટે તેની આસ્થાને તું છોડી દે.
"આ પ્રિય છે" તેમ સમજીને કોઈ વસ્તુનું ગ્રહણ કર નહિ અને "આ અપ્રિય છે" એમ સમજીને કોઈ વસ્તુનો
ત્યાગ કર નહિ, પણ કેવળ સાક્ષીને પામવાની ઈચ્છા થી તું સ્વતંત્ર રીતે મોજ કર.

હે,ભલા,ચિત્ત,કોઈ પદાર્થ પ્રથમ ના હોય અને પાછળથી તને મળે-કે કોઈ પદાર્થ પ્રથમ મળ્યો હોય અને પાછળથી જતો રહે-તો એના ગુણ-દોષોથી -તારે કોઈ જાતની હર્ષ-શોક ની વિષમતા ધરવી નહિ,
તારેદૃશ્ય વસ્તુ સાથે લેશમાત્ર સંબંધ નથી-કારણકે તે દૃશ્ય વસ્તુ મુદ્દલે છે જ નહિ.
જે વસ્તુ મુદ્દલે ના હોય-તેની સાથે વળી સંબંધ કેવો હોય ?
તું પણ મિથ્યા છે અને દૃશ્ય વસ્તુ (સંસાર) પણ મિથ્યા છે,માટે તારે અને દૃશ્યવસ્તુને સંબંધ છે જ નહિ.

હે,ચિત્ત,કદાચ દૃશ્ય વસ્તુ મિથ્યા હોય અને તું સાચું હોય,તો પણ તારે અને દૃશ્ય વસ્તુને સંબંધ ઘટતો નથી.
કારણકે સાચાને અને ખોટાને સંબંધ કેમ ઘટે?શું મુએલાને અને જીવતાને સંબંધ હોય? તે તું જ કહે.
હે ચિત્ત,કદાચ તું સર્વદા હોય અને દૃશ્ય વસ્તુ પણ સર્વદા હોય,તો-કદી પણ ઇષ્ટ વસ્તુનો વિયોગ થવો ઘટતો નથી (બંને સર્વદા હોય તો બંને વચ્ચે વિયોગ કેમ થઇ શકે?) માટે હર્ષ-શોક નો અવકાશજ ક્યાં છે?
(પણ સત્યમાં -તો-વિયોગ થાય છે અને તેથી હર્ષ-શોક પણ ઉત્પન્ન થાય છે-માટે બંને સર્વદા નથી જ)

આથી હે,ચિત્ત,તું વિષયોના ચિંતવન-રૂપી મોટી ચિંતાઓને છોડી દે અને મૌન રહીને સ્વરૂપમાં સ્થિતિ કરવાનો જ ઉત્સાહ ધારણ કર.આ વિક્ષેપ-રૂપી સમુદ્રમાં પડીને હલકડોલક થવારૂપી ભૂંડી સ્થિતિ ને તું છોડી દે.હે,સમજુ ચિત્ત,તું રમતને માટે કરેલા દારુના દડાની જેમ સળગીને,પોતાની મેળે જ -નિરર્થક ઉછળ્યા કરે છે,તો હવે તેમ કરવું છોડી દે.તું મોહ-રૂપી-મેલ ને પ્રાપ્ત થઈને અભાગિયું થા નહિ.

હે,શઠ મન,આ દૃશ્ય વર્ગમાં કોઈ પણ એવી સર્વોત્તમ વસ્તુ નથી કે તે મળવાથી તને અત્યંત પરિપૂર્ણતા મળે.આથી વૈરાગ્ય-આદિના બળથી ઘણી ધીરજ રાખીને અને પરબ્રહ્મનો આશ્રય કરીને -તું તારી ચંચળતા ને ત્યજી દે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE