Dec 31, 2011

સાઈબાબા (શીરડી)


વીસ વર્ષના વયનો એક ફકીર હાથમાં પતરાનું ડબલું લઈને રોજ શીરડી ગામની બજારમાં તેલ માગવા નીકળતો. વેપારીઓ રાજીખુશીથી એને તેલ આપતા. 

પણ એક દિવસ બધાએ સંપ કરી કહ્યું` બાબા, તેલ નથી!' બાબા તરત પાછા ફરી ગયા. 
એમને મુકામ હતો એક જુની મસીદમાં. મસીદમાં આખી રાત દીવા બાળવાનો એમનો નિયમ હતો. 
રોજનો વખત થયો એટલે એમણે કોડિયાં સાફ કર્યા, એમાં દીવેટો મૂકી અને આજે તેલ નહોતું તો તેલની જગાએ પાણી પૂર્યુ ને દીવા કર્યા! એ દીવા આખી રાત બળ્યા એમ કહે છે. 

એ જોઈને પેલા વેપારીઓ તો આભા બની ગયા, તેમણે બાબાના પગમાં પડી એમની માફી માગી. આ બાબા તે સાંઈબાબા. આ એમનો પહેલો ચમત્કાર હતો.

સાંઈબાબાનો જન્મ ક્યાં થયો, ક્યારે થયો અને એમનાં માતાપિતા કોણ એ વિષે કોઈ જ કંઈ  નિશ્ચયપૂર્વક કહી શકતું નથી. પરંતુ બાબા કોઈ કોઈ વાર પોતાના વિષે કંઈ બોલતાં તે પરથી એવું માલૂમ પડે છે કે 


આંઘ્રના પાટડી નામે ગામમાં બ્રાહ્મણ માતાપિતાને ત્યાં ઓગણીસમી સદીના મધ્ય ભાગમાં એમનો જન્મ થયો હતો, અને નાની વયે માબાપના મૃત્યુના કારણે અથવા તો કોઈ બીજા કારણે કોઈ મુસલમાન ફકીરે એમને ઊછેર્યા હતા. ચારપાંચ વર્ષ બાબા એ સૂફી ની સાથે રહ્યા હશે. તે પછી સૂફીનું મરણ થયું અને બાબા ગોપાલરાવ નામે એક સરકારી અધિકારીની સાથે રહ્યા. ગોપાલરાવ વિદ્વાન હતા, અને ધર્મભાવનાવાળા હતા. તેમની પાસે બાબાને સારી તાલીમ મળી.
આમ કેટલાંક વરસ વહી ગયાં. ગોપાલરાવને થયું કે હવે મારો સમય પૂરો થઈ ગયો છે એટલે એમણે સૌ ભક્તોને ભેગા કર્યા, તેમની સાથે બેસી પૂજા પ્રાર્થના કરી અને પોતાની યોગવિદ્યાના બળે તક્ષણ શરીરનો ત્યાગ કર્યો.


હવે બાબા શીરડી આવ્યા. ઈ.સ.1872. એમનો વેશ જોઈ કોઈ બોલી ઊઠયું`આવો સાંઈ!' ત્યારથી એમનું નામ સાંઈબાબા' પડી ગયું. સાંઈબાબાએ ગામની જૂની ભાંગેલી મસીદમાં મૂકામ કર્યો અને જીવ્યા ત્યાં સુધી તેઓ આ એક જ જગાએ રહ્યા. 


તેમણે હિંદુ યોગીની પેઠે મસીદમાં રાત ને દિવસ ધૂણી સળગતી રાખી હતી. એમની અંગત મિલકત ગણો કે જે ગણો તે માટીની ચલમ, પતરાનું ડબલું, લાંબી કફની, માથે બાંધવાનો લૂગડાનો કકડો, ને એક નાનો દંડૂકો! પગમાં ચંપલ કે જોડા કંઈ જ નહિ!

એમણે મસીદનું નામ પાડયું દ્વારકામાઈ, દ્વારકામાઈમાં હિંદુ મંદિરની પેઠે ઘંટ વાગે, ઝાલર વાગે, શંખ ફૂંકાય, આરતી થાય, ભજન કીર્તન થાય, વિધિપૂર્વક મંત્રોચ્ચાર સાથે બાબાનું પાદપૂજન થાય ને પ્રસાદ વહેંચાય! 


કોઈ કોઈ વાર બાબા લહેરમાં હોય તો પોતાને વિષે કહેતાઃ` આ બ્રાહ્મણ છે, પવિત્ર બ્રાહ્મણ છે. આ બ્રાહ્મણે લાખો લોકોને સન્માર્ગે વાળ્યા છે, અને શીરડીના લગભગ તમામ હિંદુ મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે.

કોઈ વાર સ્નાન પહેલાં તો કોઈ વાર સ્નાન પછી તેઓ ધ્યાનમાં પણ બેસતાં. તેમની યોગસિદ્ધિઓ વિષે અસંખ્ય ચિત્રવિચિત્ર વાતો પ્રચલિત છે. કહે છે કે તેઓ પોતાના પેટમાંથી આંતરડાં કાઢી ધોઈને ઝાડ પર સૂકવવા મૂકતા! તો કોઈ કહે છે, તેઓ શરીરનાં અંગોને છૂટાં કરી દેતા ને ફરી બેસાડતા!


એક વાર તેમણે એક ભક્તને કહ્યું`હું અલ્લા પાસે જાઉં છું; ત્રણ દિવસમાં પાછો આવીશ. પણ કદાચ ન આવું તો મારા શરીરને પેલા લીમડા હેઠળ દાટજો.' આમ કહી તેઓ શરીરનો ત્યાગ કરી ગયા. દાક્તરોએ જડ શરીરને મરેલું જાહેર કર્યું ને તેની અંતિમ ક્રિયા કરવાનો હુકમ કર્યો. પણ પેલા ભક્તે અને લોકોએ તેનો વિરોધ કર્યો, તેમણે શરીર સાચવ્યું. ત્રણ દિવસ પૂરાં થતાં ફરી સાંઈબાબા શરીરમાં આવી ગયા ને ત્યાર પછી બત્રીસ વર્ષ એ શરીરમાં રહ્યા.


ભાગોજી કરીને એક રક્તપીતિયો હતો. એના હાથપગનાં આંગળાં સડી ગયાં હતાં ને પરુ વહેતું હતું. એ રોજ મસીદમાં આવતો ને બાબાની ચરણસેવા કરતો. લોકો કહે`બાબા, તમને આનો ચેપ લાગશે!'બાબા કહે`જોઈએ, કોને કોનો ચેપ લાગે છે!એનો મને કે મારો એને!'
ભાગોજીને બાબાનો ચેપ લાગ્યો-એ સાજો થઈ ગયો. બાબાએ સમાધિ લીધી ત્યાં લગી ભાગોજીએ બાબાની સેવા કરી. બાબા બહાર નીકળતા ત્યારે ભાગોજી એમને માથે છત્રી ધરી એમની જોડે જોડે ચાલતો!


સને 1897થી રામનવમીનો (ચૈત્રસુદ નોમ) ઉત્સવ બાબા ખૂબ ધામધૂમથી ઉજવાવતા. તે જ દિવસે મુસલમાનોનો સંદેલનો ઉત્સવ પણ ઉજવાતો. સાંઈધામનો આ મોટામાં મોટો ઉત્સવ છે. લાખ લાખ માણસો તેમાં ભાગ લે છે. સને 1914ના રામનવમીના ઉત્સવમાં બનેલો એક બનાવ અહીં નોંધવા જેવો છે. વહેલી સવારના બાબા દ્વારકામાઈ મસીદમાં ભક્તોને દર્શન આપવા બેઠા હતા. દર્શનાર્થીઓની ભીડ ધણી હતી. સવારની બપોર થઈ, પણ ભીડ ઓછી થવાને બદલે વધતી હતી. કેટલાક ભક્તોએ બાબાને વિનંતી કરી` બાબા, હવે તમે જમી લો, ને થોડો આરામ કરો!' બાબા કહે`ના રે, મને ભૂખ નથી! આજે રામનવમી છે ખરીને!'
તે વખતે પાંસઠસિત્તેર વરસની એક ડોશી બહાર ગામથી બાબાનાં દર્શન કરવા આવી હતી, પણ ભીડમાંથી રસ્તો કરી શકતી નહોતી, એટલે બૂમો પાડતી હતી`બાબા, આ ગરીબ ડોશી પર દયા કરો!'
એની બૂમ બાબાના એક અંતરંગ ભક્તે સાંભળી. ડોશીનો હાથ પકડી એ એને ભીડમાંથી માર્ગ કરી બાબાની પાસે લઈ ગયો. બાબાને ડોશીની આંખોમાંથી હર્ષના આંસુ વહી ચાલ્યાં. બાબાએ કહ્યું`મા, ક્યારનો ભૂખ્યો છું, મારા માટે શું ખાવાનું લાવી છો?'
ડોશીએ કહ્યું`એક રોટલો ને બે કાંદા લાવી હતી, પણ રસ્તામાં ભૂખ લાગી એટલે અડધો રોટલો ને એક કાંદો ખાઈ ગઈ. હવે મારો એંઠો અડધો રોટલો તમને કેમ અપાય?'
બાબાએ હસીને કહ્યું` અપાય, કેમ ન અપાય?]ટ કાઢ, મને ભૂખ લાગી છે.'
ડોશીએ સાલ્લાના છેડે બાંધેલો અડધો રોટલો ને કાંદો કાઢી બાબાને ધર્યો. થોડી વાર પહેલાં જ જેણે ભૂખ નથી કહી ખાવાની ના પાડી હતી, તે જ બાબા ત્યાં બેઠા બેઠા જ એ અડધો રોટલો ને કાંદો ખાઈ ગયા! ડોશીના હર્ષનો પાર ન રહ્યો.


બીજા એક પ્રસંગે એક યોગી મહારાજ બાબાનાં દર્શન કરવા આવેલા. તે વખતે બાબા રોટલો ને કાંદો ખાતા હતા. એ જોઈ યોગીના મનમાં વિચાર આવ્યો કે `કાંદો તમાસી ચીજ હોઈ નિષિદ્ધ છે. આ કાંદો ખાનારો વળી સંતપુરુષ શેનો!'
બાબા તેના મનની વાત પામી ગયા. ખાતાં ખાતાં જ તેમણે કહ્યું` કાંદો તે જ ખાઈ શકે જે એની તામસી અસરથી પર રહી શકે!'
યોગી મહારાજનો સંશય હવા થઈ ગયો.


બાબા સૌને પોતપોતાના ઈષ્ટ દેવની ઉપાસના કરવાનું કહેતા. કોઈ ધર્મ કે પંથ તરફ એમને પક્ષપાત નહોતો. તેઓ હંમેશા સદાચાર ઉપર ભાર મૂકતા. એક વાર એક વકીલ કહે`બાબા, સાચું જૂઠું કરવું પડે છે, એટલે ધંધો છોડી દેવાનું મન થાય છે.' બાબા કહે`શા સારું? જૂઠું કર્યા વિના થાય એટલો જ ધંધો કરવો!'


`અલ્લા માલિક!' આ શબ્દો બાબાની જીભે સદા રમતા રહેતા. જે કંઈ થાય છે તે ઈશ્વરનું જ ધાર્યું થાય છે, માટે સર્વ વાતે ઈશ્વરને જ પૂરા સમર્પિત થઈ જવું એ એમનો ઉપદેશ હતો.


સાંઈબાબા ગામમાં ભિક્ષા માગા નીકળતા ત્યારે બોલતાં`માંઈ, એક રોટીનો ટુકડો દે!' રોટલો, શાક, દાળ, દૂધ કે દહીં જે મળે તે બધું તેઓ એક માટીની કૂંડીમાં ઠાલવતાં ને પ્રેમથી જમતા. કૂતરાં, બિલાડાં ને કાગડા પણ તેમાં ભાગ પડાવતાં. બાબા એ સૌને પ્રેમથી નિમંત્રતા.


સંત કબીરની પેઠે બાબા કહેતાઃ` હિંદુના રામ અને મુસલમાનના રહીમ બંને એક જ છે. માટે હિંદુ-મુસલમાન બેઉં ડાહ્યા થઈને સંપીને રહો, દલીલબાજી છોડો, કજિયા છોડો ને ભેગા મળી સહજનહારના ગુણ ગાઓ!'


બાબાનું આસન તો ગુણપાટના ટુકડાનું હતું, પણ ભક્તો તેના પર ગાદી નાખતા અને પીઠના ટેકા માટે ભક્તો તકિયો મૂકતા. કોઈ વાર કોઈની પાસે બાબા દક્ષિણા પણ માગતા. એનું રહસ્ય સમજાવતાં બાબા કહેતાઃ`હું તો તમને ઋણમુક્ત કરવા આમ કરું છું.' દક્ષિણારૂપે એમની પાસે જે કંઈ ભેગું થાય તે બધું જ તેઓ સાંજે ખેરાત કરી દેતા- પોતાની પાસે કંઈ જ રાખતા નહિ!


બાબાની વાણી હંમેશા અર્થગર્ભ રહેતી. સીધી રીતે તે સમજાતી નહિ. એક વાર એક બાઈની પાસે બાબાએ છ રૂપિયા માંગ્યા. બાઈના પાસે તો એક દોકડો ય નહોતો. એ ચિંતામાં પડી ગઈ. પાછળથી એને સમજાયું કે છ રૂપિયા એટલે છ દુર્ગુણો! બાબા એની પાસે છ દુર્ગુણોનો ત્યાગ માગતા હતા.


બાબા કહેતાઃ` મારી વાત સાવ અનોખી છે'
એક વાર એક શ્રીમંત ખિસ્સામાં નોટોનાં બંડલ ભરી બાબાની પાસે ગયો. કહે` બાબા, મારી બાસે ગાડી, લાડી, વાડી, બંગલા, નોકરચાકર બધું જ છે. કોઈ ચીજની કમી નથી. કમી કેવળ એક બ્રહ્મ-દર્શનની છે. તે તમે કરાવો! હમણાં જ!
બાબા કહે` મારી પાસે આવનારા બધા ધન, માન, નોકરી, આયુષ્ય, ને એવું એવું માંગે છે, બ્રહ્મજ્ઞાન માગનારો જ્વલ્લે કોઈ હોય છે. તમે આવ્યા તે સારું કર્યુઁ. તમને હમણાં જ બ્રહ્મદર્શન કરાવું!' આમ કહી તેમણે એક છોકરાને કહ્યું`મારે પાંચ રૂપિયા જોઈએ છે. જા, ફલાણાની પાસેથી પાંચ રૂપિયા ઊછીના લઈ આવ!'
છોકરાએ દોડતા જઈને પાછા આવી કહ્યું`બાબા, એને ઘેર તાળું છે.'
બાબાએ કહ્યું` તો પેલાને ત્યાંથી લાવ.'
એ `પેલો' પણ ઘેર નહોતો.
દરમિયાન શ્રીમંત અકળાતો હતો. તેણે કહ્યું`મારી ગાડી ખોટી થાય છે. તમે બ્રહ્મદર્શન ક્યારે કરાવશો?'
બાબાએ કહ્યું`એ જ તો કરાવી રહ્યો છું! હું પાંચ રૂપિયા મગાવું છું. પણ તમારા ખિસ્સામાં તો પચાસ ગુણ્યા પાંચ છે, તોય તમે કશું બોલતા નથી! કારણ કે તમારે મન લોભ એ બ્રહ્મ છે. તમારા એ લોભ-બ્રહ્મનું મેં તમને દર્શન કરાવ્યું! હવે મારી આ વાત જો ગળે ઊતરે તો ઉતારજો, તમને લાભ થશે. આ દ્વારકામાઈમાં બેસી હું કદી જૂઠું બોલ્યો નથી!'
શ્રીમંતનું મોં પડી ગયું. એ વીલે મોંએ ચાલી ગયો.


એક વાર બહારગામથી આવેલી એક વૃદ્ધ બાઈએ બાબાને કહ્યું` તમે મારા ગુરુ, તમે મને મંત્ર આપો!'
બાબાએ કહ્યું` તારા ઈષ્ટદેવનું નામ જપ!'
બાઈએ કહ્યું`ના, તમે મારા કાન ફૂંકી મંત્ર આપો, નહિ તો હું અહીં ઉપવાસ કરી મરીશ!'
બાઈએ ઉપવાસ શરૂ કર્યા. ત્રણ દિવસના ઉપવાસ થયા ત્યારે ભક્તો બાબાને વઢવા લાગ્યા કે બાબા, બાઈ મરી જશે તો લોકો આપને દોષ દેશે!'
બાબાએ ફરી બાઈને બોલાવી કહ્યું`મા, સાચે જ તું મારી મા છે, હું તારો બાળક છું. મારા પર દયા કર અને મારી વાત સાંભળ!મારા ગુરુ દયાળુ સંત પુરુષ હતા. તેમણે જ મને ઊછેરીને મોટો કર્યો હતો. હું બાર વરસ તેમની સાથે રહ્યો. મારા પર તેમને અપાર પ્રેમ હતો. પણ તેમણે મને કદી કોઈ મંત્ર આપ્યો નથી, પછી હું તને ક્યાંથી મંત્ર આપું? મને પણ તારી પેઠે મંત્રની બહુ ઉત્કઠા હતી. ત્યારે ગુરુએ મારું માથું મૂંડાવી નાખ્યું ને મારી પાસે દક્ષિણાના બે પૈસા માગ્યા! મેં તેમને એ પૈસા આપ્યા. દક્ષિણાનો એક પૈસો તે ગુરુ પર શ્રદ્ધા ને બીજો પૈસો તે ધીરજ! માટે તું કોઈની પાસેથી મંત્ર કે ઉપદેશ લેવાની ગરબડમાં પડ મા, અને મને ગુરુ માનતી હો તો મારામાં નિષ્ઠ રાખ! જેમ તું મને નીરખશે તેમ હું તને નીરખીશ! કાચબી દૂર રહીને જેમ નજર વડે બચ્ચાનું પોષણ કરે છે તેમ હું કરીશ. આ મસીદમાં બેસીને હું જૂઠું બોલતો નથી.'
હવે બાઈના મનનું સમાધાન થયું.


બાબા ભક્તોને જ્ઞાનેશ્વરી, એકનાથી ભાગવત્ ભાવાર્થ રામાયણ, ગુરુ ચરિત્ર, વિષ્ણુસહસ્ત્ર નામ, ભગવદ્ગીતા કે ઉપનિષદનું અધ્યયન કરવાનું કહેતા; કોઈને એકાંતમાં બેસવાનું કહેતા, તો કોઈને બીજા સંત મહાત્મા પાસે પણ મોકલતા. કોઈને સ્વપ્નમાં એની શંકાઓનું સમાધાન બતાવતા, તો કોઈને સામે બેસાડીને ગીતા વગેરે ગ્રંથના ગૂઢ અર્થ સમજાવતા.
એક વાર એક ભક્તે બીજા ભક્તની ગેરહાજરીમાં એ ભક્તની નિંદા કરી. તે વખતે તો બાબા કંઈ બોલ્યા નહિ.પણ સાંજે બાબા બહાર નીકળ્યા ત્યારે તેમણે એક ભૂંડને વિષ્ઠા ખાતું જોયું. પેલા નિંદા કરનારા ભક્ત તે વખતે બાબાની સાથે હતા. બાબાએ એમને પેલું ભૂંડ દેખાડી કહ્યું`જોયું, કેવું આનંદથી એ વિષ્ટા ખાઈ રહ્યું છે! બીજાની નિંદા કરનારા આવી રીતે બીજાનો મળ પોતાની જીભ વડે સાફ કરે છે! કેટલાં પુણ્યે આ મનુષ્યદેહ મળ્યો છે, પણ જે આવું ભૂંડ જેવું વર્તન કરે તેને શીરડી શું કરી શકે ને સાંઈબાબા ય શું કરી શકે?'
બાબા કેટલીક વાર હસવું આવે એવા રૂપકમાં વાત કરતા. એક વાર કહે`એક વાર અહીં એક સોદાગર આવ્યો. તેની ઘોડીએ નવ લીંડીઓ મૂકી. સોદાગરે લીંડીઓ ભેગી કરી ધોતિયામાં બાંધી લીધી. એથી એના ચિત્તને શાંતિ મળી!'
આટલી વાર્તા કહી બાબા ભક્તને પૂછે`કેમ રે, તેં નવ લીંડીઓ ભેગી કરવા માંડી?'
ભક્ત મૂંઝાય એટલે બાબાને ગમત થાય. પછી કહે`નવ લીંડીઓ એટલે નવધા ભક્તિ! નવમાંથી એકનું પણ સેવન કરો તો તમારો બેડો પાર!'


એકવાર બાબાના એક ભક્તને હાથ પર સાપ કરડયો ને ઝેર ચડવા માંડયું. એ બાબાની મદદ માગવા આવ્યો. મસીદના પગથિયા પર એણે પગ દીધો કે બાબાએ ક્રોધ કરી કહ્યું`દુષ્ટ, ઉપર ચડતો નહિ, હેઠો ઊતર!' ભક્ત ગભરાઈ ગયો કે અજાણે મારાથી કોઈ અપરાધ થઈ ગયો છે એટલે બાબા મને કાઢી મૂકે છે! હવે મારું કોણ? ત્યાં બાબાએ કહ્યું`ગભરા મા!હું તને નહિ, સાપને કહું છું.' ભક્તે જોયું તો સાપનું  ઝેર ચડતું અટકી ગયું હતું.


બાબા સાપ વીંછીને મારવાની ના કહેતા. તેઓ કહેતાઃ`સર્વ પ્રાણીમાં ઈશ્વરનો વાસ છે-પછી તે સાપ હોય કે વીંછી! પ્રભુની ઈચ્છા વિના તેઓ કોઈને ઈજા કરી શકતા નથી. માટે પ્રાણીમાત્ર પર દયા રાખવી.'
એક વાર એક ભક્તે પૂછયું`બાબા, અસંખ્ય લોકો તમારાં દર્શન કરવા આવે છે, તે બધાને તમારો લાભ મળતો હશે ખરો?' બાબાએ કહ્યું`પેલો આંબો જો! કેટલો મોર આવ્યો છે! પણ બધાં ફૂલને ફળ બેસશે? મોરના હિસાબે આંબા પર કેરીઓ તો થોડીક જ હશે.' 


બાબા કદી ઉપવાસ કરતાં નહિ કે બીજાને ઉપવાસ કરવાનું કહેતા નહિ. તેઓ કહેતા કે પ્રથમ આત્માને સંતોષવો જોઈએ. પેટમાં ખોરાકનું સત્વ નહિ હોય તો ક્યાં ચક્ષુથી પ્રભુને દેખશું?' કઈ જીભથી પ્રભુના ગુણ ગાશું? કયા કાનથી પ્રભુના ગુણ સાંભળશું? ભૂખ્યા પેટે પ્રભુપ્રાપ્તિ થતી નથી, એટલે તો ભૂખ્યેં જમાડવાનું કહ્યું છે.'


બાબા કેટલીકવાર પોતે રસોઈ કરી ભક્તોને જમાડતા. કોઈ વાર માંસવાળી રસોઈ પણ કરતા, પણ જે લોકો માંસ નથી ખાતા એમને માંસ ખાવાનું તેઓ કદી કહેતા નહિ, એથી ઊલટું માંસાહારીઓને માંસાહારથી વારતા. પણ તેમનો હેતુ માંસાહારની સૂગ કાઢવાનો હતો. આજે જમાનો બદલાયો છે, માંસાહારીઆએ અને અમાંસાહારીઓ સૌએ સાથે રહેવાનું છે, એટલે કોઈ કોઈનો તિરસ્કાર કરે કે સૂગ રાખે તે ન ચાલે. 


શ્રીમોટા ગુજરાતના મહાન સંત થઈ ગયા. તેમણે પોતે એક ઠેકાણે લખ્યું છે કે માંસ પ્રત્યેની સૂગ કાઢવા મેં રાજીખુશીથી એકવાર માંસ ખાધું હતું. સાંઈબાબાનો પણ આવો જ હેતુ હતો. તેઓ કહેતાઃ`માંસ ન ખાય તે ઊંચો ને ખાય તે હલકો એ વાત ખોટી!'

પોતાના હાથે રાંધીને બાબાને જમાડવાની ભક્તોને હોંશ હોય તે સ્વાભાવિક છે. આવી રીતે ઘણા ખાવાનું લઈ આવતા, પણ બાબા કોઈકનું જ ભાણું સ્વીકારતા. પરંતુ એકવાર એક બાઈ થાળ લઈને આવી તો બાબા ઝટઝટ ખાવા જ બેસી ગયા. ત્યારે એક ભક્તે બાબાને પૂછયું`આજે આમ કેમ?' બાબાએ કહ્યું`આજનું ભોજન અસામાન્ય છે. આ બાઈ એક જન્મમાં ગાય હતી; બીજા જન્મે તે માળીને ઘેર જન્મી. તે પછી તે એક ક્ષત્રિયને ઘરે જન્મી અને હવે તેનો જન્મ બ્રાહ્મણને ઘેર થયો છે. દીર્ધકાળ પછી તેને જોઈ એટલે આજે મને ઉમળકો આવ્યો!'


એક વાર એક ભક્ત પર લોકમાન્ય ટિળક મહારાજ કૃત `ગીતારહસ્ય' ગ્રંથ ટપાલમાં આવ્યો. બાબાએ ગ્રંથ હાથમાં લઈ જોયો, પછી એના પર એક રૂપિયો મૂકી પેલા ભક્તને કહે`આ ગ્રંથ બરાબર વાંચજે, તને લાભ થશે.'


એક વાર શીરડીમાં એક સંન્યાસી આવ્યો. તેણે બાબાને પ્રણામ કર્યા. ત્યાં બાબાએ ક્રોધ કરી કહ્યું`કાઢી મૂકો આને! એનો સંગ નકામો છે.' સંન્યાસી કંઈ સમજ્યો નહિ. તેણે બાબાને કહ્યું`બાબા, દેશમાં મારી મા બહુ માંદી છે, મને ઘેર જવાની રજા આપો!' બાબાએ કહ્યું` મા મા કરે છે તો સંન્યાસી થયો શું કરવા? જા, મુકામ પર જઈને ભાગવત વાંચ! ત્રણ અઠવાડિયામાં ત્રણ પારાયણ કરવાનાં છે. ચોર ખાતર પાડવા ટાંપી રહ્યા છે!'
સંન્યાસીએ બે પરાયણ પૂરાં કર્યા. ત્રીજું અડધું થયું ત્યાં એક દિવસ એ બાબાનાં દર્શન કરવા આવ્યો અને એમના ખોળામાં માથું મૂકી ગુજરી ગયો. બાબાને ચોર (મૃત્યુ)ની ખબર પડી ગઈ હતી, તેથી તેને ઉગારી લીધો.


બાબા ધૂણીની રાખને ઉદી કહેતા. ભક્તોને છૂટથી ઉદી આપતા. કોઈ વાર ભક્તના કપાળમાં ઉદી લગાડતાં અને મસ્તીમાં આવી ગાતાઃ` રમતે રામ આયોજી આયોજી, ઉદિયાંકી ગોનિયાં લાયોજી લાયોજી!' 


ભૌતિક અને દેવી બંને વસ્તુની પ્રાપ્તિમાં ઉદી સહાય કરે છે તેવું ભક્તો માનતા. પણ ઉદીનો એક અર્થ સાવ સ્પષ્ટ છે. ઉદી સમજાવે છે કે દુન્વયી જીવન આ રાખ જેવું જ ક્ષણિક છે, દુન્વયી જીવનની છેવટે રાખ જ થવાની છે.

એક વાર બાબાએ કહ્યું`મને ખૂબ ભૂખ લાગી છે.' આ સાંભળી એક બાઈ દોડતી ઘેર જઈને રોટલા શાક લઈ આવી. બાબાએ તે જ ઘડીએ એ ખાવાનું એક કૂતરાને ધરી દીધું. બાઈએ કહ્યું`બાબા, ભૂખ ભૂખ કરતા હતા ને તમે તો એક ટુકડોયે ખાધો નહિં!'
બાબાએ કહ્યું`તો આ કોણે ખાધું?' કૂતરાની ભૂખ એટલે મારી ભાગી! પ્રાણીમાત્રનો અંતર્યામી હું જ છું, સર્વ ઠેકાણે હું જ છું, જીવજંતુ, કીડી, જળચર, ખેચર, શ્વાન, શૂકર બધામાં હું જ નિરંતર ભર્યો પડયો છું. મને અન્ય ન ધારશો, મને દૂર ન ધારશો. હું તમારી સાથે જ છું. મારું શરીર ભલે અહીં હોય ને તમે સાત સમુદ્રની પેલી પાર હો, પણ તમે જે કંઈ કરશો તેની મને ખબર પડશે. કારણ, હું તમારો અંતર્યામી છું.'


પ્રાણીમાત્ર પ્રત્યે બાબાની એવી એકાત્મતા હતી કે એક વાર કોઈએ એક રખડતી કૂતરીને લાકડી ફટકારી તો એના સોળ બાબાના શરીર પર પડયા હતા! એક વાર કોઈ દરિદ્રની બાબતમાં કોઈકે કહ્યું`બાબા, સૌ સૌનાં કર્મ ભોગવે છે. એનાં કર્મ એની સાથે ને મારાં કર્મ મારી સાથે!'


બાબાએ કહ્યું`હું પણ એ જ કહું છું. એનાં કર્મ એ ભોગવે છે, પણ તું જો અત્યારે એનું આતિથ્ય નહિ કરે, એની સેવા નહિ કરે તો સેવા નહિ કર્યાનું તારું જે કર્મ એ તારી સાથે રહેશે ને તને ડુબાડશે. એટલા માટે હું તને દયા કરવાનું નથી કહેતો, સેવા કરવાનું કહું છું.'


મસીદમાં એક જૂની ઈંટ હતી. એ ઈંટ બાબાનું ઓશીકું બનતી, ટેકો કે તકિયો પણ બનતી અને આસન પણ બનતી. એક વાર ઝાડું કાઢનારા છોકરાના હાથમાંથી એ ઈંટ પડી ગઈ, એના બે ટુકડા થઈ ગયા. બાબા કહે`એ ઈંટ નહોતી, મારું ભાગ્ય હતું. મારી જીવન ભરની ે સાથી હતી. મારા જીવ જેટલી જ મને એ વહાલી હતી! એ ગઈ. હવે-'
બધા સમજી ગયા કે બાબા હવે દેહ છોડવાનું કરે છે. તેથી એક ભક્તે કહ્યું`બાબા, તમે જશો પછી અમારું કોણ?'


બાબાએ કહ્યું`જ્યારે પણ કોઈ ભક્ત મારું ચિંતન કરશે ત્યારે હું ત્યાં હાજર થઈશ. શ્રદ્ધા રાખજો, મારો દેહ પડયા પછી મારી સમાધિ બોલશે, હાલશે ચાલશે અને મારું શરણ પકડનારાની જોડે વાતો પણ કરશે. મારાં હાડકાં તમારા કલ્યાણની વાત કરશે અને તમે તે સાંભળશો.'


આ પછી બાબાની તબિયત લથડી. તેમણે એક ભક્તને `રામજય' ગ્રંથ વાંચવા કહ્યું. વાંચન પૂરું થયું. બાબાએ સૌની વિદાય લીધી. પછી બોલ્યાઃ`મને બુટીના દગડી વાડામાં લઈ જાઓ!' આ શબ્દો સાથે તેમણે દેહ તજી દીધો. ઈ.સ.1918.


બાબાના મૃત દેહને ભક્તોના દર્શન માટે છત્રીસ કલાક રાખવામાં આવ્યો. તે પછી વૈદિક વિધિપૂર્વક પૂજા આરતી કરી બુટીના વાડામાં તેમને સમાધિ આપવામાં આવી. શ્રી બાપુ સાહેબ બુટી નામે શ્રીમંત ગૃહસ્થ બાબાના ભક્ત હતા ને તેમણે શીરડીમાં બગીચા સાથેનું એક મંદિર બનાવ્યું હતું. એ મંદિરમાં મુરલીધરની મૂર્તિ પધરાવવાની હતી, પણ બાબાએ કહેલું કે `હું જ ત્યાં રહેવા જઈશ!' એવું જ થયું. એ મૂર્તિની જગાએ આજે ત્યાં બાબાની સુંદર મૂર્તિ બિરાજે છે ને મૂર્તિ સામે જ બાબાની સમાધિ છે. રોજ વિધિપૂર્વક બ્રાહ્મણો એની પૂજા કરે છે. સાંઈબાબાનું આ સમાધિ મંદિર ભારતનું એક વિખ્યાત તીર્થ ગણાય છે. એ મંદિરમાં બગીચાનાં ફૂલઝાડને બાબાએ પોતે પોતાના હાથે કાચી માટીના ઘડા ભરી ભરીને પાણી પાયું છે.


સાંઈબાબાની વાણી
1. જેઓ બીજાની ઈર્ષ્યા કરી બૂરું કરે છે તેઓ મારા હ્રદયમાં છરી ભોંકી મને જફા કરે છે. પણ જેઓ સહન કરીને ભોગવી છૂટે છે તેઓ મને બહુ વહાલા છે.
2. તમે પ્રાણીમાત્રમાં મારું દર્શન કરશો તો તમે પણ સર્વવ્યાપકભાવ અનુભવશો અને મારી જોડે એકત્વ પામશો.
3. સમગ્ર ભાવે મારું શરણ પકડનારો તેમ જ મારું સ્મરણ કરનારનો હું ઋણી છું. તેમને મુક્તિ આપીને જ હું ઋણ મુક્ત થઈશ.
4. પગે દોરો બાંધેલ ચકલીની પેઠે હું દૂર દૂર સાત સમુદ્ર પારથી મારા માણસને મારી પાસે ખેંચી લાવું છું-આ મારો સિદ્ધાંત છે.



ઋણ સ્વીકાર -હું કોણ છું? http://www.hukonchu.com