અધ્યાય-૧૭-શ્રદ્ધાત્રય વિભાગયોગ -૩
ફળની આકાંક્ષા વગર (ફળ ની ઈચ્છા વગર)- “યજ્ઞ કરવો
એ પોતાનું કર્તવ્ય છે,એટલે કરવો જ જોઈએ”
એવું સમજી ને મનથી નિશ્ચય કરી ને શાસ્ત્રોક્ત
વિધિથી –જે યજ્ઞ કરવામાં આવે તે-સાત્વિક યજ્ઞ -છે.
આવા યજ્ઞ માં “અહંકાર” (હું યજ્ઞ કરું છું) નો
અભાવ હોય છે...(૧૧)
ફળની ઈચ્છા રાખી ને કે ફળની કામના માટેજ,(એટલેકે
કોઈને પુત્ર જોઈતો હોય તેને માટે યજ્ઞ કરે તે)
અથવા તો કેવળ દેખાડા (દંભ) માટે કરવામાં આવેલા
યજ્ઞ ને રાજસિક યજ્ઞ કહે છે, ..(૧૨)
શાસ્ત્રવિધિ વગરનો,અન્નદાન વગરનો,મંત્ર
વગરનો,દક્ષિણા વગરનો અને શ્રદ્ધા વગરનો-જે
યજ્ઞ કરવામાં આવે તેને-તામસિક યજ્ઞ કહેવાય
છે ...(૧૩)
ત્રણ પ્રકારના યજ્ઞ પછી ત્રણ પ્રકાર ના તપ
નું વર્ણન આવે છે.
પણ તે પહેલાં તપ એટલે શું? તપ નું સ્વરૂપ સમજાવવા,
ઉત્તમ તપ ના ત્રણ પ્રકાર બતાવ્યા છે.
ઉત્તમ તપ ના ત્રણ પ્રકારો છે-કાયિક.વાચિક અને
માનસિક.(દેહ,વાચા,ચિત્ત નું તપ)
દેવ,બ્રાહ્મણ,ગુરૂ તથા વિદ્વાન નું
પૂજન,પવિત્રતા,સરળતા,બ્રહ્મચર્ય અને અહિંસા-
એને કાયિક તપ (દેહ નું તપ) કહેવામાં આવે
છે..(૧૪)
કોઈના પણ મન ને ના દુભાવે એવું,સત્ય અને મધુર
હોવાં સાથે –પરિણામે જે હિતકારક હોય-એવું બોલવું-
અને વેદો નું અધ્યયન કરવું-તેને વાચિક તપ
(--- વાચાનું-વાણીનું તપ- કહેવામાં આવે છે..(૧૫)
મન ની પ્રસન્નતા,મૌન,સૌજન્ય,આત્મસંયમ અને
અંતઃકરણશુદ્ધિ –ને માનસિક તપ કહે છે.(૧૬)
ફળની આકાંક્ષા વગરના તથા સમાધાન પામેલા ચિત્તવાળા
પુરુષે અત્યંત શ્રદ્ધાપૂર્વક કરેલાં –
ઉપર બતાવ્યા તે ત્રણ પ્રકારનાં કાયિક,વાચિક અને
માનસિક તપ ને સાત્વિક તપ કહે છે.
(૧૭)
લોકો પોતાને માન આપે,પોતાની પૂજા કરે.પોતાની
સ્તુતિ કરે –એવા હેતુ થી,કેવળ દેખાડા માટે-
(દામ્ભિકતાથી) તપ કરવામાં આવે છે-તેને રાજસિક
તપ કહે છે..(૧૮)
બીજા નો નાશ કરવાની ઈચ્છા થી કે એવા કોઈ બીજા
દુરાગ્રહ રાખી ને,શરીર ને કષ્ટ આપીને,
જે તપ કરવામાં આવે છે-તેને તામસિક તપ
કહેવામાં આવે છે,..(૧૯)
તપ ના આવી રીતે ત્રણ પ્રકાર બતાવી હવે ત્રણ
પ્રકારના –દાન- નું વર્ણન છે.
“દાન આપવું એ આપણું કર્તવ્ય છે”-એવા હેતુ થી દાન
એવા વ્યક્તિ ને આપવામાં આવે કે જેને-
ખરેખર એ દાન ની જરૂર હોય અને દાન ના ઉપકાર નો
બદલો વાળવા માટે અસમર્થ હોય,
દાન આપનાર ને દાન આપવાનું અભિમાન ના હોય –અને- જેને
દાન આપ્યું હોય તે તેના ઉપકાર નો બદલો આપે તેવી મન માં ભાવના ના હોય-તો-આવા દાન ને
સાત્વિક દાન કહ્યું છે,
વળી ધાર્મિક સ્થાનો (પુણ્યક્ષેત્ર) માં અને ધાર્મિક
પર્વો ના
દરમિયાન આપેલું દાન પણ સાત્વિક દાન કહેવાય
છે....(૨૦)
દાન આપનાર, જેને દાન આપ્યું છે-તે તેના પર કરેલા
દાન ના ઉપકાર નો બદલો આપે તેવી ઇચ્છાથી,
અથવા તો ફળ ની આશાથી તથા મહાકષ્ટ થી આપેલા દાનને રાજસિક દાન
કહે છે.(૨૧)
જે દાન અપમાનપૂર્વક (સત્કાર કર્યા વગર) કરવામાં
આવે અને દેશ-કાળ કે પાત્ર ના વિવેક રાખ્યા વગર
કરવામાં આવે તો-તેને તામસિક દાન કહ્યું
છે..(૨૨)