Apr 13, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1124

ભાસ (વિપશ્ચિત) કહે છે કે-વળી કોઈ એક દેશ-કાળના યોગે,હું સ્ત્રીઓની સૃષ્ટિ વગરના સંસારમાં ચાલ્યો ગયો.
ત્યાના સર્વ પ્રાણીઓ સ્ત્રીના સંપર્કની ઇચ્છાથી રહિત જ જોવામાં આવ્યા.ત્યાં એક ભૂતમાંથી જ
અનેક (પંચમહાભૂતોવાળાં)પ્રાણીઓ ઉત્પન્ન થતાં હતાં અને પાછાં એક ભૂતમાં જ લય થઇ જતાં હતાં.
વળી મેં ઉત્પાત-આદિ,એવા કારણ વિના જ,પોતાની મેળે જ ઉત્પન્ન થતા ઉત્પાત-વાળા મેઘો પણ જોયા.
તે મેઘો પોતાના અનેક અવયવોમાં ઝણઝણાટ કરી રહ્યા હતા ને તેમાંથી જળની જેમ જ જે કંઈ વીજળી આદિ
પદાર્થો પર પડતી હતી,તેના કટકા થઇ જતા હતા,કે જે મનુષ્યો માટે આયુધ (શસ્ત્ર) રૂપ બની જતા હતા.

વળી મને ત્યાં બીજું આશ્ચર્ય જોવામાં આવ્યું હતું.આ જગતની અંદર જેટલાં આ ગામ અને ઘરો છે,તે મારી ઝાંખી
દૃષ્ટિ વડે આકાશમાર્ગે ઉડતાં હોય તેવું મને દેખાયું હતું.અને તેઓ દિશાના કોઈ અંતમાં પ્રવેશ કરતાં હતાં.
આમ જે પદાર્થ (ગામ-વગેરે) મેં અહીં જોયા હતા તે ત્યાં દેખાતા હતા તો ત્યાંના પદાર્થો મેં અહીં પણ જોયા.
વળી,કોઈ બીજે સ્થળે વિભાગ વિનાનાં (આ અમુક મનુષ્ય છે-કે આ અમુક દેવ છે-આદિ)
અને સમાનતાવાળાં સર્વ પ્રાણીઓ મારા જોવામાં આવ્યાં.

મેં કોઈ ઠેકાણે સૂર્ય-ચંદ્રથી રહિત,અંધકારથી પણ રહિત,સ્વયંપ્રકાશ એવાં સર્વ પ્રાણીઓ વડે યુક્ત,રાત્રિ-દિવસ રહિત,
અને જ્વાળાઓના અંદરના ભાગના જેવું મહાતેજોમય તથા અતિમનોહર એવું અનિર્વચનીય જગત પણ જોયું હતું,
તે અત્યંત મનોહર હતું,તેવું મને યાદ આવે છે.અપૂર્વ દૈત્યો,સર્પો,મનુષ્યો,દેવતાઓ-આદિ પ્રાણીઓ વાળાં અત્યંત
રમણીય નગરો પણ મને સાંભરે છે.એવી કોઈ દિશા કે દેશ નથી જેમાં મેં વિહાર કર્યો ના હોય.
મેં જેનો અનુભવ કર્યો ના હોય એવું કોઈ કૌતુક પણ નથી,જો કે  સર્વના સાક્ષી-રૂપ તથા અનુભવ-રૂપ એવા
અધિષ્ઠાન-ચૈતન્યથી કાંઇ પણ બીજું જુદું હોય તેમ પણ નથી.

(૧૩૨) ભાસના અનેક જન્મોનું વર્ણન

ભાસ (વિપશ્ચિત) કહે છે કે-મેં કોઈ એક જન્મમાં મંદરાચલ પર્વતના શિખર પર મંદરા નામની અપ્સરા સાથે વિહાર કરીને
ભોગો ભોગવ્યા હતાં.કોઈ જન્મમાં મેં નક્ષત્રચક્રથી રહિત એવું બીજું જ જગત દીઠું હતું કે જેની અંદર એક જ જાતિનાં
મનુષ્યો ભરપુર રીતે ભર્યા હતાં.એ મનુષ્યો પોતે સ્વયંપ્રકાશ હતા તેથી તેમને બીજા પ્રકાશની અપેક્ષા રહેતી ન હતી.
તે જગતની અંદર દિશાઓના વિભાગ નહોતા,દિવસની કલ્પના નહોતી,શાસ્ત્રો કે વેદવાદો નહોતા,
અને દેવ-દૈત્ય-આદિનો કશો ભેદ નહોતો.કોઈ જન્મમાં મેં વિદ્યાધર બની તપસ્યા પણ કરી હતી.

આકાશની અંદર ફરવું એ જ મારો મુખ્ય વ્યાપાર હતો,અને આમ ઘણો સમય ફરવાથી હું થાકી ગયો હતો,
ત્યારે હું નિંદ્રાને પ્રાપ્ત થયો ને  સ્વપ્ન-રૂપી-જાગ્રત અવસ્થાને પ્રાપ્ત થઇ ગયો કે જેમાં પોતાના આત્માની અંદર જ
હું સર્વ જગતને દેખતો હતો.પણ ત્યાં પણ સ્વપ્નની અંદર પણ દિશાઓનો અંત જોવાની ચપળતા રહી હતી,તેથી
સંકલ્પ વડે ખડી થઇ ગયેલી,અને દૃશ્ય (જગત) નું પરિણામ સૂચવતી જગત-રૂપી ગુફામાં ફરીથી ફરવા મંડ્યો હતો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE