Aug 4, 2021

Gujarati-Ramayan-Rahasya-33-ગુજરાતી-રામાયણ-રહસ્ય-33

વ્યાસજી મહાભારતમાં ઉંચા હાથ કરીને કહે છે કે-
અરે,હું ઉંચા હાથ કરીને આટલી બૂમો પાડું છું,પણ તમે કોઈ સાંભળતા કેમ નથી?
મારે બહુ લાંબી વાત કરવાની નથી,કારણકે તમને લાંબુ સાંભળવાનો વખત નથી તે હું જાણું છું,
ને તમારે શું જોઈએ છે તે પણ હું જાણું છું,તમારે અર્થ અને કામ જોઈ છે ને?
તો ધર્મ નું સેવન કરો!! ધર્મ દ્વારા જ તમને અર્થ અને કામ મળશે.
(ઉર્ધ્વબાહુ.વિરૌંમૈવ્ય ન ચ કશ્ચિત શ્રુણોતી મેં,ધર્માદર્થસ્ચ કામાસ્ચ ના કિમર્થ સ સેવ્યતે?)


પણ ધર્મનું સેવન કરવું છે કોને? શાસ્ત્રો પોકારી પોકારીને કહે છે,અને સંતો દૃષ્ટાંતો દ્વારા સાક્ષી પૂરે છે,તો યે મનુષ્યનું મન માનતું નથી.બધું તોફાન એ મનનું જ છે.મન જાળાં બનાવે છે અને તેની પાછળ પાછળ ફેરવે છે,ફસાવે છે.અને સાચી વાતની સમજણ મનુષ્ય ને પડવા દેતું નથી.મન પરનું એક સુંદર દ્રષ્ટાંત છે.

એક રાજા હતો તેની પાસે એક બકરો હતો.રાજાએ જાહેર કર્યું કે –જે મારા બકરાને જંગલ માં જઈ પેટ ભરીને ચરાવી લાવે તેને હું અડધું રાજ્ય આપીશ.જાહેરાત સાંભળતા જ એક માણસ રાજાની પાસે આવ્યો,કહ્યું કે 
આમાં તે શી મોટી વાત છે? મ કહી બકરાને જંગલ માં ચરાવવા લઇ ગયો,આખો દિવસ સરસ લીલુંછમ ઘાસ ખવડાવ્યું,સાંજે તે રાજાની પાસે પાછો લાવ્યો.
બકરો ધરાયો છે કે નહિ તે જોવા રાજાએ થોડું લીલું ઘાસ બકરા સામે ધર્યું,અને બકરાએ જેવું લીલું ઘાસ જોયું કે- તેમાં મોં નાખી ખાવા લાગ્યો.એટલે રાજાએ કહ્યું- કે –તેં એને ક્યાં પેટ ભરીને ખવડાવ્યું છે?જો પેટ ભરેલું હોય તો તે અહીં ઘાસ ખાય જ નહિ,ભાગ અહીંથી.
બીજા ઘણાએ પ્રયત્ન કરી જોયાં પણ એવું જ બને કે જેવા તે ચરાવી ને લાવે અને રાજા ઘાસ ધરે,
એટલે બકરો ખાવા ધસે.બકરાની આદત હતી કે 'ઘાસ જોયું એટલે ખાવું'.

છેવટે એક બુદ્ધિશાળી મનુષ્યને લાગ્યું કે રાજાની આ જાહેરાત પાછળ જરૂર કંઈક રહસ્ય છે.
એટલે તેને યુક્તિથી કામ લેવાનો નિશ્ચય કર્યો.તે બકરાને વનમાં ચરાવવા લઇ ગયો અને જેવો
બકરો ઘાસમાં મોઢું નાખે અને ઘાસ ખાવા પ્રયત્ન કરે એટલે તેના મોં પર લાકડી ફટકારે.
દિવસના અંતે બકરાને ઠસી ગયું કે ઘાસમાં મોં નાખવાથી માર પડે છે એટલે ઘાસ ખાવું નહિ.
સાંજે તે મનુષ્ય બકરા ને લઇ રાજા પાસે આવ્યો.રાજાએ ઘાસ ધર્યું પણ આજે બકરો એ ઘાસ સામે 

જોતો પણ નથી.એને બીક હતી કે ઘાસ ખાવા જઈશ તો મોં પર માર પડશે.

એ બકરો તે આપણું મન,બકરાને ઘાસ તરફ લઇ જનારો તે જીવાત્મા,રાજા એ પરમાત્મા.
મન રૂપી બકરો અહંતા-મમતાથી ભરેલો છે,અને સંસારના ભોગો (ઘાસ) તરફ દોડે છે,
અને એ ઘાસ તરફ (ભોગો તરફ) દોડે ત્યારે તે મનને વિવેક-રૂપી લાકડી ફટકારવાથી તે વશ થાય છે.

રામદાસ સ્વામી એ બોધ આપ્યો છે કે-દૃઢ વૈરાગ્ય,તીવ્ર ભક્તિ અને યમ-નિયમ વગેરેના અભ્યાસથી
મન સ્થિર થાય છે,અને સંસાર પર વૈરાગ્ય લાવવા માટે જન્મ,મૃત્યુ,જરા,વ્યાધિ –વગેરેનો વિચાર કરવો એ જ ઉપાય છે..કપિલવસ્તુના રાજકુમારે જરા-મૃત્યુ નો વિચાર કર્યો તો એ બુદ્ધ ભગવાન રૂપે જગમાં અમર થઇ ગયો.

આ સંસારમાં બધું ચંચળ છે.ચિત્ત(મન) ચંચળ છે,તો વિત્ત (ધન)પણ ચંચળ છે.જીવન યૌવન પણ ચંચળ છે.
આખો સંસાર ચલાચલ છે.એમાં કોઈ આશાનું કિરણ હોય તો તે છે ધર્મ (સ્વ-ધર્મ,સત્ય,પરમાત્મા)
માટે જે મનુષ્ય પોતાને ડાહ્યો સમજતો હોય તેને ધર્મ (સત્ય) નો આશરો લેવો જોઈએ.
શાસ્ત્રો ઢોલ પીટીપીટી ને કહે છે કે-જીવન એવું જીવવું જોઈએ કે આ લોક અને પરલોક પણ સુધરી જાય.
દિવસે એવાં કાર્ય કરો કે રાતે નિરાંતથી ઊંઘ આવે,પૂર્વાવસ્થા એવી ગાળો કે ઉત્તરાવસ્થા
વલોપાત વગરની અને સુખ શાંતિથી વીતે.

વૃદ્ધાવસ્થા (જરા-અવસ્થા) માં આ શરીર ઘરડું બને છે પણ મન અને બુદ્ધિ તો યુવાન રહે છે.કે જે
યુવાની માં ભોગવેલા સુખ નું વારંવાર ચિંતન કરે છે.પ્રભુ નું સ્મરણ કિર્તન ના થાય તો વાંધો નહિ 

પણ મન સંસારનું ચિંતન કરે છે સંસારના ભોગો તરફ દોડે તે યોગ્ય નથી.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE