Sep 8, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-913

મંકિઋષિ (વસિષ્ઠને) કહે છે કે- હે મહારાજ,આપ કૃપા કરીને મને સત્ય આત્માનો નિર્દેશ કરી કહી બતાવો,
કેમ કે આપ જેવા મહાત્માઓના હૃદય-રૂપી-સરોવરો હંમેશા ગંભીર અને પ્રસન્ન હોય છે.દર્શન માત્રથી જ મિત્રતાનો ભાવ બતાવનારા મહાત્મા પુરુષોની પાસે પ્રાણીમાત્ર કમળની પેઠે ખીલી ઉઠે છે.અને શાંતિ મેળવે છે.આ મારું ચિત્ત કંઇક (થોડુંક) વિવેક-વાળું હોવા છતાં,મોહને લીધે,સંસાર-રૂપી ભ્રાંતિથી થતા દુઃખને
પૂરેપૂરું નિર્મળ કરવાને સમર્થ થઇ શકતું નથી.માટે આપ જ એ (ચિત્ત) સમર્થ થઇ શકે તેવું કરો.

વસિષ્ઠ કહે છે કે-હે મહાબુદ્ધિશાળી,હું આકાશમાં વસનારો વસિષ્ઠ નામનો ઋષિ છું,અને અજરાજાના યજ્ઞના પ્રસંગે જતાં આ માર્ગે આવી ચડ્યો છું.તમે ખેદ કરશો નહિ,કેમકે તમે બુદ્ધિમાન-વિવેકી-પુરુષોના માર્ગ પાર
આવી ચૂક્યા  છો અને ઘણું કરીને સંસાર-સાગરને પેલે પર પહોંચી ચૂક્યા જેવા જ છો.
જે પુરુષ મહાત્મા નથી હોતો,તેની તમારા જેવી વૈરાગ્ય અને ઉદારતાવાળી ઉત્તમ બુદ્ધિ હોય નહિ,
અને તમારા જેવી શાંત આકૃતિ પણ હોય જ નહિ.મણિ જેમ સરાણ પર ઘસવાથી ધીરે ધીરે નિર્મલ અને તેજદાર થાય છે,તેમ ચિત્તના રાગ-દ્વેષ-આદિ દોષો પાકી જવાથી તે (ચિત્ત) વિવેકી થઇ (તમારી જેમ) જાય છે.

તમે શું જાણવા ઈચ્છો છો?અને શા માટે સંસારનો ત્યાગ કરવા ઈચ્છો છો? જે તમારા જાણવા બહાર હોય
(એટલે કે જે તમે જાણ્યું નથી) અને જે વિષયની જિજ્ઞાસા હોય તે તમે મને કહો.
જે, રાગ-દ્વેષ-આદિ સાધનથી સંપન્ન હોય,ઉત્તમ ચિત્ત વડે સુશોભિત હોય,
તે, જ ઉપદેશની જ્યોતિ વડે,શોક-રહિત એવા આત્મ-તત્વ-રૂપી પરમ-પદને પ્રાપ્ત થવા યોગ્ય છે.

(24) મંકિઋષિએ કરેલું દોષ વર્ણન

વસિષ્ઠ (રામને) કહે છે કે-હું ઉપર પ્રમાણે કહેતો હતો,એટલામાં એ મંકિઋષિએ મારા પગમાં પડી,
નેત્રમાં હર્ષના આંસુ લાવી મારી સાથે માર્ગમાં ચાલતાં  મને નીચે પ્રમાણે કહ્યું

મંકિઋષિ (વસિષ્ઠને) કહે છે કે-હે ભગવન,જેમ,આંખ ઘણીવાર સર્વ દિશાઓમાં ભમ્યા કરે છે તેમ,મેં પણ ઘણીવાર દશે દિશાઓમાં ભમ્યા કર્યું છે,છતાં મારા સંશયોની નિવૃત્તિ કરી શકે,એવો કોઈ મહાત્મા મને આજ સુધી મળ્યો નથી.જ્ઞાનના અધિકારી એવા મારા શ્રેષ્ઠ બ્રાહ્મણના દેહનું ફળ,મને આજ આપનો સમાગમ થતાં  મળ્યું છે.
હે ભગવન, સંસારની અનેક દોષોને આપનારી વિવિધ પ્રકારની દશાઓ જોઈને હું બહુ ખેદ  પામ્યો છું.
જન્મ-મરણ વારંવાર થયા કરે છે,સુખ-દુઃખની ભ્રાંતિ સદા લાગેલી છે
અને સર્વ સુખો પણ,પરિણામે થનારાં દુઃખો વડે ઘેરાયેલાં  હોવાથી,અતિ દુઃખરૂપ છે.
એવાં સુખો કરતાં તો દુઃખોની પરંપરા જ (અભ્યાસ વડે સહી શકવાથી) વધારે સારી લાગે છે.

ઉંમર વધવા સાથે,મારુ આખું શરીર,દાંત,રુવાંટા ને આંતરડા સહિત હાલી (ખખડી) ગયું છે.
એક પછી એક ઉત્તમ ભોગો મળે,એવા સ્થાનમાં અભિલાષા રાખી રહેલી બુદ્ધિ,પરમ પુરુષાર્થ-રૂપ-મોક્ષના સાધનમાં નિશ્ચય-વળી થતી નથી.ચિત્ત પણ એક પછી એક વધતા જતા,રાગ (આસક્તિ) થી ફાલેલું છે અને
તે (ચિત્ત) અનેક દુષ્ટ સંકલ્પોને લીધે,એવું ગહન છે કે-તેમાં વિવેક પણ પેસી શકે તેમ નથી.
અને જેથી,તે ચિત્ત,શુદ્ધ-સાક્ષીના-વિવેકના-પ્રકાશ-વાળું થતું નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE