Jan 22, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1047



શિવ અને શક્તિ -એ બંનેનું સ્વરૂપ આકાશ-રૂપ છે તેથી તે શક્તિને કૃષ્ણ(કાળા)રૂપે વર્ણવવામાં આવી છે.
એ ભૈરવ (શિવ) અને ભૈરવી (શક્તિ) એ બંને વસ્તુતઃ જોતાં ચિદ્રુપ જ છે.તેમણે સૃષ્ટિ ઉત્પન્ન કરવાનો સંકલ્પ
કર્યો ત્યારે પોતાના માંસ-મય શરીરને શ્યામ-રૂપે કલ્પી લીધું,આથી તે શ્યામ અને જડ જેવું દેખાતું હતું.
વસ્તુતઃ જેમ,આકાશ એ આકાશની અંદર જ રહેલું છે,તેમ, તેમનાં આકાશમય શરીર આકાશમાં જ
રહેલાં હતાં,અને તે બંને (શિવ-શક્તિ) આકાશમાં સહોદર હોય તેવાં જણાતાં હતાં.

હવે,તેની (શક્તિની) અંદર હાથ,પગ,મસ્તક,મુખ-આદિ અવયવોની થોડાપણાના અને અનેકપણાના
ભેદથી જે વિચિત્રતા દેખાતી હતી અને તેણે જે ફળ વગેરેની માળા ધારણ કરી હતી તે વિષે કહું છું તે તમે સાંભળો.
અનાદિ અને અનંત મહાસમર્થ એવી એ ચેતન-શક્તિ,ક્રિયા-રૂપ કહેવાય છે ને સ્ફૂર્તિ-રૂપી-ધર્મને ધારણ કરી
રહેલ છે.તે પોતાની મેળે જ પોતાની અંદર દાન,સ્નાન,હોમ આદિ ક્રિયાઓ-રૂપી શ્રેષ્ઠ શરીરો વાળી થઇ જઈ,
તેવા અનેક-રૂપે ભાસ્યા કરે છે.હકીકતમાં તે આકાશ-રૂપ છે છતાં ચંચળતાવાળા 'દૃશ્ય-રૂપે' દેખાય છે.

એ ભૈરવી દેવીના અનેક જુદાજુદા પ્રકારના અભિનયો અને નૃત્યો એ સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ,જરા,મરણ-આદિ રૂપ છે -
તેમ સમજવું.એ ક્રિયા-રૂપ ભૈરવી -દેવી પોતાની અંદર (કલ્પિત) હાથ-પગ-આદિ અવયવોની જેમ ગામો,નગરો,દ્વીપો
અને દેશોના સમુહને ધારણ કરે છે,ને તે વડે તે દેવી અનેક પ્રકારની ક્રિયાઓ કરે છે.
પોતે ક્રિયા-રૂપ હોઈ બ્રહ્માંડોનું નિર્માણ કરે છે અને તેમને ધારણ કરે છે.
ચિન્મય શિવ વિના કોઈ દિવસ પણ તેના અવયવોનો નિર્દેશ થઇ શકે તેમ નથી,આથી તે શિવ-રૂપ જ છે.

જેમ આકાશમાં નિરાકારપણું અને પવનમાં ચલનશક્તિ રહી છે તેમ,ચિદશક્તિ-રૂપ આ સર્વ દૃશ્ય તે ચિદાત્માના
એક અંગ-રૂપ છે.અને નિર્વિકાર પરબ્રહ્મથી જુદું નથી પણ પરબ્રહ્મ-રૂપ જ છે,એમ તમે સમજો.
જો કે -વસ્તુતઃ એ પરબ્રહ્મની અંદર સ્થિરતા કે ચંચળતા-આદિ કશા ધર્મો નથી.
આમ,એ ચિદ-શક્તિ દૃશ્ય (જગત) રૂપે રહ્યા છતાં પણ જયારે જ્ઞાન-દૃષ્ટિથી જોવામાં આવે તો તે શિવ-રૂપ જ કહેવાય છે.
અને જયારે તે ચિદ-શક્તિ અધિષ્ઠાન ચૈતન્યની અંદર અવિદ્યા (માયા) ના યોગથી જડ-ભાવે થઈને
રહે  છે ત્યારે તે ક્રિયા-રૂપ કહેવાય છે.એટલે જ્ઞાન-દૃષ્ટિથી તેને જયારે ચિન્માત્ર-રૂપે ઓળખતાં,તે શિવ-રૂપ છે.

સૃષ્ટિઓ,તેની અંદર રહેલા મનુષ્યના વર્ગો તથા પ્રકાશ વડે ઝળકી રહેલા સર્વ લોકો (ત્રૈલોક્ય),
એ  સર્વ -આ કલ્પિત સ્વરૂપને ધારણ કરી રહેલી,મોટા આકારવાળી 'ક્રિયા-રૂપ-દેવી' ચિદશક્તિના
અવયવરૂપ છે.અને તેઓ ચિદશક્તિથી જુદા કહી શકાતા નથી.

રામ કહે છે કે-ભૈરવીના આકારે કલ્પિત શરીરને ધારણ કરનારી ચિદ-શક્તિના અંગમાં જે સૃષ્ટિ-પ્રલયો રહેલા છે,
તે ખરેખર તેના સ્વરૂપમાં જ રહ્યા છે કે તે અસત્ય છે? તે વિષે આપ કહો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE