Jan 19, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૮

જ્યાં અંતઃકરણમાં (ચિત્તમાં) સદાને માટે પ્રસન્નતા (આનંદ) હોય –
ત્યાં સંસારિક દુઃખનો પ્રવેશ થતો નથી.
જેવી રીતે કોઈના પેટમાં જો અમૃતનો ઝરો ઉત્પન્ન થયો હોય તો –પછી તેને ભૂખ-તરસ ક્યાંથી પીડા કરી શકે ? એવીજ રીતે હૃદય (અંતઃકરણ-ચિત્ત) –પ્રસન્ન થવાથી-જાણે અમૃત (આનંદ)નો ઝરો ફૂટે છે-અને તેને માટે સંસારિક સુખ-દુઃખ (દ્વંદ) –રાગ-દ્વેષ –વગેરે પીડાદાયક રહેતા નથી.

અને આવા મનુષ્યની બુદ્ધિ –
આપોઆપ જ પરમાત્મ-સ્વરૂપમાં (આત્મ-સ્વરૂપમાં) મગ્ન રહે છે.(જડાયેલી રહે છે)
જેમ દીવાને કોઈ પવન વગરની જગ્યામાં મુકવામાં આવે તો ત્યારે તેની જ્યોત હાલતી-ડોલતી  નથી,
તેમ તે મનુષ્યની બુદ્ધિને  સ્થિર-બુદ્ધિ કહે  છે. (સ્થિતપ્રજ્ઞ) (૬૫)

આવી સ્થિર બુદ્ધિનો અને અંતઃકરણની પ્રસન્નતા (આનંદ)ની યુક્તિનો “વિચાર” પણ જેના મનમાં ના 
ઉદભવતો હોય-તેને આ આનંદ શું હોય? સાચું સુખ શું હોય? સાચી શાંતિ શું હોય?તેની કેવી રીતે ખબર પડે?

વિષયો (સ્વાદ-વગેરે) ના પાશ (બંધન) માં ફસાયેલા મનુષ્યને વિષયોમાં જ આનંદ આવે છે.
તેની બુદ્ધિ સ્થિર થતી નથી- કે –પછી બુદ્ધિને સ્થિર કરવાનો તે પ્રયાસ પણ કરતો નથી-કે-.
સ્થિર બુદ્ધિની ઈચ્છા યે કરતો નથી.તેને શાંતિ ક્યાંથી મળે ? સુખ ક્યાંથી મળે ?..(૬૬)

જે મનુષ્યોનું મન ઇન્દ્રિયો (જીભ-વગેરે) પાછળ જ ભટકતું હોય,અને
ઇન્દ્રિયો (જીભ-વગેરે)ની ઈચ્છા પ્રમાણે જ વર્તતા હોય,
તે પોતે ભલેને સમજે કે “અમે વિષયરૂપ (જીભ-વગેરે) દરિયાને તરી ગયા છીએ”,
પરંતુ સાચું એ છે કે- તે વિષયરૂપ દરિયાને તરીને પાર થયેલા હોતા નથી.

જેમ,કોઈ એક નાવને કિનારે ન લગાવી હોય,(કિનારે બાંધી ના હોય) અને અચાનક વાવાઝોડું થતાં
તે નાવ તોફાનમાં ફસાય છે,
તેમ,સિદ્ધ થયેલો મનુષ્ય પણ જો માત્ર ગમ્મતને ખાતર ઇન્દ્રિયો (જીભ-વગેરે) નું લાલન –પાલન કરે
તો તે ફરીથી સંસારદુઃખમાં ફસાઈ જાય છે (૬૭)

આપણી ઇન્દ્રિયો (જીભ-વગેરે) જો આપણા તાબા (વશ)માં આવી જાય તો-
તેનાથી વધુ જીવનની સાર્થકતા –બીજી કોઈ નથી.
જે પ્રમાણે કાચબો પોતાના પ્રસારેલા અવયવો (હાથ-પગ) સ્વેચ્છાથી –પોતે જ સંકોચી લે છે.-
તે પ્રમાણે જેની ઇન્દ્રિયો (જીભ-વગેરે) –પોતાને સ્વાધીન અને પોતાની આજ્ઞાપાલક છે –
તેની જ બુદ્ધિ સ્થિરતાને પ્રાપ્ત થયેલી ગણાય છે .(૬૮)

આવા સ્થિર બુદ્ધિવાળા જ્ઞાનીઓને ઓળખવાનું એક બીજું –સૂક્ષ્મ ચિહ્ન પણ છે.
પોતાના સ્વ-રૂપનું (આત્મ સ્વ-રૂપનું) જેને જ્ઞાન છે.(હું શરીર નથી-પણ હું શુદ્ધ આત્મા છું-તે જ્ઞાન)
તે-જયારે રાત હોય છે- એટલે કે સ્વ-રૂપના જ્ઞાન વગરનું જે અંધારું હોય છે-
ત્યારે જાગે છે.એટલે કે સ્વ-રૂપ ના અનુભવ રૂપી જાગૃતિ ભોગવે છે.
કહેવા એમ માગે છે કે-સ્વ-રૂપનો અનુભવ –એ એક પ્રકાશ રૂપ છે-અજવાળું છે.
અને આ જ સ્વ-રૂપનો જેને અનુભવ નથી –તે અંધારું છે-નિંદ્રા છે.-રાત્રિ  છે.

આવા સ્વ-રૂપના અનુભવ વિનાના સર્વ મનુષ્યો-જયારે વ્યવહારિક વિષયસુખની પ્રાપ્તિ માટે
દિવસ દરમ્યાન અત્યંત પરિશ્રમ કરે છે-કે જે જ્ઞાની પુરુષો માટે અંધારા સમાન છે-રાત્રિ સમાન છે-
એટલે કે જ્ઞાની પુરુષો-વિષય સુખ –તરફ લક્ષ્ય આપ્યા વગર –નિંદ્રા રૂપી અંધારું કરે છે.(સુવે છે)..(૬૯)

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  (રજૂઆત-અનિલ પ્રવિણભાઈ શુક્લ)
     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE