Dec 13, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-690

હે અર્જુન,તમે માનને,મદને,શોકને,ભયને,તૃષ્ણાને,સુખને અને દુઃખને છોડી દો.આ સઘળું દ્વૈત મિથ્યા છે.
તમે સઘળા દ્વૈતના અધિષ્ઠાન-રૂપે એક અને સત-રૂપ થાઓ.
આ સેનાઓમાં જે માણસો-પશુઓ વગેરે છે-તેઓ પણ અનુભવ-રૂપ-બ્રહ્મ છે,
અને તેઓનો તમારા હાથથી જે ક્ષય થશે તે પણ અનુભવ-રૂપ બ્રહ્મથી જ થશે.
માટે (તે સર્વ) શુદ્ધ બ્રહ્મને, યુદ્ધ-રૂપ-સ્વ-ધર્મથી બ્રહ્મમય જ કરો.

હે અર્જુન,સુખમાં સુખ-બુદ્ધિ,દુઃખમાં દુઃખ-બુદ્ધિ,લાભમાં લાભ-બુદ્ધિ,હાનિમાં હાનિ-બુદ્ધિ,
વિજયમાં વિજય-બુદ્ધિ અને પરાજયમાં પરાજય-બુદ્ધિ ન રાખતાં,
સર્વમાં બ્રહ્મ-બુદ્ધિ રાખીને શુદ્ધ બ્રહ્મ-રૂપ જ થાઓ.
તમે જે કરો છો,જે ભોગવો છો,જે હોમો છો,જે આપો છો અને હવે પછી જે કરશો-
તે સઘળું આત્મા જ છે,એવી દ્રઢ ભાવના રાખીને સ્થિર થાઓ.

જે માણસ  ચિત્તમાં જે વસ્તુનું ધ્યાન કરે ,તે માણસ તે વસ્તુને અવશ્ય પ્રાપ્ત કરે છે,
માટે તમે સત્ય-બ્રહ્મને પામવા ચિત્તમાં સત્ય-બ્રહ્મમય થાઓ.
બ્રહ્મવેત્તા પુરુષ પોતાની સઘળી કામનાઓને શાંત કરનાર પરમ પુરુષાર્થ મેળવી,
વ્યવહારથી પ્રાપ્ત થયેલાં કર્મોને બ્રહ્મની ભાવનાથી રાગ-રહિત બનાવીને (અનાસક્ત થઈને) કરે છે.
જે પુરુષ કર્મમાં બ્રહ્મ-દ્રષ્ટિ રાખે અને બ્રહ્મ-રૂપ સ્થિતિને જ અવશ્ય કરવા યોગ્ય કર્મ ધારે,
તે પુરુષ જ મનુષ્યોમાં બુદ્ધિમાન ગણાય છે અને સંપૂર્ણ કર્મ કરનારો કહેવાય છે.

હે અર્જુન, તમે લાભ વગેરેની લાલચથી કર્મ કરો નહિ,અને પ્રાપ્ત થયેલાં કર્મો ન કરવામાં પણ
આસક્તિ રાખો નહિ,પરંતુ,ફળની સિદ્ધિ-હાનિમાં સરખી ભાવના રાખીને પ્રાપ્ત થયેલાં કર્મો કરો.
તમે કર્મોમાં આસક્તિ છોડી દેશો,એટલે  કર્મરહિત થશો.
જે મનુષ્ય કર્મોનાં ફળોમાં આસક્તિ નહિ રાખતાં-સર્વદા તૃપ્ત રહે છે અને અભિમાનથી રહિત થાય છે,
તે મનુષ્ય કર્મોમાં ખુબ જ રચ્યોપચ્યો રહેતો હોય-તો પણ કશું કરતો નથી.

જે આસક્તિ છે-તે જ કર્તા-પણું કહેવાય છે.
જો મનમાં મૂર્ખતા હોય તો કર્મો ન કરવા છતાં પણ કર્તાપણું થાય છે,માટે મૂર્ખતા નો ત્યાગ કરવો જોઈએ.
કર્તા-પણાનો ભાવ મટી જવાથી ભોક્તા-પણાનો ભાવ દુર થાય છે અને એકતા પ્રાપ્ત થાય છે,
સંપૂર્ણ એકતાથી જીવનમુક્તપણું પ્રાપ્ત થાય છે અને જીવનમુક્તપણાથી વિદેહમુક્તિ પ્રાપ્ત થાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE