Jun 22, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-839

હે રાજા," આ સારું છે અને આ નઠારું છે" એ જ તમને દુઃખ દેવામાં બીજ-રૂપ છે,
એ બીજ જો સમાન-દ્રષ્ટિ-રૂપી-અગ્નિ વડે બળી ગયું હોય તો પછી દુઃખનો અવસર જ ક્યાંથી રહે?
સમાન-દ્રષ્ટિ દૃઢ બનાવી,પ્રબળ પુરુષાર્થથી સંકલ્પ-માત્ર છોડી દો અને
તેના અભાવ-રૂપી શસ્ત્રથી તમે સારા-નરસા પદાર્થમાં પ્રિય-અપ્રિય-પણાની "કલ્પના" ને છેદી નાખો.
હે રાજા,સમાધિ-રૂપી-નિર્વિકલ્પ-દશાથી થતા આત્મ-જ્ઞાનને લીધે તમે,આકાશથી પણ અતિ-સુક્ષ્મ ભાવને
પ્રાપ્ત થઈને શોક-રહિત થઈને રહો.

તમે પ્રથમ વિવેકનો વિકાસ થતાં,સમાધિ-બળથી સર્વ બહારની "કલ્પનાઓ" ને ટાળી નાખી,
એક પૂર્ણ પરમાત્મા વડે પરિપૂર્ણ રીતે ભરપૂર થઇ રહેલા આ સર્વ જગતને જુઓ
અને પછી પરમ-આનંદ-રૂપ-બ્રહ્મસુખનો "અનુભવ" કરી,અખંડ એકતાને પ્રાપ્ત થઇ,
સંસાર-રૂપી-મહાવ્યાધિને નિવૃત્ત કરી,શાંતિ વડે સમાનતાવાળા,
નિર્મળ,આકારને ધારણ કરીને નિર્ભય ચૈતન્ય-રૂપ થઇ જાઓ.

(૧૨૦) યોગની સાત ભૂમિકાઓ

મનુ મહારાજ કહે છે કે-
પહેલાં શાસ્રો અને સત્પુરુષોના સમાગમથી (શ્રવણથી) બુદ્ધિને વધારવી-
એ યોગીના યોગ ની "પહેલી-ભૂમિકા" છે.(જેને "શુભેછા" પણ કહે છે)

વિચાર (મનન) એવા નામની "બીજી-ભૂમિકા" છે.(જેને "વિચારણા" પણ કહે છે)

અસંગ-ભાવના (નિદિધ્યાસન) નામની "ત્રીજી-ભૂમિકા" છે.(જેને "અસંસક્તિ" કે અસંગતા પણ કહે છે)

વિલાપીની (વાસના-નાશ) એવા નામથી ઓળખાતી "ચોથી-ભૂમિકા" છે.(જેને "સ્વપ્ન" પણ કહે છે)
(કે જેમાં તત્વનો સાક્ષાત્કાર થવાથી વાસનાઓનો મૂળથી નાશ થઇ જાય છે)

"પાંચમી-ભૂમિકા" સમાધિનો પરિપાક થઇ જવાને લીધે અનુભવાતા ઉત્તમ આનંદ વડે શુદ્ધ "ચૈતન્યમય" છે,
કે જેની અંદર નિંદ્રા શેષ રહી ગયાથી અર્ધા ઊંઘતા અને અર્ધા જાગતા પુરુષની પેઠે જીવનમુક્ત રહે છે.
(કે જેને "સુષુપ્ત" કે જીવનમુક્તતા પણ કહે છે)

"છઠ્ઠી ભૂમિકા" પોતાની મેળે જ સતત એકધારી રહેનારી "અનુભવ-વાળી-બ્રહ્માકાર-વૃત્તિ-રૂપ" છે.
(જેને  "તુર્ય" પણ કહેવામાં આવે છે)
જેમાં આનંદના જ એક ગાઢ આકાર-વાળી યોગીના ચિત્તની સ્થિતિ,"સુષુપ્તિ અવસ્થા-વાળા" જેવી થઇ જાય છે,અને તે જ પરમ શાંત અવસ્થા "તુર્ય-પદ" કહેવાય છે,કે જે કેવળ મોક્ષ-રૂપ જ છે.

સમાનતા અને સ્વચ્છતા વડે,એકદમ શાંત એવી "સાતમી-ભૂમિકા" એ "તુર્યાતીત" કહેવાય છે,
(જેને "વિદેહમુક્તતા" પણ કહેવામાં આવે છે)
કે જે પરમ "નિર્વાણ-રૂપ" છે.અને આ ભૂમિકા જયારે પાકટ દશામાં આવે છે,ત્યારે "વિદેહ-મુક્તિ" કહેવાય છે.
કે જે વિદેહ-મુક્તિ એ "જીવતા" યોગી-પુરુષનો વિષય નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE