Dec 31, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૬૪

તુલસીદાસજી કહે છે કે-શરીર એ ઘર છે,મુખ એ બારણું છે,અને જીભ એ ઉમરો છે.
જેમ,ઉમરા પર દીવો મુકવામાં આવે તો ઘરની અંદર અને બહાર બંને જગ્યાએ અજવાળું 
કરે છે,તેમ,જીભ-રૂપી ઉમરા પર રામનામનો દીવો મુકવાથી,પુરુ શરીર પ્રકાશથી ઝળહળી ઉઠશે.નામ-જપથી જીવનો અંધકાર દૂર થશે.માટે જીભને રામનામથી પ્રકાશિત કરો.

જરા વિચાર કરવામાં આવે તો સમજાય છે કે-
પ્રભુએ માનવીને બે આંખો,બે નસકોરાં,બે કાન આપ્યા છે પણ જીભ એક જ આપી છે.
બે, આંખો-પણ તેનું કામ તો- એક-જોવાનું, બે કાન, પણ તેમનું કામ-એક-સાંભળવાનું,
બે નસકોરાં, પણ તેમનું કામ-એક-શ્વાસોશ્વાસનું, આમ એક કામ માટે બે સાધન આપ્યા છે,
પણ જીભ એક છે ને તેને- બે- કામ કરવાં પડે છે,બોલવાનું અને ખાવાનું.

કોઈ પશુ પંખીને મન-બુદ્ધિનું દાન પ્રભુએ કર્યું નથી,માત્ર માનવીને કર્યું છે.
ભગવાન જોવા માગે છે કે-મેં આને મન, બુદ્ધિ આપી તો જોઉં કે તે જીભનો ઉપયોગ કેવો કરે છે.
પણ મનુષ્ય,બીજાની નિંદા કરવામાં કે બીજા ને ગાળો દેવામાં જ જીવન વિતાવી દે છે.
ઘડીભર આગળ વિચારીએ તો જણાશે કે-પૃથ્વી પર માનવમાત્રની જીભ બોલવાનું બંધ કરી દે તો શું થાય? ખરે,જગતમાં જે સારું-ખોટું થાય છે,તેમાં જીભનો કેટલો હિસ્સો છે?!!!

જીભ જેવું મહાન સાધન પ્રભુએ આપ્યું છે તો,એ પ્રભુના ઉપકારને ભૂલી જનાર માનવી ને શું કહેવું?
જીભથી જો પ્રભુના નામનો જપ ના થાય તો પછી એ જીભ શું કામની?
જો કે મનથી પણ જપ થઇ શકે છે,પણ મનથી થતો જપ માનવીને કદીક છેતરે છે.
કારણ કે અંદર જપ ચાલતો હોય અને મન બહાર ભટકતું હોય તો તે જપનો કોઈ અર્થ નથી.

જેમ,ધોવાનું કામ એ સારું છે,પણ મેલા વસ્ત્રને મેલા પાણીથી ધુઓ તો વસ્ત્ર મેલું ને મેલું જ રહે છે,
તેમ,માનસિક જપ સારો છે,પણ જો મન ભટકતું હોય તો જપ કર્યો કે ના કર્યો તે સરખું જ છે.
મહાત્માઓ કહે છે કે-એટલે જ મનને ભટકતું રોકવા જીભને મદદમાં લેવાની છે,મનની સાથે જીભથી પણ 
જો જપ થાય તો મન પર લગામ આવશે,એટલે જીભથી શબ્દ દ્વારા જપ થાય તે વધારે સારું છે.

મનુષ્ય માંદો પડે તો, ડોક્ટર પાસે દોડે છે,ને ગજા ઉપરાંત ખર્ચ કરી નાખતાં પાછું વાળીને જોતો નથી,
જે એક દિવસ પડવાનું છે,એવા ક્ષણ-ભંગુર શરીરને સાજું રાખવા મનુષ્ય એટલી બધી દોડાદોડ કરે છે,
પણ પોતાના આત્માના ખાતર એ કંઈ કરવા તૈયાર થતો નથી તે કેવી આશ્ચર્યની વાત છે!!!
દુનિયાદારીમાં ફસાયેલો,અને કામ,ક્રોધ,મદ-મોહથી ઘેરાયેલો,જીવ પણ સદાનો માંદો જ છે,
પણ તે માંદગી દૂર કરવા કોઈ ડોક્ટર પાસે ઝટ જતું નથી.
આખા જગતનો ધન્વંતરી (ડોક્ટર) એવો ભગવાન માથે બેઠેલો છે,વળી તે તો કોઈ ફી પણ લેતો નથી,
છતાં તેની પાસે કોઈ જતું નથી,એનાથી વધુ આશ્ચર્ય શું હોઈ શકે?

વાનરો દક્ષિણના છેક છેલ્લા છેડા પર આવીને બેઠા છે,સામે અફાટ મહાસાગર ઘૂઘવતો હતો,
હજી સીતાજીનો પત્તો લાગ્યો નહોતો,તેથી બધાંના મન ઉદાસ બની ગયા છે.
એક મહિનો તો ક્યારનોય વીતી ગયો,બધાને ઉત્સાહ આપનાર અંગદ પણ હવે હતાશ થઇ ગયો છે.
એમ નેમ ખાલી હાથે સીતાજીની કોઈ પણ માહિતી લીધા વગર પાછા ઘેર જવાનું એને મન થતું નથી,
એટલે કહે છે કે-હું તો અહીં સમુદ્ર તટે બેસી રહીશ અને ભૂખ્યો-તરસ્યો રહી મારા પ્રાણ છોડીશ.
આટલું બોલતાં તેના આંખમાં આંસુ આવી ગયાં.ત્યારે બીજા વાનરોએ પણ કહ્યું કે-
અમને પણ કાર્ય-સિદ્ધિ વગર જીવવાનો મોહ નથી.અમે પણ તમારી સાથે અહીં પ્રાણ-ત્યાગ કરીશું.


PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE