Jul 15, 2021

Gujarati-Ramayan-Rahasya-15-ગુજરાતી-રામાયણ-રહસ્ય-15

એકનાથ મહારાજે ભાવાર્થ રામાયણમાં લખ્યું છે કે-યુદ્ધમાં લક્ષ્મણે ઇન્દ્રજીતનો હાથ કાપી નાખ્યો કે જે ઇન્દ્રજીતના આંગણામાં જઈને પડ્યો.એ જોઈને ઇન્દ્રજીતની પત્ની સુલોચના સતી થવા નીકળી,પણ ઇન્દ્રજીતનું મસ્તક રામજી પાસે હતું.તેથી રાવણે કહ્યું કે “તું રામજીની પાસે જા,એમના દર્શન કરી તારા પતિનું મસ્તક માગી લાવ” 
ત્યારે નવાઈ પામી અને સુલોચના બોલી કે-તમે મને શત્રુની પાસે મોકલો છો? 
રાવણે કહ્યું-હું રામને શત્રુ માનુ છું પણ તેઓ મને શત્રુ માનતા નથી.
રાવણની રામ પ્રત્યે આવી શ્રદ્ધા હતી.અંતરથી તે રામને ઓળખાતો હતો.


મહાભારતમાં પણ જેમ દુર્યોધન કહે છે કે-હું ધર્મને જાણું છું પણ તેમાં હું પ્રવૃત્ત થઇ શકતો નથી,
અને હું અધર્મને પણ જાણું છું પણ તેમાંથી હું નિવૃત્ત થઇ શકતો નથી.
તેવું જ રાવણનું છે.એ જાણે છે કે-રામનો પક્ષ ધર્મનો પક્ષ છે,છતાં વાસના અને પ્રારબ્ધ કર્મનો ઘેરાયેલો 
એ એવો નિર્બળ છે કે-બધું જાણવા છતાં જાતને બચાવી શકતો નથી.

શિવજી રોજ રામકથા કરે છે,અને જ્યાં રામકથા થાય ત્યાં હનુમાનજી હાજર થાય છે.
હનુમાનજીની રજા વગર રામના દરબારમાં કોઈ ને પ્રવેશ મળતો નથી.એટલે તો રામ-મંદિર માં
પહેલાં હનુમાનજીનાં દર્શન કરવાં પડે છે.

કેટલાક લોકો શિવજી અને રામજીને, શિવજી અને શ્રીકૃષ્ણને જુદા ગણે છે.
કેટલાક લોકો કહે છે કે-અમે તો અનન્ય ભાવે શ્રીકૃષ્ણ કે શ્રીરામની સેવા કરવાવાળા છીએ.
અમે જો શિવજીનું નામ લઈએ તો અન્યાશ્રય થઇ જાય!!
પણ આ ભેદ દૃષ્ટિ ખોટી છે.શિવ,રામ,કૃષ્ણ એ સર્વ એક જ પ્રભુનાં જ નામો છે.અને તે સર્વે એક જ છે.
જીવ અને શિવ જો જુદા નથી તો રામ અને કૃષ્ણ શિવથી કેવી રીતે જુદા હોઈ શકે ?
ભક્તિમાં કોઈ એક દેવ મોટા ને બીજા નાના –એવો ભેદ-ભાવ રાખવો જોઈએ નહિ.

તુલસીદાસજી શ્રીરામનું સ્વરૂપ બરોબર ઓળખી ગયા છે એટલે તેઓ રામના મુખે શિવની અને 
શિવના મુખે રામજીની પ્રશંસા કરાવે છે.એમાં કોઈ કોઈથી ચડતું કે કોઈ કોઈથી ઉતરતું નથી.
રામજી કહે છે કે-શિવથી વધારે મને કોઈ પ્રિય નથી,જેને શિવની કૃપા મળતી નથી 
તેને મારી કૃપા પણ મળતી નથી.આમ રામજી શિવજીની સ્તુતિ કરે છે.
જયારે બીજી તરફ શિવજી રામજીની સ્તુતિ કરતાં કહે છે કે-રામના જેવો ઉદાર આ જગતમાં કોઈ નથી.વગર સેવાએ દીન પર રીઝે એવા તો જગતમાં એક રામ જ છે.મુનિઓ યોગ-સાધન કરી ને જે ગતિ પામતા નથી તે ગતિ,શ્રીરામ તેમના ભક્તો ને સહેજમાં આપે છે.

રામાયણમાં રામજીનું પ્રાગટ્ય થયું છે એમ લખ્યું છે,રામજીનો જન્મ થયો એવું લખ્યું નથી.
પરમાત્માનો જન્મ કેવી રીતે થાય? એતો નિરંજન,નિરાકાર,અવિનાશી અને અવ્યક્ત છે.
છતાં પરમાત્મા પોતાના નિર્ગુણ સ્વ-રૂપમાંથી સાકાર સ્વરૂપે પ્રગટ થાય છે.
પરમાત્મા વિનાનું આ વિશ્વમાં (બ્રહ્માંડમાં) કોઈ સ્થળ નથી,વિશ્વમાં જે કંઇ છે તે સર્વ ઈશ્વર છે.

આવા સર્વ-વ્યાપી ઈશ્વર પોતાની જ માયાના પડદામાં ઢંકાયેલા હોવાથી,દેખાતા નથી.
આ માયાનો પડદો સોના જેવો મોહક અને ભભકાદાર છે.ને પ્રભુનું દર્શન થવા દેતો નથી.
પ્રભુને પણ પ્રગટ થવું ગમતું નથી,ગુપ્ત રહેવા તે આતુર છે. એ એમની લીલા છે.
તેમને પ્રગટ કરવાની શક્તિ રામ-નામના મંત્રમાં છે.

રામ-નામ જુના પાપો નાશ પામે છે અને નવા પાપો થતાં અટકે છે.
જુના પ્રારબ્ધનો નાશ કરવાની શક્તિ પણ રામનામમાં છે.જપનો આ પ્રતાપ છે.
દુર્યોધન કહે છે કે-હું જાણું છું કે પાપ શું છે,પણ પાપ કર્યા વગર હું રહી શકતો નથી.
એટલે કે એના પૂર્વ-જન્મના પાપના સંસ્કાર એટલા પ્રબળ છે કે,એ સંસ્કારને બળે પાપ થઇ જાય છે.

પાપના સંસ્કાર જેમ બળવાન છે તેમ પુણ્યના સંસ્કાર પણ એટલા જ બળવાન હોય છે.
રામનામનો જપ કરવાથી પુણ્યના સંસ્કારો બંધાય છે,ભવિષ્યને તે ઘડે છે અને વર્તમાનને સુધારે છે.
તે ભૂતકાળના પ્રારબ્ધ કર્મોને પણ નબળા પડીને વખત જતાં દૂર કરે છે.
આ ચમત્કાર રામ-નામના જપનો છે.મનને સુધારવાનો બીજો સીધોસાદો કોઈ ઉપાય નથી.


PREVIOUS PAGE        INDEX PAGE         NEXT PAGE