Jun 30, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-847

અજ્ઞાન દુર થતાં,જે શાંત પરબ્રહ્મ આપોઆપ પ્રકાશે છે,તેને શાસ્ત્રો બતાવી શકતાં નથી,કારણકે ત્યાં,માયા કે અવિદ્યા એ કંઈ પણ રહેતું નથી.
માયામાં ચેતનનો આભાસ પડતાં,જુદા જણાતા,સર્વત્ર સમાન-રૂપે રહેલ,
વિકાર રહિત,સર્વ-શક્તિમાન જે (માયા-વિશિષ્ઠ) બ્રહ્મ છે,તેને કેટલાક "શૂન્ય-ધર્મ-વાળો",કેટલાક  વિજ્ઞાન (બુદ્ધિ) તરીકે તો કેટલાક તેને ઈશ્વર (પરમાત્મા) કહીને - પરસ્પર વાદ-વિવાદ કરે છે.


હે રામચંદ્રજી,તમે એ સર્વ વાદ-વિવાદની વાતને બાજુએ મૂકી દઈ,મન-સહિત સર્વ ઇન્દ્રિયોનાં કાર્યોને,શાંત કરનાર,"મહામૌન" ને ધારણ કરો.તથા મુક્ત,ક્ષીણ ચિત્ત-વાળા,શાંત બુદ્ધિના અને નિઃસંકલ્પ થઇ,મૂંગા,બહેરા અને આંધળાની પેઠે,ચિત્તને નિર્વિકાર અને શાંત રાખી,કેવળ ચૈતન્ય-રૂપ-આત્મામાં જ
સ્થિર થઇ રહો,અને નિત્ય અંતઃકરણમાં જ ધ્યાન ધરી રહી,પોતાની બુદ્ધિને આત્મ-સુખથી ભરપૂર રાખો.

હે રામચંદ્રજી,તમે જાગ્રત અવસ્થામાં જ સુષુપ્તિ અવસ્થા-વાળાની પેઠે નિર્વિકલ્પ રહી,કર્મો કરો.
અંદરથી સર્વનો ત્યાગ કરો અને બહાર જે આવી મળે,તે કર્મ કર્યે જાઓ.
ચિત્તની સત્તા-એ જ પરમ દુઃખરૂપ છે અને ચિત્તની અ-સત્તા એ જ પરમ સુખરૂપ છે,માટે તમે એક ચૈતન્ય-આત્મા-રૂપે રહી,કોઈ જ જાતનો સંકલ્પ નહિ સ્ફૂરવા દઈને ચિત્તનો નાશ કરો.
સારી-નરસી (પ્રિય-અપ્રિય) વસ્તુને જોઇ,નિઃસંકલ્પતાથી હર્ષ-શોકને નહિ પામતાં,પથ્થરની પેઠે
સમાન સ્થિતિવાળું (નિર્વિકાર) થઈને રહેવું.આટલા જ માત્ર પુરુષ-પ્રયત્નથી સંસાર જીતાઈ જાય છે.

સુખ-દુઃખનો કશો વિચાર કરવો નહિ,અને તે બંને (સુખ-દુઃખ) ના સાધનો તરફ પણ મનને ગૂંથાવા દેવું નહિ.
માત્ર એટલા જ પોતાના પુરુષાર્થથી,અનંત દુઃખોનો અંત પ્રાપ્ત કરી શકાય છે.
આ ત્રણેય લોકની વસ્તુના સાર-રૂપ-પરમ-તત્વને ઓળખી ગયેલો,અંદર શીતળતાને અનુભવનારો,
પોતાની મેળે પ્રાપ્ત થયેલા નિરતિશય સુખ-રૂપી અમૃતનો સ્વાદ લેવાથી,તેમાં તેજ-રૂપ બની ગયેલો,અને
પરમ પદ (પરમાત્મા) ને પહોંચી ગયેલો,તત્વજ્ઞ પુરુષ,જીવનમુક્તિના સુખને પ્રાપ્ત થાય છે.અને
પ્રારબ્ધથી વ્યવહાર કરવા છતાં -તે વ્યવહારમાં તે અનાસક્ત હોવાથી-તે કંઈ (વ્યવહાર કે કર્મો) કરતો નથી.

(૧૨૬) યોગ-ભૂમિકાનો અભ્યાસક્રમ

રામ કહે છે કે-સાત યોગ-ભૂમિકાઓનો અભ્યાસ શી રીતે કરાય છે? અને તે ભૂમિકાનાં ચિહ્નો કેવાં હોય છે?

વસિષ્ઠ કહે છે કે-વેદ-માર્ગમાં રહેનારા પુરુષ બે પ્રકારના હોય છે.એક "પ્રવૃત્ત" અને બીજો "નિવૃત્ત"
આ બંનેમાં "પ્રવૃત્ત" સ્વર્ગ તરફ જનારો ને "નિવૃત્ત" મોક્ષ પામનારો હોય છે.
(નોંધ-સ્વર્ગમાં,ભોગો ભોગવતાં,પુણ્ય વપરાઈ જતાં,ફરી જન્મ લેવો પડે છે,મોક્ષમાં જન્મ-મરણ છૂટી જાય છે!!)


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE