Oct 3, 2014

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-૪૮

આ જગતને “સ્થિર-પણા” થી કેવળ “સાક્ષી” ની પેઠે જોયા કરતો,એવો જીવન-મુક્ત પુરુષ,
વિષયોમાં મન પરોવતો નથી,વિષયો ને સાચા સમજી ને તેમને ભોગવતો નથી,
તો,સાથે-સાથે વિષયોમાં,ઉત્કંઠા (વિષયો ભોગવવાની ઈચ્છા) કરતો નથી,અને શાંત રહે છે.
જો કે તે સુષુપ્તિ-વાળાની પેઠે વિષયોને (વાસનાઓને) દૂર રાખી કે ત્યાગી ને શાંત રહેતો નથી,
કે સ્વપ્ન-વાળાઓની પેઠે અંદરની વાસનાઓ માં ડૂબતો પણ નથી.(અનાશક્ત રહે છે)

તે બહારના વિષયોમાં મૂંઝાઈને રહેતો નથી,કે ક્રિયા-રહિત થતો નથી,કે ક્રિયાઓમાં ડૂબી જતો નથી.
એ ગઈ (ચાલી ગયેલી) વસ્તુઓની ઉપેક્ષા કરે છે,ને પ્રાપ્ત વસ્તુઓ નો સ્વીકાર કરે છે,પણ,પોતાની મર્યાદાઓને છોડતો નથી,અને (અનાસક્ત રહી) ક્રિયાઓ ને ચલાવ્યા કરે છે.

ઉદાર “વિચાર-વાળા” મહાત્મા-જીવનમુક્ત-યોગીઓ આ પ્રમાણે પૂર્ણ મનથી (ચિત્તથી) આ જગતમાં વિહાર કરે છે,એ ધીર પુરુષો પોતાની ઈચ્છા પ્રમાણે,લાંબા કાળ સુધી,જગતમાં રહીને અંતે
“આભાસ”-જેવા દેહને છોડી દે છે.અને પરિચ્છેદ (અંત) વગરના “વિદેહ-કૈવલ્ય” ને પામે છે.

આ રીતે “વિચાર” થી જ પુરુષાર્થ પ્રાપ્ત કરાવનાર કર્મકાંડ-વગેરે- તથા
વેદાંત ના સિદ્ધાંત નાં તત્વો નો નિર્ણય કરી શકાય છે.
“વિચાર-રૂપી” સુંદર “આંખ” અંધારામાં પણ શક્તિ -રહિત થતી નથી,અને તીવ્ર પ્રકાશમાં અંજાઈ  પણ જતી નથી,તેથી દૂરની અને “અંતરાય” વાળી વસ્તુઓ પણ જોઈ શકાય છે.

આમ,”વિચાર-રૂપી ચમત્કાર” (વિચારથી મળતો પરમ-પદ નો ચમત્કાર) પરમાત્મા-મય છે,
માન-પાત્ર છે,અને પરમાનંદના મુખ્ય સાધન-રૂપ છે.
તેને ક્ષણ-માત્ર પણ છોડવો જોઈએ નહિ.
વિચાર થી શોભી રહેલ “બુદ્ધિ-વાળા” અને વિચારથી “ચાલવાના માર્ગ નો નિર્ણય પામેલા” પુરુષો ને
વારંવાર અનેક દુઃખ-રૂપી ખાડાઓ માં કદી પડવું પડતું નથી.

“અવિચાર” (નહિ વિચારવા)થી “આત્મનાશ” પામેલો અજ્ઞાની મનુષ્ય,
જો,પોતાને રોગ કે અનર્થ (દુઃખ) આવે તો રડે છે,
પણ વિચારશીલ મનુષ્ય ગમે તેવા અનર્થો આવી ચડે પણ રોતો નથી.
આથી મહાત્મા મનુષ્યે,નિરંતર “વિચાર-યુક્ત” થઇ આત્મ-માર્ગ અપનાવવો જોઈએ.અને
પોતાના “મન-રૂપી” મૃગ (હરણ) ને વિચાર દ્વારા,પોતાની મેળે જ દુષ્ટ વિષયોમાં જતું અટકાવવું જોઈએ,
અને તેને સંસાર ના “મોહ-રૂપી” સમુદ્રમાંથી તારવું જોઈએ.

“હું કોણ છું?” અને “મને આ સંસાર-રૂપી દોષ શા કારણથી આવ્યો છે?” તેનું,
શ્રુતિ-વગેરે-શાસ્ત્રોમાં કહેવા મુજબ જે અવલોકન કરવું-તેને “વિચાર” કહેવામાં આવે છે.

હે રાઘવ,સત્ય વસ્તુના “ગ્રહણ” ની અને મિથ્યા વસ્તુના “ત્યાગ”ની ઈચ્છાવાળા પુરુષો,
આ સંસારમાં વિચાર કર્યા વગર,સાચા તત્વ ને જાણી શકતા નથી.
“વિચાર” થી “તત્વ-જ્ઞાન” (તત્વ-સત્ય નું જ્ઞાન) થાય છે,અને
“તત્વ ના જ્ઞાન” થી આત્મામાં વિશ્રાંતિ થાય છે.વિશ્રાંતિ થી મનમાં શાંતિ થાય છે,
અને જેથી સઘળાં દુઃખો નો ક્ષય થાય છે.

પૃથ્વીમાં પુરુષ સાચા વિચારથી જ સઘળાં વૈદિક કર્મોને સફળ કરે છે.
અને સાતમી ભૂમિકા સુધી ચડવા-રૂપ, ઉત્તમ પ્રખ્યાતિ પામે છે.

માટે તમારે એવા-શમ-વાળા “વિચાર” પર જ (મનથી) રુચિ (રસ-ઈચ્છા) રાખવી.


     INDEX PAGE
      NEXT PAGE