More Labels

Dec 5, 2018

Gujarati-Ramayan-Rahasya-42-ગુજરાતી-રામાયણ-રહસ્ય-42

કોશલ દેશની રાજધાની અયોધ્યાનું વાલ્મીકિએ બહુ સુંદર વર્ણન કર્યું છે.
અયોધ્યામાં ઇક્ષ્વાકુ વંશ (રધુ વંશ)ના રાજા દશરથનું રાજ્ય હતું.દશરથ રાજા ધર્મનિષ્ઠ હતા અને પ્રજાનું સારી રીતે પાલન કરતા હતા.અયોધ્યાના લોકો પણ સદાચારી અને ધર્મપ્રેમી હતા.

રાજા દશરથને ત્રણ રાણીઓ હતી-કૌશલ્યા,સુમિત્રા અને કૈકેયી.
પણ સંતાનની ખોટ હતી.કુલગુરુ વશિષ્ઠે તેમને પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરવાની સલાહ આપી.અને કહ્યું કે-
ઋષિ ઋષ્યશ્રુંગના હાથે યજ્ઞ કરાવવામાં આવશે તો યજ્ઞ સફળ થશે.વશિષ્ઠ પોતે પણ મહાન ઋષિ છે,તે પોતે પણ યજ્ઞ કરાવી શકત,પણ બીજોને મોટા કરવાનો,તેમનો સ્વભાવ છે.મહાપુરુષોનું આ લક્ષણ છે.

ઋષ્યશ્રુંગ મુનિએ યજ્ઞ પ્રારંભ કર્યો અને પૂર્ણાહુતિ વખતે યજ્ઞના અગ્નિમાંથી એક તેજસ્વી પુરુષ પ્રગટ થયો.તેના બંને હાથમાં એક સુવર્ણ પાત્ર હતું,પાત્રમાં પાયસાન્ન (દૂધપાક) હતું.
દશરથ રાજાને તે અર્પણ કરી યજ્ઞ-નારાયણ ભગવાને કહ્યું કે-તમારી કીર્તિને વધારનારા ચાર પુત્રો
પ્રગટ થશે.આટલું કહી તેઓ યજ્ઞ કુંડમાં અંતર્ધાન થઇ ગયા.

વશિષ્ઠજીની સલાહ પ્રમાણે,દશરથે એ પ્રસાદનો અડધો ભાગ પટરાણી કૌશલ્યાને આપ્યો અને
બાકી રહેલા અડધા ભાગના બે ભાગ કરી એક ભાગ સુમિત્રાને આપ્યો. હવે જે ત્રીજો ભાગ રહ્યો તે
કૈકેયીને આપવા જતાં રાજાને વિચાર આવ્યો કે કૈકેયી સૌથી નાની રાણી છે,તેને જો સુમિત્રાના જેટલો જ
ભાગ આપું તો એને સુમિત્રાની સમકક્ષ ગણી કહેવાય.અને જેથી સુમિત્રાનું માન સચવાય નહિ.
આમ વિચારી ને તેને તે પ્રસાદના વળી બે ભાગ કર્યા-કે જેમાંથી એક ભાગ કૈકેયી ને આપ્યો અને
બાકીનો ફરીથી સુમિત્રા ને આપ્યો.

ભાગવતની જેમ રામાયણની પણ સમાધિ ભાષા છે.યજ્ઞ-પ્રસાદની વહેંચણી માં પણ રહસ્ય છે.
કૈકેયીને (ત્રીજા ભાગનો) પ્રસાદ આપવા જતા રાજા દશરથ તેના બે ભાગ કરી અડધો કૈકેયી ને અને
અડધો ફરીથી સુમિત્રાને આપે છે.અને એ પ્રસાદના ફળ રૂપે જન્મેલા ભરત (કૈકેયી) અને શત્રુઘ્ન (સુમિત્રા)
એકના જ બે ભાગ રૂપ હોઈ એકમેકની જોડે રહે છે.
અને આખા પાત્રમાંથી કશી વિમાસણ કે મુંઝવણ વગર પહેલા જે બે ભાગ થાય છે –
તેના ફળ રૂપે જન્મેલા રામ (કૌશલ્યા)અને લક્ષ્મણ (સુમિત્રા)એક મેકની જોડે રહે છે.

એક એવી વાત પણ પ્રચલિત છે કે-રાજા દશરથે પ્રસાદનો પહેલો અને મોટો ભાગ કૌશલ્યાને આપ્યો,
તેથી કૈકેયીને ખોટું લાગ્યું કે –મને કેમ પહેલો નહિ?તેથી તેણે તે પ્રસાદ લીધો નહિ.
એવામાં એક સમડી ઉડતી ઉડતી આવી અને તે પ્રસાદ લઇ ગઈ.અને તે વખતે માતા અંજનીદેવી
ભગવાન શંકરની આરાધના કરતાં હતાં,તેમના ખોબામાં તે પ્રસાદ મૂકી દીધો.શિવજીનો પ્રસાદ સમજી
અંજની દેવી તે આરોગી ગયા,અને તેથી તેમને એક પુત્ર થયો,અને તે પુત્ર તે હનુમાનજી.
કૈકેયીનો પ્રસાદ આમ ચાલ્યો ગયો એટલે તેને પશ્ચાતાપ થયો.ત્યારે કૌશલ્યા અને સુમિત્રાએ બંનેએ
પોતાના ભાગમાંથી થોડો થોડો તેને આપી તેને શાંત કરી.

દશે ઇન્દ્રિયોના ઘોડાઓને કાબુમાં રાખી,જેનો રથ પ્રભુજી તરફ જાય તે દશરથ.
આવા દશરથને ત્યાં ભગવાન પુત્ર-રૂપે આવે છે.
દશમુખ રાવણ કે જેની દશે ઇન્દ્રિયોમાં કામ ભર્યો છે,તેને ત્યાં રામ કાળ-રૂપે આવે છે.
દશરથ જીતેન્દ્રિય છે અને સર્વને રાજી કરે છે તેથી તેમને ત્યાં સર્વેશ્વર આવે છે.
કલહ વગરની કાયા તે અયોધ્યા અને સરયુકિનારો નદી એટલે ભક્તિનો કિનારો.
આવી નગરીમાં રહેલા જીવાત્મા તે દશરથ અને તેમને ત્યાં પરમાત્મા પુત્ર રૂપે પધારે છે.

ત્રણે રાણીઓ પુત્રવતી થવાની છે.રાજા દશરથ સુમિત્રા ને પૂછે છે કે તમારી કશી ઈચ્છા છે?
ત્યારે સુમિત્રા કહે છે કે-મારે કૌશલ્યાજીની જોડે રહેવું છે,મારે તેમની સેવા કરવી છે.કૌશલ્યાજી ઠાકોરજીની
સેવા કરશે અને હું તેમની સેવા કરીશ. સુમિત્રાજી ઉપાસનાનું સ્વ-રૂપ છે.

કૌશલ્યાજી આખો દિવસ જપ અને ધ્યાનમાં લીન રહે છે,તેમનું ચિત્ત કોઈ દુન્યવી ચીજ પર જતું નથી.
રાજા દશરથ તેમને પણ પ્રશ્ન કરે છે-કે તમારી કોઈ ઈચ્છા છે? ત્યારે કૌશલ્યાજી કહે છે કે-
ઈચ્છા જ દુઃખ માત્ર નું કારણ છે,મને કોઈ સુખની ઈચ્છા કે કામના નથી.મને કોઈ સુખનો અભાવ નથી.
કૌશલ્યાજી જ્ઞાન-શક્તિ નું સ્વ-રૂપ છે.
દશરથ રાજાને આશ્ચર્ય થાય છે કે-કૌશલ્યા તો કોઈ જીવનમુક્ત પુરુષની પેઠે વાત કરે છે.
સુમિત્રા (ઉપાસના કે ભક્તિમાર્ગ) અને કૌશલ્યા (જ્ઞાન કે જ્ઞાનમાર્ગ) એ એક-મેક ની સાથે રહે છે.
કૈકેયી અલગ રહે છે તે ક્રિયા-શક્તિ (કે કર્મમાર્ગ)નું સ્વ-રૂપ છે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE