More Labels

Feb 24, 2013

જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-૬૫

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
અધ્યાય-૯-રાજવિદ્યા-રાજગુહ્ય યોગ-૬

જે પ્રમાણે અગ્નિ માં શેકેલાં બીજ ને અંકુર ફૂટતાં નથી, તે પ્રમાણે-
નિષ્કામ બુદ્ધિ થી પરમાત્મા ને અર્પણ કરેલાં શુભ કે અશુભ કર્મો –ની ફળ-પ્રાપ્તિ થતી નથી.
એટલે કે જો કર્મો જ ઈશ્વર ને અર્પણ કરવામાં આવે તો-તે-જ-વખતે જન્મ-મરણ નો ફેરો ટળી જાય છે-
કર્મ નું બંધન રહેતું નથી-અને સર્વ દુઃખો ની આપોઆપ નિવૃત્તિ થઇ જાય છે......(૨૮)

પરમાત્મા સર્વ જીવો માં (આત્મા-રૂપે) એકસરખા હોવાથી, તેમના માં મારું અને તારું –એવો ભેદ નથી.
ઈશ્વર નો કોઈ શત્રુ નથી-કે-કોઈ મિત્ર નથી. જેઓ તીવ્ર ભક્તિ થી ઈશ્વરને ભજે છે-તેઓ ઈશ્વરમાં છે અને
ઈશ્વર તેમના માં છે.
જેવી રીતે સૂક્ષ્મ રૂપે અગ્નિ સર્વત્ર વ્યાપ્ત થઇ ને રહેલો હોય છે-તેમ છતાં સાધનો વડે (લાકડું-અગ્નિ)
પ્રગટ કરવાથી જ તે અગ્નિ આંખ થી દેખાય છે-
તેવી રીતે સર્વત્ર રહેલો પરમેશ્વર ભક્તિ થી ભજન કરનાર ના અંતઃકરણ માં પ્રત્યક્ષ થાય છે...(૨૯)

અત્યંત દુરાચારી મનુષ્ય પણ જો પશ્ચાતાપ કરી અને તે પશ્ચાતાપ પછી લેશમાત્ર પાપાચરણ ના કરે,
અને જો એક નિષ્ઠા થી પ્રભુ નું ભજન કરે તો તે સાધુ સમાન થઇ જાય છે.

અંતકાળે જેવી મન ની વૃત્તિ હોય છે-તેવી જ ગતિ બીજા જન્મ માં થાય છે,આથી –
જેમણે પોતાના આયુષ્ય નો અંત ભક્તિમાર્ગ માં આણ્યો છે,તે ભલે અગાઉ ના સમય માં –એટલે કે –
યુવાનવય માં દુરાચારી હોય તો પણ તે સર્વોત્તમ જ છે.
એક વાર નિશ્ચય થઇ જાય કે પરમાત્મા ના ભજન સમાન બીજું કંઈ નથી, એટલે તેનો અખંડ પ્રેમ –
માત્ર ઈશ્વરમાં જ થાય છે અને તે કર્મો ના સપાટામાંથી પાર ઉતરી જઈ ઈશ્વરરૂપ થઇ જાય છે. (૩૦)

આવો ઈશ્વરમાં મળી ગયેલો અને ઈશ્વર સ્વ-રૂપ થઇ ગયેલો ધર્માત્મા –કદી પણ ના જનારી અને
સદા સાથે રહેનારી –શાંતિ ને પ્રાપ્ત થાય છે. અને આવા ભક્ત નો કદી પણ નાશ થતો નથી..(૩૧)

કોઈ પણ જાતિ નો હોય, કે ગમે તેવી અધમ પાપ-યોનિ માં જન્મેલો હોય –પણ જો –તે –
પરમાત્મા નો આશ્રય કરે-પરમાત્માની ભક્તિ કરે તો તેને ઉત્તમ ગતિ મળે છે....(૩૨)

તો પછી –અત્યંત કુળવાન,પુણ્યવાન અને સતત ભક્તિ કરનાર –તો પરમાત્મા ને સદા પ્રિય જ હોય –
એમાં તો બેમત નથી. માટે જ મનુષ્ય જયારે આ અશાશ્વત  (નાશ પામનાર) અને દુઃખદાયક –એવા
મૃત્યુલોક માં આવ્યો છે-જન્મ પામેલો છે- તો શાંતિ માટે ઈશ્વર ભજન સિવાય કોઈ ઉપાય નથી (૩૩)

પૃથ્વી ને મૃત્યુલોક કહે છે-જે જન્મે છે-તેનું મરણ નિશ્ચિત છે. દિન- પ્રતિદિન આયુષ્ય વીતતું જાય છે.
આ જાણવા  છતાં પણ મનુષ્ય –પોતે મરવાનો નથી-એમ સમજી સમય વિતાવ્યે જાય છે.

દેડકાને –સાપ ગળતો હોય છે-તો પણ દેડકાને-પોતાના મરણ ની કલ્પના સુદ્ધાં આવતી નથી અને તે જ
વખતે-દેડકો પોતાની જીભ થી આસપાસ ની માખીઓ ગળી જવાનો પ્રયત્ન કરતો હોય છે !!!!
આવી જ રીતે કોણ જાણે કયા લાભ માટે-જીવો પોતાની ઈચ્છા વધારે જાય છે.

જેના યોગ થી અવિનાશી પદ પ્રાપ્ત થઇ શકે છે-તેવા ભક્તિ માર્ગ ને ગ્રહણ કર્યા સિવાય –આ મૃત્યુલોક માં
બીજો કોઈ ઉપાય નથી.

માટે જ શ્રીકૃષ્ણ કહે છે-કે-
હે અર્જુન, તું તારા મન ને મારામાં સ્થિર કર,મારું ભજન કર,સર્વ જગ્યાએ હું (પરમાત્મા) છું,એમ સમજી ને મને નમસ્કાર કર.મારા માં ચિત્ત ને પરોવી,મારામાં પરાયણ થઈશ એટલે તું મને (ઈશ્વરને) આવી ને જ
મળીશ. બીજાઓથી ગુહ્ય (ગુપ્ત) રાખેલી મારા મનની વાત મેં તને કહી દીધી છે. અને આ વાત જો તું
બરોબર ગ્રહણ કરીશ તો સુખી થઇ શકીશ-શાંતિ પામી શકીશ.......(૩૪)

સમાપ્ત-અધ્યાય-૯-રાજવિદ્યા-રાજગુહ્ય યોગ-
અનુસંધાન-અધ્યાય-૧૦-વિભૂતિયોગ 

ટૂંકસાર રૂપે એક પાન માં -અધ્યાય-૯-રાજવિદ્યા-રાજગુહ્ય યોગ-વાંચવા અહીં ક્લિક કરો.


જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત