Oct 13, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1279

જે કંઈ આ દ્વૈત-અદ્વૈત ભાસે છે,તે સર્વ ચક્ષુ-આદિ ઇન્દ્રિય દ્વારા,એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં ગતિ કરતા,
વિષયોના વચમાં રહેલા, નિર્વિષય આત્માના સ્વરૂપથી ભિન્ન નથી,પણ તદ્રુપ જ છે.
વિવેકી તત્વજ્ઞ પુરુષની દૃષ્ટિમાં તો જે કંઈ આ સ્વપ્નતુલ્ય દ્વૈત-અદ્વૈત તથા શુભ-અશુભ પ્રતીતિમાં આવે છે,
તે ચિન્મય છે,અને તેને નિરાવરણ ચિદાકાશની જ ઉપમા આપી શકાય છે.
આ જગત પૂર્ણ એવા ચિદાકાશમાંથી જ પૂર્ણ-રૂપે પ્રસરે છે અને તે પૂર્ણ-રૂપે જ રહેલું છે.
વસ્તુતઃ તો જગત એ ચિદાકાશનો વિલાસ છે,તેથી નિરવયવ અને ચિન્માત્રતત્વ છે.

અહીં બીજી કોઈ (બ્રહ્મ અને જગતને સમજાવવાની) યુક્તિ અસંભવ છે,તેથી આ જ યુક્તિ ઉત્તમ છે.
કેમ કે પુરુષાર્થને ઇચ્છનારા શ્રોતાઓ પાસે યુક્તિ અને અનુભવથી રહિત એવી વાત શોભા પામતી નથી.
એટલે તે સત હો કે અસત હો,પરંતુ વેદ-આદિ શાસ્ત્રોમાં જે સિદ્ધ છે તે જ વાત સિદ્ધ-રૂપ છે.
પોતાના મનમાં આ વાત સમજી લેવાની છે,બાકી જે સિદ્ધ છે તેનો ત્યાગ કોઈ દિવસ થઇ શકતો નથી.

અહીં કહેલા ન્યાય પ્રમાણે જીવનમુક્ત સહિત,લોક-વેદ-આદિ સર્વ શાસ્ત્ર સિદ્ધ થાય છે,માટે આ ન્યાયનો
સ્વીકાર કરવો ઉચિત છે.આત્મ-રૂપ છતાં તેવા રૂપે નહિ સમજાયેલું આ સંસાર-રૂપી-અશ્વત્થ વૃક્ષ,જો તેનું
વાસ્તવિક રૂપ ઓળખવામાં આવે તો.તે ચિદાકાશ જ છે,તે જ હું છું,તે જ તમે છો,તે જ ત્રણે લોક-રૂપ છે
અને તે જ બંધનરૂપ કે મોક્ષ-રૂપ છે તેવો નિશ્ચય છે,
આ દૃશ્ય યથાસ્થિત-પણે રહ્યું હોય છતાં તત્વજ્ઞાન થતાં તેનો લયને પ્રાપ્ત થઇ જાય છે.

વિવેકીઓને આ જ તત્વજ્ઞાન પોતાના અનુભવ વડે અનુભવમાં આવે છે.સર્વ અર્થોને છોડી દઈ,
ઘણા લાંબા કાળ સુધી જે એક જ વસ્તુમાં દૃઢ નિષ્ઠા રાખવામાં આવે તે અવશ્ય પ્રાપ્ત થાય છે.
જે વસ્તુ જેવા પ્રકારની અનુભવમાં આવે છે,તે તેવા જ પ્રકારે જ અનુભવમાં આવે છે.
તે સત્ય હો અથવા અસત્ય હો,પરંતુ જ્યાં સુધી તેનો લાભ થતો હોય ત્યાં સુધી તે તેવા જ પ્રકારે અનુભવાય છે.
હે રાજા,ઉપર પ્રમાણે મેં તમને મહા-પ્રશ્નનો વિચાર કહ્યો.આ માર્ગે ગતિ કરો અને ઉત્કૃષ્ટ પદમાં સ્થિર થઈને રહો.

(૨૧૧) પરમાર્થનો ઉપદેશ

વસિષ્ઠ કહે છે કે-હે રામ,મારા ઉપદેશ પછી તે પ્રજ્ઞપ્તિ રાજાએ મારું યજન કર્યું ને મારું પ્રયોજન સિદ્ધ કરી
હું સ્વર્ગલોક તરફ જવા આકાશમાં ઉડ્યો.આજે મેં અહીં અયોધ્યામાં બેસી આ સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો છે.
આ ઉત્તમ દૃષ્ટિના અવલંબન વડે તમે શાંત મનવાળા અને ચિદાકાશ-રૂપ થઇ રહેશો.

રામ : હે મહારાજ,સિદ્ધ,સાધ્યો,બ્રહ્મા અને દેવ -આદિ ને ત્રણે લોકો શી રીતે દેખાય છે?
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE