Nov 14, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-980

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,ઈશ્વર કાંઇ દૂર પણ નથી અને કાંઇ બહુ દુર્લભ પણ નથી.
મહા-જ્ઞાનમય એવો પોતાનો આત્મા જ "ઈશ્વર" (પરમેશ્વર-પરમાત્મા-બ્રહ્મ-ચૈતન્ય) છે.
આ સર્વ તે ચિદ્રુપ આત્માને અર્થે જ છે,તેનાથી જ થયેલું છે.એ પોતે સર્વ-રૂપ છે અને સર્વત્ર ભરપુર છે.સર્વની અંદર પણ તે રહેલ છે અને તે જ સર્વમય છે.સર્વના આત્મા-રૂપ એ ચૈતન્યને નમસ્કાર હો.જેમ,પવનમાંથી ગતિ ઉત્પન્ન થાય છે,તેમ સર્વના કારણ-રૂપ તે ચિદાત્મામાંથી સ્વભાવિક રીતે જ આ સર્વ સૃષ્ટિ-પ્રલય-આદિ વિકારો ઉત્પન્ન થાય છે.

આ સર્વ સ્થાવર-જંગમ પ્રાણીઓની જાતિઓ યથા-યોગ્ય પૂજન સામગ્રી અર્પણ કરીને (પવિત્ર કર્મો કરી તેનું ફળ તે પરમાત્માને જ અર્પણ કરીને) તેની પૂજા કરતી રહે છે.જયારે ઘણાં વર્ષો સુધી આ રીતે પૂજા કરવામાં આવે છે ત્યારે,
પવિત્ર કર્મો (અને તેના ફળને) થી પ્રસન્ન થયેલા તે "આત્મ-સ્વ-રૂપ-દેવાધિદેવ-મહેશ્વર" (પરમાત્મા)
"જ્ઞાન" ઉત્પન્ન કરવા માટે પોતાની મેળે જ એક પવિત્ર દૂત (વિવેક)ને મોકલે છે.

રામ કહે છે કે-હે મહારાજ,આત્મા-રૂપ-પરમેશ્વર કયા દૂતને મોકલે છે? અને તે દૂત આવીને શી રીતે બોધ કરે છે?

વસિષ્ઠ કહે છે કે-આત્મારૂપ પરમેશ્વર "વિવેક નામનો દૂત" મોકલે છે.એ દૂત પરમ-આનંદરૂપ છે અને તે વિવેકીપુરુષની હૃદય-રૂપી ગુફામાં પ્રવેશી,જ્ઞાન થતાં સુધી ત્યાં સ્થિર થઈને રહે છે.
સર્વથી ઉત્કૃષ્ટ,જ્ઞાન-સ્વ-રૂપ-અંતરાત્મા જ પરમેશ્વર-રૂપ છે,અને પ્રણવ (ॐ) એ તેનો વાચક (નામ) છે.
(નોંધ-વેદ કહે છે કે-પ્રણવ (ॐ) એ પરમાત્માનું નામ (સંજ્ઞા-આકૃતિ- કે વાચક) છે.)
અને આ પરમાત્માને,મનુષ્યો,દેવો,દૈત્યો-વગેરે પવિત્ર કર્મો (જપ-તપ-હોમ વગેરે) થી પ્રસન્ન કરે છે.

સ્વર્ગ-લોક એ પરમાત્માના મસ્તક-રૂપ છે,પૃથ્વી-લોક ચરણ-રૂપ છે અને આકાશ એ તેના હૃદય-રૂપ છે.
એ પરમાત્મા ચૈતન્ય-રૂપ છે,તેથી સર્વ ઠેકાણે ગતિ કરી શકે છે.તે સર્વત્ર જાગ્રત છે,તેથી સર્વને દેખે (દૃષ્ટા) છે.
એ પરમાત્મા,વિવેક-રૂપી દૂતને ઢંઢોળે છે,અને તેના ચિત્ત-રૂપી પિશાચનો સંહાર કરીને તેને (જીવને)
પોતાના કંઇક અનિર્વચનીય એવા વિશાળ-સ્વ-રૂપમાં (સ્વરૂપ સ્થિતિમાં) શાંત કરી દે છે.

(૪૯) વિવેકીની મહત્તા અને તેની દૃષ્ટિમાં જગતની સ્થિતિ

વસિષ્ઠ કહે છે કે-સંપૂર્ણ રીતે પુષ્ટ થયેલ વિવેક-વાળા અને વાસનાના મેલને ત્યજનારા,મહાત્મા પુરુષોમાં,
કોઈ અપૂર્વ એવી મહત્તાનો વાસ થાય છે.તેમની ઉદારતાવાળી બુદ્ધિને લોભાવવા કે માપવાને,ચૌદ-લોકો પણ સમર્થ થતા નથી."જગત એક જાતની ચિત્તની ભ્રાંતિ-રૂપ છે" એવો તે સત્પુરુષોના મનમાં દૃઢ નિશ્ચય થઇ જાય છે.
એટલે ઇન્દ્રિયો,વિષયો,અજ્ઞાન,વાસના,કામ અને કર્મ-વગેરે શમી જાય છે.અને વાસના થવાનું કોઈ કારણ રહેતું નથી.આમ વાસનાનો હેતુ મિથ્યા ઠરે છે ત્યારે છેવટે શૂન્ય ચિદાકાશ જ અવશેષ રહે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE