Jun 24, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-841

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,ક્ષીણ વાસનાવાળી બુદ્ધિ વડે,જે કર્મ કરવામાં આવે,તે,શેકાવાથી બળી ગયેલ બીજની જેમ ફરીવાર અંકુર પેદા કરી શકતાં નથી (ફળ આપતાં નથી) દેહ-ઇન્દ્રિય-આદિ કર્મ (ક્રિયા) કરવાનાં સાધનો વડે કર્મ કરાય છે,પણ તે દેહ-ઇન્દ્રિય-આદિ ભિન્ન-ભિન્ન હોવાથી,તેનો એક જ કર્તા કે એક જ ભોક્તા કેવી રીતે ઘટી શકે?


સર્વ પદાર્થોમાંથી "હું અને મારું" એવી વાસનાને છોડી દઈ,અજ્ઞાન-રૂપ નિંદ્રામાંથી જાગ્રત થયેલ,પૂર્ણતા-વાળો પુરુષ ચંદ્રમાના જેવો શીતળ અને કાંતિ-વડે સૂર્યના જેવો પ્રકાશમય ભાસે છે.
તેના દેહના સંચિત-ક્રિયમાણ કર્મો,જ્ઞાન-રૂપી પવનનો ઝપાટો લાગતાં ક્યાંય જતાં રહે છે.
મનુષ્યની સર્વ કળા (જેમ કે સંગીત વગેરે) અભ્યાસ વડે મહાવરો રાખવામાં ના આવે તો,નાશ પામી જાય છે,
પણ જો જ્ઞાન-રૂપી-કળા એક વખત અંદર પ્રગટ થઇ,તો તે દિવસે દિવસે વધવા માંડે છે.

(૧૨૧) ઉચ્ચ-નીચ ગતિમાં ભાવના જ કારણ છે

મનુ મહારાજ કહે છે કે-જ્યાં સુધી વિષયોના ભોગની આશા રહેતી હોય,ત્યાં સુધી "આત્મા"ની "જીવ" એવી સંજ્ઞા રહે છે.પણ ભોગની એ આશા અવિવેકને લીધે જ ઉત્પન્ન થયેલી હોય છે,ખરી રીતે તો તેમાંનું કંઈ છે જ નહિ,
એટલે એ આશા વિવેકને લીધે (અજ્ઞાનનો ક્ષય થવાથી)દુર થઇ જાય છે,ત્યારે આત્મા તે "જીવ-ભાવ" ને ત્યજીને,
આ સંસાર-રૂપી મહારોગમાંથી મુક્ત થઈને,"બ્રહ્મ-ભાવ"ને પ્રાપ્ત થાય છે.

આ સંસાર એક ઘટમાળ (રેંટ) છે,જે જીવો-રૂપી ઘડાઓને ઉંચે (સ્વર્ગ-આદિ ઉત્તમ લોકમાં) અને
નીચે (નરક આદિ અધમ લોકમાં) લઇ જાય છે.
(નોંધ-પહેલાંના જમાનામાં કૂવામાંથી પાણી કાઢવા માટે ઘડાઓની એક મોટી માળા બનાવી,તેને બળદની મદદથી,તે ઘડાને નીચે લઇ જવામાં આવતી,કે જે ઘડાઓ કૂવામાં નીચે જઈ પાણી ભરી લે અને
ઉપર આવી તે પાણી ખાલી કરે અને પાછો નીચે જાય-જે રેંટ (ઘટમાળ) કહેવાતું હતું)


તે ઘડાઓને બાંધી રાખનાર,ભોગ અને ચિંતા-રૂપી-દોરડું છે-તે તૂટી જતાં,પોતાને સંસારમાં જવા આવવાનું રહેતું નથી.જે પુરુષો "દેહ-આદિ વસ્તુ મારી છે અને હું દેહ-આદિનો છું" એવી વ્યવહારિક ગાઢ ભ્રાન્તિને,મોહને લીધે સેવે છે,તે શઠ પુરુષો અધમ માં અધમ લોકમાં જાય છે.પણ જેઓએ આ ભ્રાંતિ પોતાની બુદ્ધિથી (જ્ઞાન વડે) ત્યાગ કરી દીધો છે,તેઓ ઉત્તમમાં ઉત્તમ લોકમાં જાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE