Mar 18, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1102

(૧૧૬) આકાશ અને ગામડાં વગેરેનું વર્ણન
અનુચરો વિપશ્ચિત રાજાને કહે છે કે-હે મહારાજ,આ આકાશ મહાબળવાન મેઘરૂપી સાગરો વડે પરિપૂર્ણ છે.
તે જુઓ.વળી આ આકાશ એ ચપળ તારાઓ-રૂપી સ્થૂળ મુક્તાહારો વડે સુશોભિત છે,ને સારી રીતે ઘટ્ટ થઇ
ગયેલા અંધકાર સાથે એકરૂપ પણ થઇ ગયેલું છે.તે પણ આપ જુઓ.આ આકાશ સ્વચ્છ નિર્મળ ચંદ્રકિરણો વડે
અતિસુંદર દેખાય છે.મેઘોના આડંબરો છતાં,પ્રલયકાળના અગ્નિઓ છતાં,પર્વતોની પાંખોના પછાડવા છતાં,
તારાઓના સમૂહો  છતાં અને અસંખ્ય દેવ-દાનવોના સંગ્રામોના સમૂહો છતાં,
આજ દિવસ સુધી પણ પોતાની મૂળ પ્રકૃતિમાંથી આ આકાશ જરા પણ વિકારને પ્રાપ્ત થયું નથી.

આ સુવેલ પર્વતના શિખરમાં નિર્મળ શોભાવાળી કાંચનમયશિલા પર સૂર્યનો પ્રકાશ પડવાથી તે દેદીપ્યમાન થઇ રહી છે.
ભરતી સમયે ચપળ થઇ રહેલા સમુદ્રના તરંગો તેની સાથે અથડાય છે ત્યારે તે શિલા વડવાનલના તણખાઓ ચમકતા હોય
તેવી દેખાય છે.પર્વતોની પાસે ઘાટાં વાદળોથી ઘેરાયેલાં સ્થળમાં રહેલાં અને વૃક્ષોથી સુશોભિત નેસનાં ઘરોની શોભા
આપ જુઓ.તેઓ વિકસિત થઇ રહેલા પુષ્પો વડે અત્યંત શુભ્ર વાદીઓથી રમણીય છે.જળમય શીતળ પ્રદેશો (નદીઓ-તળાવો-ધોધો)
વગેરેથી સુશોભિત છે.આવાં અનેક ઘરોથી બનેલા ગામડાઓમાં વસી રહેલ અનેક સુખી નર-નારીઓ આનંદથી વસી રહ્યા છે.

(૧૧૭) તળાવ,કમળ અને હંસ આદિનું વર્ણન
અનુચરો કહે છે કે-હે મહારાજ,આ આપણી પાસે રહેલું પર્વતનું શિખર અત્યંત શોભાને લીધે કામનું ઉદ્દીપન કરે છે,
તેથી તે જાણે કામદેવનો પ્રધાન હોય તેવું જણાય છે.તેનું પ્રતિબિંબ જેમાં પડી રહેલું છે તે મૂર્તિમાન આકાશના જેવા દેખાતા
આ તળાવને જુઓ.એ તળાવ પદ્મ,ઉત્પલ આદિ -કમળની જાતિઓના સમૂહો અને હંસો,સારસ વગેરે પક્ષીઓથી જાણે
પૃથ્વી પર બ્રહ્માનું જ ઘર હોય તેવું રમણીય દેખાય છે.

કમળની સુગંધથી મત્ત થયેલા ભમરાઓ અને પક્ષીઓના ગાયન વડે ગાજી રહેલું અને આકાશના ઉપરના ભાગમાં
ચંદરવો બાંધી દીધેલ હોય -એવો ભાવ દેખાડનાર,વાદળાં અને ઝાકળ આદિના પ્રતિબિંબને ધારણ કરી રહેલ એવું
આ તળાવ છે.આ તળાવની અંદર કોઈ સ્થળે મંદ મંદ ગર્જના કરી રહેલા તરંગો જોવામાં આવે છે.તો કોઈ સ્થળે ગંભીરતા,
નિશ્ચળપણાને લીધે પોતે જાણે સુષુપ્તિ અવસ્થાને ધારણ કરી રહેલું દેખાય છે.
સત્સંગતિ જેમ હૃદયકમળને શુદ્ધ કરનાર છે,તેમ આ તળાવ પણ શુદ્ધ હૃદયના જેવાં
નિર્મળ કમળો વડે સુશોભિત છે,વળી સત્સંગની પેઠે જ આ તળાવ હૃદયને પરમ આનંદ આપે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE