Oct 17, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-638

સદાશિવ કહે છે કે-હે વસિષ્ઠ મુનિ,એ પરમાત્મા અપ્રમેય,શાંત,મહામંગલ-રૂપ,સૌમ્ય,ચૈતન્ય-માત્ર-રૂપ અને નિરાકાર-રૂપ હોવા છતાં -પણ-સર્વ-રૂપ છે.ઈચ્છા-સતા,આકાશ-સત્તા,કાળ-સત્તા,નિયમ-સત્તા,સર્વમાં વ્યાપી રહેલી મહા-સત્તા,જ્ઞાન-શક્તિ,ક્રિયા-શક્તિ,કર્તૃત્વ-શક્તિ અને અકર્તૃત્વ-શક્તિ-વગેરે જેવી તેમની શક્તિઓનો અંત જ નથી.

વસિષ્ઠ કહે છે કે-હે સદાશિવ,એ શક્તિઓ શાથી થઇ છે? તેઓમાં બહુ-પણું કેમ છે? તેમનો ઉદય કેમ થયો છે? અને શક્તિઓનો તથા શક્તિઓ-વાળાનો ભેદ તથા અભેદ શી યુક્તિથી સંભવે છે?

સદાશિવ કહે છે કે-એ મહા-મંગલ તથા અનંત-રૂપ ચૈતન્યમાં -જે-"કલ્પિત ભેદો" છે-તે જ "શક્તિઓ" કહેવાય છે. જે શક્તિ છે-તે ચૈતન્યનું જ સ્વરૂપ છે,માટે તે (શક્તિ) ચૈતન્યથી જરા પણ જુદી નથી.
જેમ જળમાં જ તરંગ-આદિ ભેદની કલ્પના થાય છે,તેમ ચૈતન્યમાં જ્ઞાતા-પણું,કર્તા-પણું,ભોક્તા-પણું તથા સાક્ષી-પણું -વગેરે-શક્તિઓની કલ્પના કરવામાં આવી છે-કે જે કલ્પના-શક્તિઓ અનેક રૂપો ધારણ કરે છે.

જેમ નચાવનારાએ (નિર્દર્શકે) અનુક્રમથી કેળવેલા નટો (નાટકના કલાકારો) નૃત્ય-મંડપ (સ્ટેજ) પર નાચ્યા કરે છે,તેમ,કાળ,ઋતુ,માસ-આદિના ક્રમથી કેળવેલાં જગતો બ્રહ્માંડમાં નાચ્યા કરે છે,તે પણ એક કલ્પના માત્ર જ છે.જે કાળ-શક્તિ છે તેને જ અમે નિયમ-શક્તિ કહીએ છીએ,
કે જેને બીજા મત-વાદીઓ "ઈશ્વરની ઈચ્છા,ક્રિયા તથા પ્રયત્ન" આદિ નામ આપે છે.

એ કાળ-શક્તિથી જ --ખડ (ઘાસ) થી માંડીને-મહા-રુદ્ર સુધી તથા બ્રહ્માના ચલન-સુધી,
"અમુકનો આકાર આવો જ થાય કે અમુકનો વિકાર આવો જ થાય" એવી રીતના નિયમો ગોઠવાયા છે.
તેથી જે કાળ-શક્તિ છે તે જ નિયમ-શક્તિ કહેવાય છે.

કશા ઉદ્વેગ વગર નિરંતર ચાલી જતી એ નિયમ-શક્તિ જ્યાં સુધી તત્વ-બોધથી બાધિત ન થાય-
ત્યાં સુધી,નાચ્યા કરે છે.અને જગતના જાળ-રૂપી નાટકનો ખેલ કર્યા કરે છે,
કે જે ખેલ,અનેક પ્રકારની તૃષ્ણાઓ-રૂપી વિલાસોથી ભરપૂર છે,વિવર્તો-રૂપી વહાણોથી સંયુક્ત છે,અને
પ્રલય-રૂપી વિરામના સમયમાં મેઘો (વરસાદ) ના અત્યંત અવાજો (ગર્જનાઓ) વાળો થાય છે,
ઋતુઓ-રૂપી-પુષ્પોથી ભરપૂર છે,ને સુખ-દુઃખોના દેખાવો-રૂપી તથા
તેઓથી થતા દોષો-રૂપી સ્થાયી ભાવોથી સ્પષ્ટ જણાતા-કામ-ક્રોધ-આદિ રસો વાળો છે.

એવા અનેક પ્રકારના વિકારોથી ભરેલા અને નિયમ-શક્તિ-રૂપ નદીના વિલાસો-વાળા-
આ "સંસાર" નામના અનાદિ મહા-નાટકમાં -
સર્વદા પ્રકાશમાન-આ પ્રત્યાગાત્મા-રૂપ એક રાજા જ જોનાર છે.
જો કે વાસ્તવિક રીતે જોતાં-એ રાજા (પરમાત્મા) નટીથી કે નાટકથી ભિન્ન જ નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE