More Labels

Sep 8, 2012

ભાગવત રહસ્ય-૧૧૪

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત  
    
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE                     

સ્કંધ ત્રીજો-૩૨ (સર્ગ લીલા)

જીવ નો જ્યાં જન્મ થયો-કે-માયા એને સ્પર્શ કરે છે. સંસાર માં માયા કોઈને ય છોડતી નથી.
આ જીવ પરમાત્મા સાથે પ્રેમ કરે તો-માયા છૂટે-અને સુખી થાય –પણ તે પરમાત્મા સાથે પ્રેમ કરતો નથી.

જીવ બાલ્યાવસ્થામાં મા સાથે પ્રેમ કરે છે.
જરા મોટો થાય –એટલે –રમકડાં સાથે પ્રેમ કરે છે.
તે પછી-મોટો થાય-એટલે પુસ્તકો જોડે પ્રેમ કરે છે.એક બે ડીગ્રી મળે એટલે –પુસ્તકો નો મોહ ઉડી જાય છે.
પછી પૈસા જોડે પ્રેમ કરતો થા જાય છે. થોડા વધુ પૈસા આવે એટલે બેંક ના બેલેન્સ જોડે મોહ થઇ જાય છે.
અને લગન કરે એટલે લાડી જોડે પ્રેમ કરતો થઇ જાય છે.
કહે છે-કે તારા માટે લાખો ખર્ચવા તૈયાર છું. પેલી નચાવે તેમ નાચે છે. માને છે-કે-તે સ્વર્ગનું સુખ ભોગવે છે.
પણ આ મોહ પણ ટકતો નથી-બેચાર છોકરાં થાય એટલે કંટાળે છે.

કોઈ પરણેલા ને પૂછશે-કે-તમે સુખી છો ? તો ફટ દઈને જવાબ આપશે કે-હું સુખી શાનો ? આ પલટણ ઉભી થઇ છે,
મોંઘવારી વધી ગઈ છે, દરેક ની ચિંતા છે,રાતદિવસ વૈતરું કરું છું, પણ કોઈને મારી દયા આવતી નથી, જેમતેમ જીવન પૂરું કરું છું.
એકલો હતો ત્યારે સુખી હતો.

ચામડીનું સુખ ભોગવ્યા પછી વૃદ્ધાવસ્થા માં ડહાપણ આવે છે. ત્યાં સુધી માં તો માયા થી ઘેરાઈ ગયો હોય છે.
છોકરાં ને ઘેર છોકરાં -આવ્યાં-અને કહેશે-કે-આ નાનો કનૈયો બહુ વહાલો લાગે છે. એમ કહી –ત્યાં માયા લગાડે છે.

આ માયા જીવ ને બે રીતે મારે છે,બાંધે છે. માયા ના બંધનના દોરડા માં થી છટકી તે જ દોરડાથી પ્રભુ ને બાંધવાના  છે.

તુલસીદાસજી એ કહ્યું છે-
જનની,જનક,બંધુ,સૂત,દારા-તનુ,ધનુ,ભવન સુર્હદ પરિવારા-સબ કૈ મમતા તાગ બટોરી,મમ પદ મનહિ બાંધ હરિ ડોરી.

(માતા,પિતા,ભાઈ,પુત્ર,પત્ની,શરીર,ધન,ઘર,મિત્ર,સગાં-સ્નેહીઓ-એ બધા માંથી જે મમતા છે-તે ત્યાગી –તે બધા માં જે –
પ્રેમ વિખરાયેલો છે, તે બધો પ્રેમ ભેગો કરી –એક જ પ્રેમ નુ દોરડું બનાવી –પ્રભુ ના ચરણને મન થી બાંધી દો-તો પ્રભુ બંધાય.)

કપિલ ભગવાન-કહે છે-મા,અનેક જન્મો થી આ પ્રમાણે જીવ ભટકતો આવ્યો છે, હજુ તને સંસારના વિષયોમાં ધૃણા આવતી નથી ?
ક્યાં સુધી તારે ભટકવું છે ? મા,તારા મન ને સંસાર ના વિષયો માંથી હટાવી, તે મન ને પ્રભુ માં જોડી દે.
પરમાત્મા ના ચરણ નો આશ્રય કરી, જન્મ-મરણ ના ત્રાસમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરી મુક્ત થા –તો જીવન સફળ થશે.
મારા ઉપદેશ માં શ્રદ્ધા રાખજે, મા, સાવધાન થઇ ને તારે ધ્યાન કરવાનું છે. સાવધાન રહેજે-મન છેતરે છે-મન ભયંકર છે.

કોઈ પણ સાધન (જેવુંકે ભક્તિ વગેરે) કરવાનું છે. અને સાવધાન રહેવાનું છે-કે અંદર અભિમાન વધે નહિ.
આમ કરી પરમાત્મા ને શરણે –જીવ-જાય તો ભગવાન અવશ્ય કૃપા કરે છે.

અંત માં કપિલ ભગવાન જે કહે છે-તે ખુબ જ મહત્વનું છે.
“મા.તારા મન ને તારે જ બોધ આપવો પડશે. મા, આ માર્ગ એકલા નો છે.”
મા, સાવધાન રહેજે, થોડા દિવસ માં જ તું કૃતાર્થ થઈશ. મારું કામ પૂરું થયું, મારે હવે અહીં થી જવું પડશે. સંસાર નો સંયોગ-વિયોગ
માટે જ હોય છે. મા,તું સતત ભક્તિ કરજે-પરમાત્મા ના નામ નો તને આધાર છે.

મા ને ઉપદેશ આપી, કપિલ ભગવાન ત્યાંથી ઉઠ્યા છે,મા ની ત્રણ વાર પ્રદિક્ષણા કરી, મા ની આજ્ઞા માગી,ગંગાસાગર ના તીર્થ માં
પધાર્યા છે. કલકત્તાથી થોડે દૂર આ સ્થળ છે,ત્યાં ગંગાજી સમુદ્ર ને મળે છે. સામાન્ય નદીનાં પાણીને સમુદ્ર ખારાં બનાવે છે,ત્યારે
ગંગાજી ત્રણ ચાર માઈલ સુધી સમુદ્રના પાણી ને મીઠું બનાવે છે.

માતા દેવહુતિ, સરસ્વતી ના કિનારે વિરાજેલાં છે. સ્નાન,ધ્યાન કરી મન ની શુદ્ધિ કરી, નારાયણ નુ ચિંતન કરી મુક્ત થયાં છે.
દેવહુતિ મા ને સિદ્ધિ મળેલી,તેથી તે સ્થળ નુ નામ સિદ્ધપુર પડ્યું છે. માતા દેવહુતિ નો ત્યાં ઉદ્ધાર થયો છે, તેથી લોકો તેને
“માતૃગયા” પણ કહે છે.

કપિલગીતા અહીં સમાપ્ત થાય છે.

જુદા જુદા અનેક માર્ગો થી (નીચે બતાવેલા) પામવાનું તત્વ એક જ છે---પરમાત્મા.

(જુદા જુદા પ્રકારના કર્મો, યજ્ઞ, દાન, તપ, વેદાધ્યયન, મન અને ઇન્દ્રિયો નો સંયમ, કર્મ નો ત્યાગ, અનેક પ્રકારનો યોગાભ્યાસ,
ભક્તિ યોગ, પ્રવૃત્તિમાર્ગ અને નિવૃત્તિ માર્ગ, સકામ અને નિષ્કામ ધર્મો, આત્મતત્વ નુ જ્ઞાન, દૃઢ વૈરાગ્ય, ......
આ બધા જ –જુદા જુદા સાધનો છે-અને આ સાધનો થી કાં તો સગુણ અથવા નિર્ગુણ –પરમાત્મા ની પ્રાપ્તિ જ થાય છે.)

ત્રીજો સ્કંધ સમાપ્ત
(અનુસંધાન-ચોથા સ્કંધ પર)

    
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE