Dec 13, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૫૨

ભક્તિ એ પ્રેમ અને સેવા વગર સફળ થતી નથી.પ્રેમમાં એવી શક્તિ છે કે,
નિરાકાર.એ સાકાર બને છે.પ્રેમ કરવા લાયક એક ઈશ્વર જ છે,
અને ઈશ્વર જીવ પાસેથી માત્ર પ્રેમ જ માગે છે.
સંતો કહે છે કે-ઈશ્વર સાથે ખૂબ પ્રેમ કરો.ઈશ્વરની સેવા કરતાં,હૃદય પીગળે,
અને આંખમાંથી આંસુ વહે,તો માનજો કે ઈશ્વરની સાચી સેવા કરી.

શબરીનું ચરિત્ર માનવમાત્ર માટે આશ્વાસન-રૂપ છે.
ખૂબ ભજન કરવામાં આવે,સંતોના વચન પર વિશ્વાસ રાખીને શ્રદ્ધા પૂર્વક ભક્તિ કરવામાં આવે તો 
પ્રભુ જરૂર મળે જ છે. પ્રભુ-પ્રેમ હોય તો જ જ્ઞાનીના જ્ઞાનની સફળતા છે,
જ્ઞાન એ પૈસો કમાવાનું સાધન નથી પણ પરમાત્મા સાથે પ્રીત કરવાનું સાધન છે.

ભક્તિ માટે બ્રાહ્મણ ને ત્યાં કે ઉચ્ચ-કુળમાં જ જન્મ મળેલો હોય તે જરૂરી નથી.
પણ ભક્તિ માટે તો હૃદયના શુદ્ધ પ્રેમની જરૂર છે.બાળક જેવા નિર્દોષ શ્રદ્ધાભાવની જરૂર છે.
શબરી નિષ્કામ છે,એણે રામજી પાસે કંઈ માગ્યું નથી.શ્રીરામ ફળ આરોગે એમાં જ એને સંતોષ છે.આનંદ છે.
શબરી જેવો પ્રભુ પ્રત્યેનો નિષ્કામ-પ્રેમ,ખૂબ જ જરૂરી છે.
પણ માનવી નો પ્રેમ અનેક જગ્યાએ વહેંચાયેલો છે.એ વહેંચાયેલા પ્રેમ ને એકત્રિત કરી ને એક-માત્ર 
પરમાત્મામાં સ્થિર કરવાની જરૂર છે. “ત્વમેવ માતા,પિતા ત્વમેવ,ત્વમેવ બંધુસ્ચ સખા ત્વમેવ”
પરમાત્મા જ માતા,પિતા,ભાઈ કે મિત્ર –અને સર્વસ્વ છે.

શાંતિથી જો વિચાર કરવામાં આવે તો સમજાય છે કે-
આ જગતમાં પ્રભુના નામ સિવાય કશું સારું પણ નથી.
ઘણી વસ્તુઓ એવી છે કે જે આજે સારી લાગે પણ ઘડી પછી કે કાલે સારી લાગતી નથી.
પણ પ્રભુનું નામ સદા-સર્વદા પ્યારું લાગે છે.કારણકે પ્રભુ-નામમાં પ્રભુના ગુણ છે.
પ્રભુની પેઠે પ્રભુ-નામ પણ સર્વ-ગુણ-સંપન્ન છે.અવિનાશી,અવ્યય,અવિકારી અને અનંત છે.

સંતો કહે છે કે-જયારે પણ સમય મળે ત્યારે જો પ્રભુનામનું સ્મરણ કરવામાં આવે તો તે સમયનો સદુપયોગ છે.
પણ માનવને સમય જ ક્યાં છે? કેટલાક તો એવા હોય છે કે ઘરમાં બેઠા બેઠા યે પાડોશીની કુથલી કરે,
અને જો રસ્તે જાય તો રસ્તામાં પણ કોઈને ઉભો રાખી તેની સાથે ગામ-ગપાટા કરવામાં લાગી જાય.ને 
બીજા નો ય સમય બગાડે.લોકો પોતાનો ને પારકાનો સમય બગાડે છે ને સાથે સાથે મનને પણ બગાડે છે.
આ વાણીનો દુરુપયોગ છે,કે જે અંતકાળે માનવીને ખૂબ દુઃખી કરે છે.

શાસ્ત્રમાં લખ્યું છે કે-જે ઘરમાં ઈશ્વરની સેવા થતી નથી તે ઘર નથી પણ સ્મશાન છે.
જ્યાં શબ્દ મુખ્ય છે ને પ્રેમ ગૌણ છે તેને મંત્ર કહે છે,અને જ્યાં શબ્દ ગૌણ અને પ્રેમ મુખ્ય છે તે સેવા છે.
સેવામાં સાધનનું મહત્વ નથી-પ્રેમનું મહત્વ છે.
પરમાત્મા મંત્રને નહિ મનને પારખે છે.જ્ઞાન કોઈ પુસ્તકમાં છે તેવું નથી.જ્ઞાન તો પ્રત્યેક જીવમાં 
સૂક્ષ્મ-રૂપે રહેલું જ છે પણ તે અજ્ઞાનના આવરણથી ઢંકાયેલું છે.પરમાત્માની સેવાથી એ આવરણ દૂર થાય છે અને જ્ઞાન પ્રગટ થાય છે.જે એકને જાણવાથી બધું જ જાણી શકાય તે જ ખરું જ્ઞાન છે.

શબરી ભગવાનની પાસેથી નવધા-ભક્તિનો બોધ પામીને કૃતાર્થ થઇ,પછી તેણે પ્રાર્થના કરી કે-
આપના દર્શન કરતાં પ્રાણ ત્યજી દેવાની ઈચ્છા છે.
ત્યારે પ્રભુ કહે છે કે-પ્રાણ જતાં પહેલાં તમારી કોઈ ઈચ્છા હોય તો કહો.
શબરીને પોતાને તો કોઈ કશું માગવાનું નહોતું,પણ લોકોનું દુઃખ તેને યાદ આવી ગયું,તેણે કહ્યું કે-
પંપાસરોવરનું જળ બગડી ગયું છે તેમાં આપ સ્નાન કરો તો તે સારું થઇ જાય.

રામજીએ કહ્યું કે-તે જળને સુધારવાની મારામાં શક્તિ નથી.ને પછી ત્યાં એકઠા થયેલા સર્વ ઋષિ-મુનિઓ 
તરફ જોઈ બોલ્યા કે-એક ઉપાય છે કે-તમે શબરીનું ચરણોદક તેમાં પધરાવો તો પંપાનું પાણી શુદ્ધ થશે.
પ્રભુની આજ્ઞા માથે ચડાવી શબરીએ એ જળમાં સ્નાન કર્યું.અને સરોવર નું પાણી શુદ્ધ-નિર્મળ બની ગયું.
શ્રીરામ તો સર્વ કંઈ કરવા સમર્થ છે,છતાં ભક્તિનો અને ભક્તોનો મહિમા વધારવા માટે તે કહે છે કે-
જળ ને સુધારવાની મારામાં શક્તિ નથી.જળ સુધરે છે શ્રીરામની કૃપાથી,પણ પ્રભુ નિમિત્ત બનાવે છે શબરીને.

તે પછી રામનાં દર્શન કરતાં કરતાં યોગાગ્નિથી શબરીએ પોતાના શરીરને બાળીને ભસ્મ કરી નાખ્યું.
અને જ્યાં ગયા પછી કદી પાછા ફરવાનું થતું નથી તેવા દુર્લભ હરિ-પદમાં શબરીજી લીન થયાં.
ભગવાને ગીતામાં કહ્યું છે કે-જ્યાં ગયા પછી જન્મ-મરણ ના ચક્કરમાં પાછા ફરવાનું થતું નથી 
તે મારું પરમ ધામ છે. અને શબરીએ તે પરમ ધામમાં વાસ કર્યો.
“તજિ જોગ પાવક દેહ હરિ-પદ,લીન ભાઈ જહમ્ નહિ ફિરે “

અરણ્ય-કાંડ-સમાપ્ત.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE