May 28, 2020

ભાગવત રહસ્ય -૨૮૮

શુકદેવજી વર્ણન કરે છે-આ બાજુ દેવકીને આઠમો ગર્ભ રહ્યો છે,કંસે સેવકોને કહ્યું છે-કે-સાવધાન રહેજો,મારો કાળ હવે આવશે.સેવકો કહે છે-અમે રાત્રે બેસતા પણ નથી,
બેસીએ તો કદાચ આંખ મળી જાય,ખડે પગે,ખુલ્લી તલવારે,ઉભા રહી અમે પહેરો ભરીએ છીએ.બાળક થશે એટલે અમે ખબર આપીશું.કંસ પણ –“આઠમો-આઠમો” કરતા તન્મય થયો છે.

દેવકીના ગર્ભ રહેલા નારાયણની દેવો પ્રાર્થના કરે છે. દેવોએ દેવકીને આશ્વાસન આપ્યું છે.
મન,બુદ્ધિ પંચપ્રાણો-વગેરે સર્વની શુદ્ધિ થાય છે,ત્યારે પરમાત્માને મળવાની આતુરતા થાય છે.
ધીરે ધીરે આતુરતા એવી વધે છે કે જીવને ઈશ્વર વિના જરા પણ ચેન પડતું નથી.
જીવ તરફડે છે,અને જયારે અત્યંત આતુર થાય ત્યારે ભગવાનનો જન્મ થાય છે.

સમષ્ટિની શુદ્ધિ,પ્રકૃતિની શુદ્ધિ થાય છે,ત્યારે પરમાત્માનું પ્રાગટ્ય બહાર(જગતમાં) થાય છે,
જ્યારે અંતઃકરણની શુદ્ધિ થાય છે ત્યારે પરમાત્મા શરીરની અંદર (હૃદયમાં) પ્રગટ થાય છે.
જ્ઞાનીઓનું અંતઃકરણ અતિ શુદ્ધ હોય છે,તેથી તેઓ જ્યાં હોય ત્યાં હૃદયની ભીતરમાં પરમાત્માનાં દર્શન કરે છે.પણ આજે તો પરમાત્મા બહાર પ્રગટ થવાના છે,તેથી અષ્ટધા પ્રકૃતિ અને સમષ્ટિની શુદ્ધિ બતાવી છે.

--કાળ (સમય) પ્રસન્ન થયો છે.”આજે મારા માલિક મારી અંદર મારી(સમયની) મર્યાદામાં આવે છે”
--દિશાઓના દેવોને કંસે કેદમાં રાખ્યા છે,દિશાઓ આજે પ્રસન્ન થઇ છે,પરમાત્મા અમારા પતિઓને 
   કંસના કારાગ્રહમાંથી મુક્ત કરશે.
--વાયુદેવને આનંદ થયો છે.વાયુને રામાવતારમાં સેવાનો લાભ મળ્યો નથી.વાયુપુત્ર હનુમાને સેવા કરી  હતી,
   કૃષ્ણાવતારમાં વાયુદેવ જાતે સેવા કરવા આવ્યા છે,મંદ સુગંધ વાયુ વાવા લાગ્યો.

--અગ્નિને આનંદ થયો છે,રામાવતારમાં તેને પણ સેવાનો લહાવો મળ્યો નહોતો.કૃષ્ણાવતારમાં 
    તો શ્રીકૃષ્ણ દાવાગ્નિનું પાન કરે છે, ભગવત સ્પર્શ થશે –એટલે અગ્નિ પ્રસન્ન થયો છે.--ધરતીને (ભૂદેવીને) આનંદ થયો છે, રામાવતારમાં ધરતી અને રામજીનો સાસુ-જમાઈનો સંબંધ થયો હતો,     કૃષ્ણાવતાર માં વૈકુંઠમાંથી ભૂદેવી પૃથ્વી પર પધારે છે.
--જળ પ્રસન્ન થાય છે-શ્રાવણ માસમાં પણ જમુનાજીનું જળ શુદ્ધ થયું છે,જલતત્વની શુદ્ધિ થઇ છે.
--મનને આનંદ થયો છે.”હવે મને કોઈ મારશે નહિ” જ્ઞાનમાર્ગમાં મન સાથે ઝગડો છે,મનને મારવાનું છે,
  પણ મન કહે છે-“હવે તો ભક્તો,મને લઈને પ્રભુ પાસે જશે,હું પ્રભુની સન્મુખ થઈશ.”

ભક્તિમાર્ગમાં મન સાથે ઝગડવાની કે મન ને મારવાની જરૂર નથી,પણ મનને પ્રભુ ના ચિંતનમાં લગાડી,પ્રભુ ના માર્ગમાં વાળવાની જરૂર હોય છે.સંતોના મન શાંત અને પ્રસન્ન છે.
--મેઘો ને (વાદળાંઓને) આનંદ થયો,તેનું કારણ કે “લાલાનો મિત્ર તો હું છું,લાલાનો રંગ મારા જેવો છે”
પરમાત્માને મેઘનો રંગ ગમ્યો છે,મેઘો આનંદ માં ગડગડાટ કરે છે.

આ પ્રમાણે પરમ શોભાયમાન અને સર્વગુણસંપન્ન સમય થયો.ચંદ્ર રોહિણી નક્ષત્રમાં આવ્યો,(સમય)
દિશાઓ સ્વચ્છ થઇ,શીતલ,સુગંધી વાયુ વાવા લાગ્યો, આકાશ નિર્મળ થયું,નદીઓના પાણી નિર્મળ થયાં,
વનરાઈઓમાં પક્ષીઓ અને ભમરાઓ કલ્લોલ કરવા લાગ્યાં.

પરમાત્મા જ્ઞાનચક્ષુથી દેખાય છે,પણ આજે પરમાત્મા પ્રત્યક્ષ પ્રગટ થવાના છે,
જ્ઞાનીઓને આનંદ થયો છે. મહાત્મા પુરુષોનાં- મન- પ્રસન્ન થયા છે.
સ્વર્ગમાં દુંદુભિઓ વાગવા માંડ્યાં. મુનિઓ અને દેવતાઓ આનંદમાં આવી જઈ પુષ્પ વૃષ્ટિ કરવા લાગ્યા.
સર્વે તૈયાર,આનંદમાં મગ્ન,પ્રભુ ના ચિંતનમાં તન્મય-અને લાલાજીના દર્શન માટે આતુર છે,
ખબરદાર,,,,,,,,હોશિયાર...........ખૂબ રાહ જોઈ હવે......છેવટે......લાલાજીનું આગમન થવાનું છે.
(કે જે લાલાજી આ ભાગવત નો મુખ્ય વિષય-મુખ્ય પાત્ર છે)
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE