Nov 11, 2014

પતંજલિના યોગસૂત્રો-29-Yogsutra of Patanjali-Gujarati

  • ध्यानहेयास्तद्वृत्तयः  (૧૧)

ધ્યાન દ્વારા તેમનાં (તે સૂક્ષ્મ-સંસ્કારોના) સ્થૂળ પરિણામો નો ત્યાગ થાય છે. (૧૧)

આગળ બતાવ્યું તેમ એ "તરગો" ને ઉઠતા અટકાવવામાં "ધ્યાન" એ મોટું સાધન છે.
ધ્યાન દ્વારા જો આ તરંગો દબાવીને ધ્યાનનો નિરંતર વર્ષો સુધી અભ્યાસ કરવાથી,ધ્યાન ની "ટેવ"
પડી જાય છે.અને કોઈ પણ જાતના પ્રયત્ન વિના પણ ધ્યાન ની અવસ્થા જો ચાલુ રહે તો-
ક્રોધ-ધિક્કાર -વગેરે વૃત્તિઓ કાબૂમાં આવી જઈને આપોઆપ દબાઈ જાય છે.

  • क्लेशमूलः कर्माशयो दृष्टादृष्टजन्मवेदनीयः  (૧૨)
કર્માશય નાં મૂળ ક્લેશો માં છે અને તેમનાં ફળ આ જન્મ કે બીજા જન્મ માં અનુભવાય છે. (૧૨)

"કર્માશય" એટલે સંસ્કારો નો એકંદર સરવાળો.
આપણે કોઈ કામ કરીએ છીએ ત્યારે (તેનું કારણ) મનમાં એક "વૃત્તિ-રૂપી" તરંગ ઉઠેલો હોય છે,
અને કામ પુરુ થઇ ગયા પછી આપણે માનીએ છીએ કે -તે તરંગ શમી ગયો.
પણ તે તરંગ શમી ગયો હોતો નથી પણ માત્ર સૂક્ષ્મ રૂપે થાય છે અને ત્યાં હજી રહેલો જ હોય છે.
જયારે આપણે તે કરેલા કામ ને યાદ કરવાનો પ્રયાસ કરીએ છીએ,ત્યારે તે પાછો ઉપર આવી તરંગ-કે વૃત્તિ-રૂપ બને છે.એટલે તે તરંગ  શમ્યો છે એમ કહેવાય નહિ,જો શમી ગયો હોત તો સ્મૃતિ(યાદ) રૂપે
ફરીથી આવી શકે નહિ.

આ રીતે દરેકે દરેક કાર્ય કે વિચાર,ભલે તે સારો હોય કે નરસો (ખરાબ) હોય-તે મનમાં ઊંડો ઉતરી,
અને સૂક્ષ્મ-રૂપે સંઘરાઈ રહે છે.
દુખદ કે સુખદ-એ બંને પ્રકારના વિચારો ને કલેશો કે દુઃખદાયક વિઘ્નો કહેવામાં આવે છે,
કારણકે યોગીઓના કહેવા મુજબ તેઓ લાંબે ગાળે દુઃખ જ ઉત્પન્ન કરે છે.
ઇન્દ્રિયો દ્વારા મળતું દરેક સુખ -એ આખરે તો દુઃખ જ આપવાનું.
બધા ભોગો -એ ભોગની તૃષ્ણા વધારે ને વધારે જગાવે છે,ને પરિણામે દુઃખ આવે છે.

મનુષ્ય ની તૃષ્ણાઓ નો કોઈ અંત નથી,એ ઈચ્છાઓ કર્યે જ જાય છે,અને જયારે તે ઇચ્છાઓ -
પુરી થઇ ન શકે એવી સ્થિતિએ પહોંચે ત્યારે તે દુઃખી થાય છે.
અને તેથી જ યોગી,સંસ્કારો ના સમગ્ર સમૂહ ને (કર્માશય) -ભલે તે સારા હોય કે ખરાબ હોય,
તેને દુઃખ-દાયક વિઘ્નો  ગણે છે,કારણ કે તે આત્માની મુક્તિ ના માર્ગ માં વિઘ્ન-રૂપ છે.

આપણાં સઘળાં કાર્યો ના મૂળ-સમા સૂક્ષ્મ સંસ્કારો નું પણ તેવું જ છે.
આ જન્મ માં કે ભવિષ્યમાં આવનારા જન્મોમાં કર્મો નાં ફળ ઉત્પન્ન કરનાર કારણો-એ સંસ્કારો જ છે.
અપવાદ-રૂપ કિસ્સાઓમાં કે જયારે આ સંસ્કારો અતિ-પ્રબળ હોય છે-ત્યારે તેમના ફળ જલ્દી મળે છે.
પાપનાં કે પુણ્યનાં અતિ પ્રબળ કર્મો ના ફળ આ જન્મ માં પણ મળે છે.

યોગીઓ માને છે કે-જે મનુષ્યો સારા સંસ્કારોની પ્રબળ "શક્તિ" મેળવી શકે,તેમને
શરીરો નો ત્યાગ કરવો પડતો નથી,અને આ જન્મ માં જ પોતાનાં શરીર ને દેવ-શરીર માં પલટાવી શકે છે.
યોગીઓ ના ગ્રંથોમાં આવા કિસ્સાઓ નોંધાયેલા છે.
આવા યોગીઓ એ પોતાના શરીરનું ઉપાદાન જ બદલી નાખે છે,અને તેઓ શરીરના પરમાણુઓની
એવી રીતે "પુનઃરચના" કરે છે કે-તેમને માંદગી કે મૃત્યુ આવતું નથી.
શરીર ને માંદગી કે મૃત્યુ ના આવે તે-વસ્તુ શા માટે શક્ય ના હોય?

   PREVIOUS PAGE     
        NEXT PAGE       
     INDEX PAGE