Oct 5, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-630

જડ પદાર્થોના રૂપની ભાવના કરવાને લીધે ચૈતન્ય,દ્વિત્વને પામીને પોતાના અખંડ-પણાને ભૂલી જાય છે,અને દેહનાં સુખ-દુઃખ-આદિ મિશ્રિત થયેલી સ્થિતિને ક્ષણ-માત્રમાં ધરી લે છે.
વાસ્તવિક રીતે જોતાં એ ચૈતન્ય શુદ્ધ છે,અખંડ છે,સત્ય-કે અસત્ય-એવા વિકલ્પ-રૂપ શબ્દોથી રહિત છે.જો કે એ ચૈતન્ય વ્યવહારમાં સર્વ પદાર્થોના નામ-રૂપે છે,તો પણ વાસ્તવિક રીતે જોતાં,સઘળા નામ અને રૂપોથી રહિત છે. જે કંઈ છે તે સઘળું કંઈ નથી પણ શાંત બ્રહ્મ જ છે.

આકાશની જેમ પ્રથમ ખુલેલી માયા-શક્તિને લીધે,જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિ,સૃષ્ટિ-સ્થિતિ-સંહાર,અથવા,
અધ્યાત્મ-અધિભૂત-અધિદેવ,એમ ત્રણ માર્ગોથી પ્રવર્તેલું આ જગત મનથી જ ગોઠવાયેલું છે.
એટલે,જે અધિષ્ઠાન-ભૂત-બ્રહ્મ છે તે જ જગત-રૂપે ગોઠવાયેલ છે-એમ સિદ્ધ થાય છે.

વિચારના બળ (શક્તિ) થી ઇન્દ્રિયો તથા અવયવો વાળું મન કપાઈ જતાં અને
સત્ય-પદના સાક્ષાત્કારથી જગત-રૂપી જાળ લય પામી જતાં,"કલ્પના-રૂપ" હોવાને લીધે,
મૂળથી જ વીંખાયેલો આ સંસાર-છેદાય છે અને જીવન-મુક્તિની સ્થિતિ પ્રાપ્ત થાય છે.

પશ્યંતી-તુર્યા-તુર્યાતીતા,એ ત્રણ ભૂમિકાઓમાં (દરજ્જાઓમાં) અનુક્રમે જીવન-મુક્તિની સ્થિતિ થાય છે.
તેમાં પશ્યંતી નામની ભૂમિકા પ્રથમ છે,
તેને પ્રાપ્ત કરી,જીવનમુક્ત પુરુષ,શેકેલા બીજની જેમ,પોતાના સ્વરૂપને મેળવે છે,

જેમ,શરદ-ઋતુ ના વાદળો દુર થવાથી,આકાશ નિર્મળ થાય છે,
તેમ, વિષયોની સ્મૃતિ દૂર થતાં મન નિર્મળ બને છે
અને વિષયો હોવા છતાં તે જીવનમુક્ત ચૈતન્ય-સ્વ-ભાવમાં રહે છે.
તે સર્વની સામાન્ય સત્તા-રૂપને મેળવે છે , જીવતાં જ સંસાર-રૂપી મહાસાગરને તરી જાય છે,
ફરીથી જાગવું ના પાડે તેવી સ્વયં-પ્રકાશ-વાળી સુષુપ્તિની અવસ્થાને પ્રાપ્ત કરે છે,અને,
તેથી જ તે જીવનમુક્ત પુરુષ,સર્વ-વ્યાપક-પોતાના-પદને મેળવી આરામ સેવે છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE