More Labels

Jul 1, 2013

ભાગવત રહસ્ય -૩૪૨

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત
      PREVIOUS PAGE
     NEXT PAGE
સ્કંધ-૧૦ (પૂર્વાર્ધ)-૬૫

હવે શ્રીકૃષ્ણ ની દામોદર લીલા નું વર્ણન આવે છે. પહેલાં દામોદર લીલા નું તત્વજ્ઞાન જોઈએ.

પરમ-પ્રેમ થી પરમાત્મા બંધાય છે,યશોદાજીએ લાલાને બાંધ્યો હતો.

શ્રીકૃષ્ણ પરમાત્મા પરમ-પ્રેમ નું સ્વરૂપ છે.
પ્રેમ અને પરમ-પ્રેમ માં તફાવત છે.પુત્ર,પત્ની વગેરે સાથે નો સ્નેહ તે પ્રેમ.
થોડો સ્વાર્થ રાખીને પ્રેમ કરે તેને પ્રેમ કહે છે.પણ સર્વ જીવો સાથે નિસ્વાર્થ પ્રેમ ને પરમ-પ્રેમ કહે છે.
માનવ સ્વાર્થ રાખીને પ્રેમ કરે છે,પરમાત્મા ને કોઈ અપેક્ષા નથી,તેમ છતાં જીવ સાથે પ્રેમ કરે છે.

આ જીવ નાલાયક છે,તે આંખથી,મનથી,જીભ થી વારંવાર પાપ કરે છે,તો પણ ઈશ્વર તેને પ્રેમ કરે છે.
ઈશ્વર જીવ ને પ્રેમ કરે છે અને જીવ પાસે ફક્ત એક પ્રેમ જ માગે છે.ધન-કે પૈસા માગતા નથી.
પરમાત્મા તો લક્ષ્મી પતિ છે.તેમને પૈસાથી પ્રસન્ન કરી શકાશે નહિ.

શરીરબળ,દ્રવ્યબળ,જ્ઞાનબળ,બુદ્ધિબળ વગેરે ની હાર થાય છે,ત્યારે પ્રેમબળ ની જીત થાય છે.
પ્રેમબળ સહુથી શ્રેષ્ઠ છે.પરમાત્મા ને પ્રસન્ન કરવાનું સાધન કેવળ પ્રેમ જ છે.
પરમાત્મા સાથે પ્રેમ કેવી રીતે કરી શકાય ? પરમાત્મા ને પ્રેમ કરવાનો ઉપાય કયો ?

જરા વિચાર કરતાં સમજાશે કે-
ઘરનાં માણસો આપણ ને સુખ આપે છે એટલે આપણે તેની સાથે પ્રેમ કરીએ છીએ.
પતિ એવી કલ્પના કરે છે કે પત્ની ને લીધે હું સુખી છું.પત્ની એમ માને છે કે પતિ ને લીધે હું સુખી છું.
પરંતુ જો કોઈ એવી કલ્પના કરે કે બંને એકબીજા ને લીધે દુઃખી છે તો પ્રેમ જાગશે નહિ.
એટલે કે ટૂંકમાં- ઘરનાં માણસો સુખ આપે છે એમ સમજવાથી પ્રેમ થાય છે.

વાસ્તવમાં કોઈ સ્ત્રી કે કોઈ પુરુષ સુખ આપતો નથી.એ તો કર્મ નાં ફળ ભોગવવા ઋણાનુબંધથી બધાં ભેગાં થાય છે.કોઈ માનવ સુખ આપી શકે નહિ.આનંદ નું દાન માત્ર પરમાત્મા કરે છે.
માટે જો એ પ્રમાણે કલ્પના કરવામાં આવે-માનવામાં આવે કે –
પરમાત્મા ની કૃપા થી હું સુખી છું. દુઃખ હોય તો દુઃખમાં પણ પ્રભુ ની કૃપા માનવી જોઈએ.
વિચારવાનું કે-“મારા પાપના પ્રમાણ માં તો ઘણી પછી સજા કરી છે” મનુષ્ય ના પાપના પ્રમાણ માં જો પ્રભુ સજા કરે તો તેને ખાવાનું પણ નસીબ ના થાય. પ્રભુ સજા કરે તો પણ દયા રાખી ને સજા કરે છે.
“મને જે મળ્યું છે,તે મારા કર્મ થી નહિ પણ ભગવતકૃપાથી મળ્યું છે.ભગવાન ની કૃપા થી હું સુખી થયો છું.
હું ભગવાન નો ઋણી છું.” આવી રીતે ભગવાન ના ઉપકારો ને સતત યાદ કરવાથી-
ભગવાન માં પ્રેમ જાગે છે. વારંવાર ભગવાન નું સ્મરણ અને પ્રભુના નામ ના જપ થી પ્રભુમાં પ્રેમ જાગે છે.

ભગવાન ની ઈચ્છા એ આપણી ઈચ્છા.એમ સમજી પોતાની ઈચ્છાઓ ને પરમાત્મા ની ઈચ્છા માં જોડી ને
પરમાત્મા સાથે તન્મય થવાનું છે.જીવ પૂર્ણપણે ઈશ્વર પર પ્રેમ કરે તો પ્રભુ દુર્બળ બને છે અને જીવ ને વશ થાય છે.પ્રેમબળ થી પરમાત્મા દુર્બળ થશે તો જીવ પરમાત્મા ને બાંધી શકે.

અતિશય પ્રેમ હોય તો વ્યવહારમાં પણ મનુષ્ય કબૂલ કરે છે-કે મારી હાર અને તમારી જીત.
પ્રેમ માં હાર એ જીત છે.પ્રેમ વધે એટલે ભગવાન બંધન નો સ્વીકાર કરે છે અને જીવ ને બંધનમાંથી મુક્ત કરે છે. પ્રેમ નું બંધન પરમાત્મા તોડી શકતા નથી.પરમાત્મા પ્રેમ-પરતંત્ર છે.

યશોદાજી એ પ્રેમથી પરમાત્મા ને બાંધ્યા છે.
એવા પરમ-પ્રેમ ની કથાનું આ દામોદર-લીલા માં વર્ણન  કરવામાં આવ્યું છે.

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE