Jan 22, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૨૧

જ્ઞાનીઓ કહે છે કે-બ્રહ્મ સત્ય ,જગત મિથ્યા.
અને જગત છોડીને-કે જગતનાં કર્મો છોડીને તે  કેવળ બ્રહ્મની પાછળ પડી જાય છે.
આ જ્ઞાનીઓએ   ઇચ્છાઓ-વાસનાઓનો ત્યાગ (કે ક્ષય) કર્યો હોય છે. અને 
આત્મ-સંતોષી થઇ જાય છે. એટલે જગતની ખટપટ આપોઆપ બંધ થઇ જાય છે.

પણ આપણા જેવા સામાન્ય મનુષ્યોમાં  જિંદગીની શરૂઆતથી જ ઈચ્છાઓ વાસનાઓ હોય છે.મનમાં જ્યાં સુધી ઈચ્છાઓ અને વાસનાઓ છે-ત્યાં સુધી
જો મનુષ્ય,દિન- પ્રતિદિન પોતાની સામે આવતા કર્મોને ના-કરીને  (કર્મોનો ત્યાગ કરીને )-
જો નિષ્કર્મ (કર્મ કર્યા વગરના-કર્મશૂન્યતા) થવાની ઈચ્છા-કરે તો –તે -
કોઈ જ સંજોગોમાં ઉપર બતાવેલા જ્ઞાનીઓ ના જેવો બની શકતો નથી.
                                                                                                                                            
જગતનાં જે દિન-પ્રતિદિન કર્મો કરવાનાં હોય તેનો ત્યાગ કરીને મનુષ્ય કૃતાર્થ
થઇ શકે તેમ કહેવું તે મૂર્ખતા છે.
જેમ નદી પૂર્ણ ભરેલી હોય-અને જો સામે કિનારે જવું હોય સામે કિનારે જવાની ઈચ્છા હોય તો-
નાવ વગર કેવી રીતે જઈ શકાય ?
કે પછી જો નાવ ન હોય તો તર્યા વગર –સામે કિનારે કેવી રીતે જઈ શકાય ?
તરવાનું કે નાવમાં બેસવાનું કર્મ તો કરવું જ પડે છે. કારણ કે સામા કિનારે જવું છે.

જેમ,ભૂખ લાગી હોય –ખાવાની ઈચ્છા હોય –તો-રસોઈ બનાવવાનું કર્મ તો કરવું જ પડે છે.
કે પછી જો રસોઈ તૈયાર હોય તો-મોઢું ચલાવી –ખાવાનું કર્મ કરવું પડે જ છે.

જેને પરમાત્માની પ્રાપ્તિની ઈચ્છા છે-તેવા દરેક (બધા) મનુષ્યો માટે-
કર્મોનું આચરણ ત્યાજ્ય (ત્યાગવું જ પડે) કરવું જ પડે તેવું નથી.
અને આપણી ઈચ્છા પ્રમાણે કર્મોનો ત્યાગ કરવાથી “કર્મ નો ત્યાગ” થયેલો કહેવાતો  નથી.(૪)

કારણકે કોઈ પણ પ્રાણી,કર્મ કર્યા સિવાય ,એક પળ પણ રહી શકતો નથી.
પ્રકૃતિ (સત્વ-રજસ-તમ) (માયા) ના ગુણોના આધારે આ સર્વ સંસાર રચાયેલો છે.(૫)

જેમ,આપણે ગાડીમાં બેઠા હોઈએ –ત્યારે ભલે ગાડીમાં આપણે શાંત બેઠા હોઈએ ,પણ
આપણે ગાડીની સાથે સાથે ગતિ કરીએ જ છીએ-કારણકે આપણે ગાડીને આધીન છીએ.

જેમ,ઝાડનું સુકું પાન,નિર્જીવ-નિષ્ક્રિય હોવા છતાં, પવનના વેગ થી આકાશમાં ભ્રમણ કરે છે.
કારણકે તે પવનને આધીન છે.

તેમ,ઇન્દ્રિયો (કાન,આંખ,જીભ,વગેરે) પોતાના જે ધર્મો અને કર્મો છે,તે ત્યજી શકતી નથી.
મન કદી સંકલ્પ-વિકલ્પ કરવાનું કર્મ ત્યજી શકતું નથી.જન્મ-મરણ બંધ થઇ શકતા નથી.

કારણ આ બધાં પ્રકૃતિ (માયા) ને આધીન છે.
નિષ્કર્મ (કર્મ વગરની) સ્થિતિએ પહોંચેલો પુરુષ પણ નિત્ય રીતે શારીરિક કર્મો તો કરે જ છે.

માટે જ્યાં સુધી –પ્રકૃતિનો સંસર્ગ (Touch) છે-ત્યાં સુધી કર્મોનો ત્યાગ કદી થઇ શકવાનો નથી.
આમ છતાં જે કર્મત્યાગની વાત કરે છે-તે કેવળ ખોટો દુરાગ્રહ જ છે.

કર્મેન્દ્રિય (જીભ,હાથ,પગ,જનનેન્દ્રિય,ગુદા)નો નિગ્રહ કરીને જ જે મનુષ્ય –
કર્મથી મુક્ત થવાની ઈચ્છા રાખે છે- ---તેનાથી કર્મો ત્યજી શકાતાં નથી.
કારણકે તે ભલે ઇન્દ્રિયોનો નિગ્રહ (Control) કરે પણ-તેના મનમાં –કર્મ કરવાનો સ્વભાવ તો બાકી રહે છે.
તેની ઇન્દ્રિયો (જીભ વગેરે) તેના વિષયોનું (ખાવાનું વગેરે) ચિંતન છોડતી નથી.
એટલે કે –મન માં રહેલી સૂક્ષ્મ વાસના જતી નથી.
આમ છતાં જો તે મનુષ્ય એમ કહે કે –મેં કર્મને ત્યાગી દીધા છે-તો તે મનુષ્ય દંભી છે.(૬)

શ્રીકૃષ્ણ કહે છે-હવે પ્રસંગને અનુસાર હું તને  ઈચ્છા વગરનો સાચો મનુષ્ય કેવો હોય છે,
તેના લક્ષણો કહું છું

.જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  (રજૂઆત-અનિલ પ્રવિણભાઈ શુક્લ)

     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE