Jun 11, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-828

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,જેમ આકાશ કંઈ પણ નથી,પરંતુ તે એકલી ખાલી જગા છે.(તે દેખાતું નથી)
તેમ,માયા પણ કંઈ નથી પરંતુ તેમાં જે "અહંકાર" થાય છે તે જ પેલો માયા-રૂપી-યંત્રે બનાવેલો મિથ્યા-પુરુષ સમજવો.માયા-રૂપી-આકાશની અંદર,આ સર્વ જગત રહેલું છે,તે જગતને આરંભ-અંત વિનાનું,જુઠ્ઠું અને ખાલી કલ્પેલું જાણો.એ "માયાકાશ"ની અંદર અધિષ્ઠાન-રૂપે બ્રહ્મ જ રહેલું હોય છે.

(નોંધ-એટલે કે તે માયાકાશ એ બ્રહ્માકાશ જ છે.સહેલી રીતે સમજવા માટે જોઈએ તો-આકાશ અને તેમાં રહેલ વાયુ એ બંને નરી આંખે જોઈ શકાતા નથી.સરળતાથી સમજાવવા શાસ્ત્રોમાં આકાશના દેવતા વિષ્ણુ (બ્રહ્મ) અને વાયુના દેવી માતાજી (માયા) કહ્યા છે.જો ગોપનીય રહેલ-આ વિષે અત્યંત વિચાર કરવામાં આવે તો અહી દર્શાવેલી વાત અને બીજું ઘણું બધું સમજવાનું સહેલું થઇ જાય છે-અનિલ)

જેમ આકાશમાંથી પ્રથમ શબ્દ (ॐ કે અ-ઉ-મ) ઉત્પન્ન થાય અને પવન (વાયુ) માંથી પહેલી ગતિ (અ-ઈ-મ)
પ્રગટ થાય,તેમ (ઉપરની બંને રીતે સમજીએ તો) સહુ પ્રથમ "અહંકાર" (અહમ) ઉત્પન્ન થાય છે.
એ અહંકાર (કલ્પેલો હોવાથી) અનાત્મા છતાં (અજ્ઞાન કે માયાથી) આત્મા-રૂપે બની જઈ,
આકાશની અંદર વૃદ્ધિ પામી,અનેક જાતની "કલ્પના"ઓ વડે સારું-નરસું -આદિ કલ્પી લે છે.
અને પછી પોતે જ કલ્પી લીધેલ "હું" એવા પોતાના નામ વડે ઇષ્ટ (ઈચ્છેલી-પ્રિય) વસ્તુ મેળવવા
અને અનિષ્ટ (અપ્રિય) વસ્તુ દુર કરવા તે યત્ન કરે છે.

પોતે અનાત્મા છતાં,એક આત્માની રક્ષા કરવા માટે પ્રવૃત્તિમાન થઇ ધારણ કરેલા દેહનો નાશ થઇ જાય,
તો પણ પોતે વ્યાકુળ બની જઈ (કર્મ-વાસના અનુસાર) બીજા અનેક પ્રકારના દેહો "કલ્પી" લે છે.
એ અહંકાર જ માયા-પુરુષ અને મિથ્યા-પુરુષ,એ બંને નામથી કહેવામાં આવ્યો છે.
તે વસ્તુતઃ અસત્ય છતાં,વૃથા-માત્ર માયા વડે જ ઉત્પન્ન થયેલો છે.
ઘર,કુંભ,કૂવો-વગેરે રૂપે કહેવામાં આવેલા અનેક દેહોને તે કલ્પી લઇ,તેની રક્ષા કરતાં,"મેં આત્માની રક્ષા કરી છે"
એમ દેહની મર્યાદામાં રહેલા માયામય-આકાશ-રૂપ-આત્મામાં તે "ભાવના" કરે છે.

હે રામચંદ્રજી,હું તમને એ અહંકારોનાં નામો કહું છું તે તમે સાંભળો.
એ નામો જગતને આકારે દેખાતા પોતાના વિલાસોથી આત્માને મોહ પમાડી દે છે.
જીવ-બુદ્ધિ-મન-ચિત્ત-માયા-પ્રકૃતિ-સંકલ્પ-કલ્પના-કાળ અને કળા-વગેરે નામો અહંકારનાં જ પ્રસિદ્ધ છે.
અને બીજાં પણ કલ્પના પ્રમાણે જોડેલાં અર્થ-વાળાં અનેક નામો વડે એ અહંકાર પ્રકાશી રહ્યો છે.
એ અહંકારે પૂર્ણ-બ્રહ્મની અંદે પોતાની મેળે જ અત્યંત લાંબા શૂન્ય આકાશને કલ્પી લઇ,તેમાં વાયુ-આદિ ક્રમ વડે આ જગત (ગંધર્વ-નગરની જેમ-પાયા વિનાના) ને કલ્પી લીધેલ છે અને તેની અંદર એ મિથ્યા-પુરુષ,
મિથ્યા સુખ-દુઃખોનો અનુભવ કરી રહ્યો છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE