More Labels

Feb 21, 2013

ભાગવત રહસ્ય -૨૩૫

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત
      PREVIOUS PAGE
     NEXT PAGE
સ્કંધ-૯-(નવમો)-૩૨
મંથરા કહે છે-રામ તો આનંદ માં જ હોય ને ?
રામનો તેમના પિતા આવતી કાલે રાજ્યાભિષેક કરે છે.
રામ ના સમાચાર સાંભળી કૈકેયી પોતાનો ચંદ્રહાર ઉતારી મંથરા ને આપ્યો. કૈકેયી અતિ ભોળી છે.
મંથરા એ હાર ફેંકી દીધો. 
કૈકેયી ને આશ્ચર્ય થયું-તે પૂછે છે-
મારા રામનો રાજ્યાભિષેક થાય,તેથી મને અતિઆનંદ થાય છે,પણ તને આટલું 
દુઃખ કેમ થાય છે ? સૂર્યવંશની રીત છે-કે-મોટો પુત્ર ગાદી પર બેસે.

મંથરા એ ધરતી પર પડતું મુક્યું,ખોટી રીતે મૂર્છા માં પડી છે, નવી રીતે નવું નાટક ચાલુ કર્યું.
મંથરા હવે કહે છે-કે-રામ રાજા થાય કે ભરત રાજા થાય મને શું મળવાનું છે ? હું તો દાસી જ રહેવાની છું.
મારો સ્વાર્થ નથી પણ તારું બગડે છે –તે સુધારવા આવી છું, પણ હું જ ખરાબ છું, હવે હું નહિ બોલું.

કૈકેયી વિચારે છે-કે-આ બોલે છે તે કંઈ ખોટું લાગતું નથી,રામ રાજા થાય કે ભરત રાજા થાય તેમાં
તેનો શું સ્વાર્થ ? લાગે છે કે તેના મન માં કંઈક છે તે-તે કહેવા આવી લાગે છે.
કૈકેયી મંથરા પાસે આવી અને મંથરાની પીઠ પર હાથ ફેરવવા લાગી.
જેવો મંથરાને સ્પર્શ કર્યો-કે તેની બુદ્ધિ બગડી છે.મંથરામાંના કલિ એ કૈકેયીમાં પ્રવેશ કર્યો છે.
સ્પર્શ કર્યો નહોતો ત્યાં સુધી તેની બુદ્ધિ બગડી નહોતી.

મંથરા કહે છે-તારું એંઠું મેં ખાધું,તારાં કપડાં પહેર્યા,મને તો બોલતાં પણ બીક લાગે છે,મારે કંઈ નથી કહેવું.
પણ તારું બગડે તે મારાથી જોવાતું નથી,
કૈકેયી હવે કહે છે-કે-“તું જે કહે તે હું કરવા તૈયાર છું.”  મંથરા કૈકેયી ને ખુબ વહાલી હતી.
મંથરા ને જયારે ખાતરી થઇ કે કૈકેયી હવે તેને આધીન થઇ છે-એટલે તે કહે છે-કે-
“તેં મને કહ્યું હતું કે રાજા દશરથ ના બે વરદાન તારી પાસે છે-તે માગી લે.
એક તો ભરત ને ગાદી અને રામ ને ૧૪ વર્ષ નો વનવાસ”

કૈકેયી ભોળી છે-પણ કુસંગ થી કૈકેયી નુ જીવન બગડ્યું.
કુસંગ થી મનુષ્ય દુઃખી થાય છે-સત્સંગ થી મનુષ્ય સુખી થાય છે.
રોજ ના નિયમ પ્રમાણે રાજા દશરથ કૈકેયી ના મહેલ માં આવે છે-રાજા કૈકેયી ને આધીન છે,
શાસ્ત્ર માં લખ્યું છે-કે જે પુરુષ સ્ત્રી ને અતિ આધીન રહે છે-તે દુઃખી થાય છે.
દશરથ રાજા ના દુઃખ ની શરૂઆત થઇ છે. યેનકેનપ્રકારેણ કૈકેયીએ તેના બે વરદાન માગ્યા છે.
દશરથ રાજાને મૂર્છા આવી છે.

બીજા દિવસે સવારે દશરથ જાગ્યા નથી એટલે રામ દોડતા ખબર કાઢવા આવ્યા છે.
કૈકેયી ને વંદન કરીને પૂછે છે-બાપુ ને શું થયું ?મને ખબર કેમ ના આપી ?
કૈકેયી કહે છે-“તારા પિતાના દુઃખ નુ કારણ તું છે” એમ કહી આખી વાત કહી સંભળાવી.

રામજી કૈકેયી ને વંદન કરી ને કહે છે-મા- મારો ભરત રાજા થાય તે સાંભળી મને આનંદ થાય છે.
તમારો મારા પર ભરત કરતાં પણ અધિક પ્રેમ છે. મને ઋષિ-મુનિઓ નો સત્સંગ થાય-અને મારું કલ્યાણ
થાય –તે માટે તમે વનમાં મોકલો છો-તેનાથી વધુ સારું શું ?હું વન માં જઈશ. આવી નાનકડી વાતમાં
પિતાજી ને આટલું દુઃખ કેમ થાય છે ?

કૈકેયી ની નિષ્ઠુરતા ની હદ થઇ છે.
મંત્રીએ દશરથ રાજાને થોડા બેઠા કરી ને કહે છે-તમારો રામ તમને વંદન કરે છે.
રામ શબ્દ સાંભળતા જ –દશરથે આંખો ખોલી,બે હાથ લંબાવી રામને છાતી સરસો ચાંપે છે-
“રામ મને છોડી ને જઈશ નહિ” તે વધુ કંઈ બોલી શક્યા નહિ.

રામજી પિતાને સમજાવે છે-આપ તો ધર્મધુરંધર છો,આપને કોણ સમજાવી શકે ? મહાપુરુષો પ્રાણ ના ભોગે
ધર્મ નુ પાલન કરે છે.ચૌદ વર્ષ નો સમય જલ્દી પુરો થઇ જશે,અને આપનાં દર્શન કરવા આવીશ.
તમારાં આશીર્વાદ થી વન માં પણ મારું કલ્યાણ થશે.

રામચંદ્રજી એ આશ્વાસન આપ્યું છે,દશરથજી,માત્ર રામ-રામ એટલું બોલે છે-અને આંખમાંથી આંસુ નીકળે છે.


ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE