More Labels

May 20, 2012

ભાગવત રહસ્ય-૨૭      PREVIOUS PAGE
       NEXT PAGE               
       INDEX PAGE            

ભાગવત માહાત્મ્ય (ચાલુ)

ભાગવત ની કથા શ્રવણ કરે –તો વાંસ ની એક એક ગાંઠ તૂટે છે. પરમાત્મા ની કથા સાંભળ્યા પછી –ધીરે ધીરે
આસક્તિઓની ગાંઠ તૂટે છે. પ્રભુ પ્રત્યે પ્રેમ વધી જાય એટલે-આસક્તિઓ ની ગાંઠ છૂટી જાય છે.

ગાંઠ છોડવાનું કહ્યું છે(વિવેક થી)—ગાંઠ કાપવાનું નહિ.
ભગવાન ના નામ નો જપ કરશો—તે એકલો જ સાચો છે-એમ માની ને તેનું સ્મરણ કરશો તો વાસનાની ગાંઠ છૂટશે.

એક ગૃહસ્થ નો નિયમ-કે બાર વર્ષથી ભાગવત કથા સાંભળે. એક બ્રાહ્મણ રોજ કથા કરવા આવે.
એક દિવસ શેઠને બહારગામ જવાનું થયું. કથા સાંભળવાના નિયમ નો ભંગ કેવી રીતે થાય ?
તેમણે બ્રાહ્મણ ને કહ્યું-મારા થી કાલે કથા નહિ સંભળાય-નિયમ નું શું થશે ?
બ્રાહ્મણે કહ્યું-તમારા બદલે તમારો પુત્ર કથા સાંભળશે તો ચાલશે.
ગૃહસ્થે કહ્યું-તમે –વૈરાગ્ય અને પ્રેમ- ની વાતો કરો છો. અત્યારથી તે આવી વાતો સાંભળે અને ભણવાનું છોડી દે તો ? કથા સાંભળી એને ક્યાંક સંસાર પર વૈરાગ્ય આવી જાય તો ?

બ્રાહ્મણે કહ્યું-બાર વર્ષ થી તમે કથા સાંભળો છો, તમને વૈરાગ્ય ના આવ્યો તો છોકરાને શું વૈરાગ્ય આવી જશે ?
ગૃહસ્થ કહે છે-છોકરો કાચી ઉમરનો છે,તેની બુદ્ધિ કાચી છે, કથા સાંભળી તેની બુદ્ધિ સુધરી જાય તો -
મારા ધંધા નું શું થશે ? અમારી વાત જુદી છે.અમે તો પાકી બુદ્ધિ વાળા. અમે રોજ કથા સાંભળીએ પણ
મન ની ગાંઠ છોડતા નથી.

આવું ના કરો. કથા સાંભળી-મન ની-ગાંઠ છોડો. જીવન ને સુધારો.

જીવ સંસાર સુખનો –મનથી પણ-ત્યાગ ના કરે ત્યાં સુધી-ભક્તિ સિદ્ધ થતી નથી.
જે લૌકિક રસ માં ફસાયો છે-તેને ભક્તિ રસ કેવી રીતે મળે ?
ભોગ છોડવા તૈયાર નથી-અને ભક્તિ કરવી છે- એ કેમ બને ?
તો ધીરે ધીરે સ્વભાવ સુધારજો. સ્વભાવ સુધરે ત્યારે ભક્તિ સિદ્ધ થાય છે.

ધન્ધુકારી ને લેવા પાર્ષદો વિમાન લઈને આવ્યા છે.
ગોકર્ણ પાર્ષદો ને પ્રશ્ન પૂછે છે કે-એકલા ધન્ધુકારી  માટે જ કેમ વિમાન લાવ્યા ?
બીજા (જે કથા માં બેઠા હતા તે) કોઈને માટે વિમાન કેમ ના લાવ્યા ?
પાર્ષદ કહે છે-કે-ધન્ધુકારી એ જે રીતે કથા સાંભળી છે તે રીતે બીજા કોઈ એ સાંભળી નથી.
તે એક આસને બેસતો,ઉપવાસ કરતો અને કથાનું રોજ મનન કરતો.

ઉપવાસને દિવસે સુરણ-બટાકા ખાવાથી શરીર નો ઉપવાસ થાય છે. આત્મા નો નહિ.
પરમાત્મા ના ચરણ થી દૂર ના જાય તે આત્મા નો ઉપવાસ.
જ્યાં મન છે ત્યાં મનુષ્ય છે. ઉપવાસનો અર્થ છે-પરમાત્માના ચરણ માં વાસ.

મનુષ્ય જેવો કોઈ સાફ કરનારો નથી.અને શરીર જેવી કોઈ મેલી વસ્તુ નથી. સાફ કરો તો એ મેલું  ને મેલું.
શરીર થી કોઈ પ્રભુ પાસે રહી શકે નહિ. મનથી ભગવાન સમીપ રહેવાનું કહ્યું છે.

કથા ધન્ધુકારીની જેમ સાંભળવી જોઈએ. કથાનું શ્રવણ-મનન-નિદિધ્યાસન થી જ્ઞાન દ્રઢ થાય છે.

દ્રઢતા વગરનું  જ્ઞાન વ્યર્થ છે. બેદરકારીથી કરેલું શ્રવણ વ્યર્થ છે. સંદેહ યુક્ત મંત્ર વ્યર્થ છે. ને
વ્યગ્ર ચિત્તે કરેલા જપ પણ વ્યર્થ છે.

કથામાં બેઠા હોય પણ મન કથામાં ના હોય તો તે શ્રવણ શા કામનું ? તે ફળદાયી થતું નથી.
કથા સાંભળતી વખતે તન-મન અને ઘરનું ભાન ભૂલાઈ જવું જોઈએ. તન્મયતાથી કથા સાંભળવી જોઈએ.
તમે ઘરનું ચિંતન છોડશો –તો ઠાકોરજી ને તમારી ચિંતા થશે. હું ઈશ્વર સાથે તન્મય થવા માટે બેઠો છું-તેવી
ભાવના રાખો. કથા સાંભળી –મનન કરી-જીવન માં ઉતારો.-તો કથા સાંભળી સાર્થક થાય.

કથા સાંભળ્યા પછી જીવન માં એક લક્ષ્ય નક્કી કરવું જોઈએ. ભાગવત ભગવાન ની કથા સાંભળ્યા પછી તેમાંથી કંઈક લઇ જાવ. કથા નો એક શબ્દ પણ કોતરી રાખો-તો જીવન નો ઉદ્ધાર થશે.

પોતાની પાછળ છોકરાંઓ –ભાગવત સપ્તાહ –બેસાડે –તેવી ઈચ્છા રાખવી યોગ્ય નથી. પણ જીવતા જ
ભગવતમય  જીવન જીવો તે ઉત્તમ છે. મરતાં પહેલાં જ ભાગવત ની કથા સાંભળે-અને ભગવત-સ્મરણ
કરતાં કરતાં મરે તે જ ઉત્તમ છે. ઘણાં વિલમાં લખી જાય છે કે-મારી પાછળ ભાગવત-સપ્તાહ કરજો-
તે અતિ ઉત્તમ નથી.

બધાને ખાતરી થઇ છે કે ધન્ધુકારીની જેમ અમે કથા સાંભળી નહિ-તેથી અમને તેમના જેવી ગતિ મળી નહિ.

કથાનું મનન કરો તે ઉત્તમ છે-પણ કદાચ તેમ ના કરો તો પણ લાભ તો છે જ.(કદાચ કોઈ વખતે કોઈ એક શબ્દ પણ –ભૂલે ચુકે મન માં કોતરાઈ જાય)

વિષ્ણુ-યાગ પોતાના હાથે થાય તો કલ્યાણ થાય છે, વિષ્ણુ-યાગ ની વાતો કરવાથી કંઈ લાભ નથી.
બ્રહ્મ સ્વરૂપની વાતો સાંભળે અને કરે તો કંઈ લાભ નથી,પણ બ્રહ્મ સ્વરૂપ નો અનુભવ કરે તો લાભ છે.

કર્મ નું અનુષ્ઠાન થાય તો લાભ છે. ત્યારે કૃષ્ણ કથા –કેવળ –શ્રવણ થી મંગળ કરે છે.
ગોપી-ગીત માં ગોપી ઓ કહે છે કે-
કથા નું શ્રવણ કરી ભક્તિમય જીવન ગાળો તો તે ઉત્તમ છે પણ તેમ ન કરો તો-પણ શ્રવણ માત્ર થી મંગળ
થાય છે. જેટલો સમય કથા સાંભળો-તેટલો સમય સંસાર ભુલાય અને ભગવાન યાદ આવે છે.


      PREVIOUS PAGE
       NEXT PAGE               
     INDEX PAGE