Mar 26, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-772



બ્રહ્મા કહે છે કે-જ્ઞાન એ જ મોક્ષ થવાનું કારણ છે અને જ્ઞાન વડે જ દુઃખનો સંપૂર્ણ નાશ થાય તેવો અનુભવ છે.કર્મો તો સ્વર્ગ-આદિ ભોગોની પ્રાપ્તિના વિનોદ માટે મનુષ્યને શુભ પ્રવૃત્તિ કરાવી,અને નરકમાં લઇ જનાર અનર્થોમાં ના જવા દઈને,શુભ કલ્યાણમાં જ તેનું આયુષ્ય પસાર થાય તેને માટે છે.
હે પુત્ર,જેઓ જ્ઞાન-દ્રષ્ટિને પહોંચી શકતા નથી, તેઓને માટે કર્મ-એ આનંદનું મુખ્ય સાધન છે,કેમ કે,બીજું કોઈ સારું વસ્ત્ર (જેમ કે પીતાંબર) ના મળે ત્યાં સુધી કંબલનો (ધાબળાનો) કોઈ ત્યાગ ના કરે !!

અને આ જ પ્રમાણે (એટલે જ) જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત થાય નહિ,ત્યાં સુધી કર્મ (કરવાં) પણ ઠીક છે.
અજ્ઞાનીઓનું કર્મ સર્વ વાસનાઓ હોવાને લીધે ફળ આપે છે,અને જ્ઞાનીઓનું કર્મ વાસનાઓનો નાશ થવાથી ફળ આપતું નથી.જેમ પાણી નહિ પાવાથી લતાઓ ફળ આપતી નથી તેમ,જ્ઞાનીનાં શુભ કર્મો પણ વાસના નાશ થઇ ગયાથી ફળ આપતા નથી.(અશુભ કર્મોનું પણ તેમ જ સમજવાનું છે)
પ્રારબ્ધ-રૂપે ફળ આપવાને તૈયાર થયેલાં કર્મો,પણ વાસનાનો નાશ થતાં-તેમનો નાશ થાય એટલે માત્ર દેખાવ પૂરતાં રહે છે.આમ,વાસનાઓનો નાશ થવાથી કર્મનું ફળ પણ નાશ પામી જાય છે.

દુઃખની મૂઢ ભાવના-વાળો મૂઢ મનુષ્ય જ દુઃખને દેખે છે,બાકી તત્વજ્ઞની દૃષ્ટિએ કશું દુઃખ આવતું જ નથી.
જ્ઞાનીની ક્રિયાને (આંખથી) જોવામાં આવતાં છતાં,પણ ફળ (જન્મ-મરણ-વગેરે) આપી શકાતી નથી.
અજ્ઞાન દશામાં પણ અહંકાર-વગેરે રૂપે સ્ફૂરેલી વાસના તાત્વિક દૃષ્ટિ એ જોતાં છે જ નહિ,માટે અજ્ઞાનને લીધે જ તે ઝાંઝવાના જળની ભ્રાંતિની પેઠે તે વાસના દેખાય છે.
આ જ અજ્ઞાન "સર્વ બ્રહ્મ-રૂપ છે" એવી ભાવનાથી નાશ પામી જવાને લીધે,
જેમ અનુભવીને ઝાંઝવાના જળની અનુભૂતિ ના થાય,તેમ જ્ઞાનીના ચિત્તમાં વાસના ઉત્પન્ન થતી જ નથી.

સર્વ વાસનાઓના ત્યાગ થઇ જવાથી જીવ પાછો (ફરીવાર) જન્મ લેતો નથી,અને બ્રહ્મ-રૂપ થઇ જાય છે.
જ્યાં સુધી ચિત્તમાં વાસના રહે ત્યાં સુધી તે મન કહેવાય છે,અને મન વાસના વગરનું થઇ જાય તો -
તે પોતે જ જ્ઞાન-રૂપ છે.તે જ્ઞાન વડે આત્મ-સ્વ-રૂપ ઓળખવામાં આવે તો પુનર્જન્મ થતો નથી.

ચૂડાલા કહે છે કે-હે રાજર્ષિ,જ્ઞાન એ જ પરમ કલ્યાણ-રૂપ-મોક્ષ-સાધન  છે,એમ ઉપર જણાવ્યા પ્રમાણે બ્રહ્મા-આદિ મોટા પુરુષો પણ કહે છે.તો પછી તમે આ (વાસના-વાળા) કર્મોને,શા માટે મોક્ષનું સાધન માની બેઠા છો? આ કમંડળ,દંડ,કાષ્ટો,દર્ભાસન-વગેરે મમત્વથી બંધન આપનાર અનર્થોના વિલાસમાં તમે શી રીતે આનંદ માનો છો? તમે "હું કોણ છું?આ સઘળું શી રીતે ઉત્પન્ન થયું છે?અને પાછું કોનામાં લય થાય છે?"
એ વિષે કેમ કંઈ વિચાર કરતા નથી? અને અજ્ઞાનીની પેઠે વિચાર વગરના કેમ થઈને રહ્યા છો?

"શી રીતે બંધન થાય? અને શી રીતે મોક્ષ થાય?" એવા પ્રશ્નો પૂછી,તેના ઉત્તરની અભિલાષાથી.
તમે પરબ્રહ્મનો અનુભવ કરનાર મહાત્માઓના ચરણોનું સેવન શા માટે કરતા નથી?
અને આમ ના કરતા,તમે,વ્રત-ઉપવાસ-ટાઢું-ઉનું સહન કરીને,આત્માને દુઃખ આપનાર આ ક્રિયા વડે આયુષ્યનો ક્ષય કરીને,અહી જંગલમાં કેમ પડી રહ્યા છો? સત્પુરુષો નો સંગ કરવાથી,તેમને પ્રશ્ન કરવાથી,
એવી યુક્તિ મળી આવે છે કે-જે વડે આ સંસાર-બંધનમાંથી મુક્ત થવાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE