Jan 17, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૭૭

હનુમાનજી,શ્રીરામને કહે છે કે-આપનું નામ,રક્ષક બની રાત-દિવસ પહેરો ભરે છે,આપનું ધ્યાન –તે બીડેલાં દ્વાર-રૂપ છે,અને નેત્રો નિરંતર આપનાં ચરણમાં લાગેલાં રહે છે.પછી પ્રાણ જાય કયા માર્ગે? પ્રાણ તો બહાર નીકળવા તરફડે છે,પણ બહાર નીકળવાનો કોઈ રસ્તો જ તેને જડતો નથી.આપનું નામ અને આપનું ધ્યાન છૂટે તો તરત પ્રાણ નીકળી જાય,પણ સીતાજી તો આપના-મય છે,આપનાં નામ-અને ધ્યાન,તો કેમ કરી ને છૂટે?

પછી તો હનુમાનજીએ સીતાજીએ આપેલો ચુડામણી રામજીને આપ્યો,કે જે રામજીએ લઇ હૃદય-સરસો 
લગાવ્યો. અને હવે હનુમાનજી,શ્રીરામને, સીતાજીનો સંદેશો સંભળાવે છે.
“પ્રભુ,માતાજીએ આપનાં ચરણ પકડીને,આપને તેમનો સંદેશો કહેવાની આજ્ઞા કરી છે કે-
આપનો વિયોગ થતા જ મારા પ્રાણ ચાલ્યા ના ગયા તેમાં મારા નેત્રોનો દોષ છે,
તે નેત્રોને આપનાં દર્શન કરી સુખી થવાની લાલસા છે.તેથી તે આંસુ વહાવ્યા કરે છે.
એ આંસુ, વિરહાગ્નિ (વિરહનો અગ્નિ) થી બળતા,દેહને બળી જતો અટકાવે છે!!!
તેમ ના હોત તો,આ દેહ,તે વિરહના અગ્નિમાં રૂ ના પેઠે બળી ગયો હોત.!!!”

સીતાજીનો સંદેશો સાંભળી માલિકની આંખો છલકાઈ આવી,અને ફરીથી હનુમાનજીને છાતી સરસા ચાંપીને ઘણા પ્રેમ અને માનથી પોતાની નજીક બેસાડી કહ્યું.“હે,હનુમાન આજે તમે મારા પર જે ઉપકાર કર્યો છે,તેવો ઉપકાર આજ સુધી,કોઈ દેવ,મુનિ,મનુષ્ય કે,શરીર ધારણ કરનાર કોઈ પ્રાણીએ પણ કર્યો નથી”
“સુનું કપિ તોહિ સમાન ઉપકારી,નહિ કોં સુર નર મુનિ તનુધારી”
ત્રણે ભુવનનો માલિક,આજે ઉપકાર તળે આવી જઈ ને હનુમાનજી સાથે નજર મિલાવી શકતો નથી!!!!!

હનુમાનજી એ કરેલા ઉપકારની સામે હનુમાનજીને હું શું આપું ?તેમને હું શું કરું? 
વનવાસમાં વિચરતા માલિક પાસે,જયારે આજે હનુમાનજીને કંઈ આપવું છે ને પાસે કંઈ નથી!!!
માલિક ની નજર નીચી થઇ છે.અને મૂંઝવણમાં પડેલા શ્રીરામ પોતાના મન ની સાચે સાચી વાત કહી દે છે કે-હે,હનુમાન તારા ઉપકારનો બદલો (પ્રતિ-ઉપકાર) હું કેવી રીતે વાળું?મારે પ્રતિ-ઉપકાર કરવો છે.
પણ હું આજે કશું કરી શકું તેમ નથી,મારું મન તારી સન્મુખ થઇ શકતું નથી,મારી નજર તારી નજરમાં 
નજર મિલાવી શકતી નથી. ”પ્રતિ ઉપકાર કરૌ કા તોરા,સનમુખ હોઈ ન શકત મન મોરા”

ત્યારે હનુમાનજીતો માલિકની વાતો સાંભળતા-સાંભળતા જ ,હર્ષથી પુલકિત થઇ,અતિ-પ્રેમમાં વ્યાકુળ બની ને,શ્રીરામના ચરણોમાં ચોંટી ગયા.માલિક આવું બોલે,ને ઉદાસ બને, તે તેમને મંજુર નહોતું.
શ્રીરામ તેમના મસ્તક પર હાથ મૂકી તેમને ઉઠાડવાનો પ્રયત્ન કરે છે,પણ હનુમાનજી તે ચરણ છોડવા જાણે રાજી જ નહોતા.રામજીએ તેમનું મુખ ઊંચું કરી ને તેમની સામે જોયું,બંનેની આંખો ભરાણી છે,ને 
બંને ના શરીર હર્ષથી પુલકિત થઇ ગયાં છે.હવે કોઈ કોઈને શું કહું કહે? 
બંને એક બીજા ને જોઈ જ રહ્યા-જોઈ જ રહ્યા-ને તેમના મૌને હજારો વાતો કરી નાંખી!!!! 

તુલસીદાસજી કહે છે કે-પાર્વતીજીને આ પ્રસંગની વાત કરતાં શિવજી ભાવ-વિભોર બની ગયા છે.
અને સાચે જ આ પ્રસંગ રામાયણમાં શિરોમણી સરખો જ છે.

હજી હનુમાનજીએ કોઈની આગળ પણ લંકા-દહનની વાત તો કરી જ નહોતી,
હનુમાનજી વિનયની મૂર્તિ છે, બ્રહ્માજીએ લખેલ કાગળ પણ આપવો કે ના આપવો? 
તેની પણ,હજુ હનુમાનજીને વિમાસણ છે.છેવટે તેમને નિર્ણય કર્યો કે-કાગળ મારાથી ના રખાય,
જેનો હોય તેણે દઈ દેવો જોઈએ.એટલે તેમણે તે કાગળ લક્ષ્મણજીને આપ્યો.
લક્ષ્મણજીએ બધાની હાજરીમાં તે રામજીને વાંચી સંભળાવ્યો.

અંગદ-વગેરે સર્વેને પણ પહેલી જ વાર લંકાદહનની વાત જાણી,અને સર્વ આનંદમાં આવી કૂદવા લાગ્યા,
ને હનુમાનજીની અને તેમના પૂંછડાની વાહ,વાહ કરી,તેમના પૂંછડાને ચૂમવા લાગ્યા.
શ્રીરામ પણ અતિ-પ્રસન્ન થઈને કહે છે કે-હે,હનુમાન,તમારા પરાક્રમને તો કોઈ હદ નથી,
હવે તમે જ કહો કે હું શું તમારું પ્રિય કરી શકું?

પણ હનુમાનજીની નમ્રતાને ક્યાં હદ છે?તેમણે હાથ જોડી કહ્યું કે-મહારાજ,વાનરનો પુરુષાર્થ તો એક ડાળીથી બીજી ડાળી કૂદવા જેટલો જ હોય છે,આ તો બધો આપનો પ્રતાપ છે,આપના પ્રતાપે તો રૂ પણ વડવાનલ ને બાળી શકે છે.હે,નાથ,હું તો આપની પાસે કર જોડી ને એટલું જ માગું કે-કૃપા કરી,આપની નિશ્ચલ ભક્તિ મને આપો,એમાં જ મને પરમ સુખ છે. “નાથ,ભગતિ અતિ સુખદાયની,દેહુ કૃપા કરી અનપાયની”
ત્યારે રામજીએ અતિ-કૃપા કરી ને પ્રસન્ન થઇ ને કહ્યું કે-“તથાસ્તુ”
વાનરો એ હર્ષ થી પોકાર કર્યો-સિયાવર રામચંદ્રકી જય,પવનસુત હનુમાનજી કી જય”


PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE