Jul 13, 2021

Gujarati-Ramayan-Rahasya-13-ગુજરાતી-રામાયણ-રહસ્ય-13

એક માલિક (સ્વામી) તરીકે-રામજીએ હનુમાનજી તરફ શ્રદ્ધા અને ઋણ બતાવ્યું છે તે અદભૂત છે.સીતાજીના સમાચાર લઇને હનુમાનજી રામ પાસે આવે છે ત્યારે,
માલિકનું મન હનુમાનજીની સન્મુખ થઇ શકતું નથી,શ્રી રામ કહે છે કે-“હે હનુમાન,હું તારો ઋણી છું અને ઋણી જ રહેવા માગું છું,તારું ઋણ વળવાનો હું વિચાર પણ કરી શકતો નથી,તારું ઋણ વળ્યું વળાય તેમ નથી,તારા ઋણના લીધે મારું મન તારી સન્મુખ પણ થઇ શકતું નથી.”

પ્રતિ ઉપકાર કરૌકા તોરા,સનમુખ ના હોઈ શકત મન મોરા,
સુનું સૂત તોહી ઉરીન મૈ નાહી,દેખેઊ કરી વિચાર મન માંહી.(સુંદર કાંડ)

ભક્ત ભગવાનને ઋણી બનાવે છે.ભક્ત શાહુકાર અને ભગવાન દેવાદાર.સેવક ઋણદાતા અને સ્વામી ઋણી!
કૃષ્ણ જન્મમાં પણ શ્રીકૃષ્ણ ગોપીઓના દેવાદાર રહ્યા છે. તેમના ઋણમાં રહેવાનું તેમણે પસંદ કર્યું છે.
કહે છે કે-હું અમર શરીરથી અનંત કાળ લાગી તમારી સેવા કરું પણ તમારા પ્રેમ,સેવા,ત્યાગ નો બદલો હું ચૂકવી શકું તેમ નથી.હું તમારો જનમોજનમનો ઋણી છું.તમે ભલે મને ઋણ-મુક્ત કરો પણ હું તો
સદાય તમારો ઋણી રહીશ.

રામજી એ કોઈ પણ જીવનું દિલ દુભવ્યું નથી.
જયારે,રામજીને કૈકેયીએ વનવાસ આપ્યો ત્યારે રામજી કૈકેયીને પગે લાગીને કહે છે કે-
મા,મારો ભરત રાજા થતો હોય તો ચૌદ વરસ તો શું પણ આખી જિંદગી હું વનવાસમાં રહેવા તૈયાર છું.
મા,હું જાણું છું કે ભરત કરતાં તમને મારા પર વિશેષ પ્રેમ છે, વનમાં મને ઋષિ-મુનિઓ અને તપસ્વીઓનો સત્સંગ થાય તેથી જ તમે મને વનવાસ મોકલો છો. અમારા કલ્યાણ સિવાય તમારા મનમાં બીજી કોઈ કામના નથી.

રામજી સરળ છે તો સીતાજીની સરળતા પણ એથીયે અલૌકિક છે.
હનુમાનજી, સીતાજીને લંકાની અશોકવાડીમાં મળે છે.છેલ્લે વિદાય સીતાજી કહે છે કે-
તું આવ્યો તે સારું થયું,પણ તારા ગયા પછી રાક્ષસીઓ મને બહુ ત્રાસ આપશે.
રાક્ષસીઓ કેવો ત્રાસ આપતી હતી તે હનુમાનજી એ નજરે જોયું હતું.એટલે હનુમાનજી કહે છે કે-
માતાજી,આપ આજ્ઞા કરો, તો હમણાં જ આપને મારા ખભા પર બેસાડી રામજી પાસે લઇ જાઉં.

ત્યારે સીતાજી કહે છે કે-ના,તું મારો દીકરો છે,બાળબ્રહ્મચારી છે,પવિત્ર છે,તેમ છતાં તું પુરુષ અને હું સ્ત્રી છું,
મારા માટે પર પુરુષ નો સ્પર્શ વર્જ્ય છે.
એવા જ બીજા પ્રસંગે-
સીતાજી રાક્ષસીઓથી ઘેરાયેલાં છે,ત્યારે રાવણ મ્યાનમાંથી તલવાર કાઢી ને કહે છે કે-
બે મહિનામાં તું મને તાબે નહિ થાય તો,તલવારથી તારું હું તારું માથું કાપી નાખીશ.
સીતાજી તે વખતે પોતાની અને રાવણની વચ્ચે એક તણખલું મૂકે છે,તે એવું બતાવવા કે,
“મારે મન તું તણખલાની તોલે છે.” અને પછી કહે છે કે-
મારા પ્રભુ ભગવાન રામચંદ્રજીની ભુજાઓ શ્યામ કમળની માળા સમાન સુંદર અને હાથીની સૂંઢ સમાન બળવાન છે,હે શઠ,તું સાંભળ,મારા કંઠ (ગળા) માં કાં તો એ ભુજાઓ પડશે કાં તો તારી તલવાર પડશે.
મારી કઠોર પ્રતિજ્ઞા છે કે,આ ગરદન ને ત્રીજી કોઈ ચીજ સ્પર્શ કરી શકશે નહિ.

સતી અનસૂયાએ સીતાજીને વનવાસ સમયે આશીર્વાદ આપતાં કહ્યું હતું કે-
હે સીતા,પતિવ્રતા તરીકે લોકો તને સદા સ્મરશે.
સીતાજી સ્ત્રી ધર્મનું તત્વ જગતને બતાવે છે,અને જગતને અદભૂત આદર્શ પુરો પાડે છે.

લંકા-વિજય કરી રામ જયારે અયોધ્યા પાછા ફરે છે ત્યારે,સૌથી પહેલા ગુરૂ વશિષ્ઠ પાસે જાય છે.
અને તેમનો ચરણ-સ્પર્શ કરી સાથે આવેલા બધા મિત્રોને કહે છે કે-
આ અમારા પૂજ્ય,કુલગુરુ વશિષ્ઠ જી,કે જેમની કૃપાથી મને રણમાં વિજય મળ્યો.
પછી મિત્રોનો પરિચય આપતાં તે ગુરૂ વશિષ્ઠને કહે છે કે-
યુદ્ધનો યશ આ મારા શું મિત્રોનો છે,તેમની મદદથી જ હું અઘરું કામ પૂર્ણ કરી શક્યો.
આમ, વિજયનો બધો યશ,રામજી બીજાને દઈ દે છે.


PREVIOUS PAGE        INDEX PAGE         NEXT PAGE