Apr 30, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-146


પ્રત્યેક મનુષ્યને મનમાં જેવી ભાવના થાય છે,તેવો તેને અનુભવ થાય છે.
મધુર (ગળ્યા) પદાર્થમાં કટુતા (કડવાશ) ની ભાવના કરવા થી તે પદાર્થ કડવો લાગે છે,અને
કડવા પદાર્થમાં મધુર-પણા ની ભાવના કરવાથી તે કડવો હોવા છતાં મધુર લાગે છે.

વશિષ્ઠ કહે છે કે-હે,મહાબાહુ,એવી રીતે,"સંવેદન-રૂપે" જગત થાય (બને) છે.
શાસ્ર્ત્ર,પાઠ તથા જપ વગેરે જેનો અભ્યાસ થયો ના હોય,તો તેના સંવેદન અને અભ્યાસ થી -
તે શાસ્ત્ર -વગેરે સ્વાધીન થઇ જાય છે.
વહાણમાં બેસીને જનારને કે ફૂદડી ફરનારને આખી પૃથ્વી ફરતી હોય તેમ જણાય છે,
પણ કાંઠે ઉભેલા ને કે જે,ફૂદડી ના ફરતા હોય તેને -પૃથ્વી ફરતી હોય તેમ જણાતું નથી.

સ્વપ્ન ની પેઠે શૂન્ય-સ્થાન (જ્યાં કોઈ પણ ના હોય તેવા સ્થાન) માં ઘણા માણસોનું સંવેદન થવાથી,
તેમ જ જણાય છે.પીળા પદાર્થમાં લીલા કે ધોળા નું સંવેદન થવાથી તેવો જ અનુભવ થાય છે.
અવિચારી મનુષ્ય ને ભીંતમાં પણ આકાશની ભ્રાંતિ થાય છે,અને સ્વપ્ન ની સ્ત્રી -પણ સંવેદન થી
જાગ્રત અવસ્થા ની પેઠે પ્રીતિ આપનાર થઇ પડે છે.
આવી રીતે જે મનુષ્ય ને મનથી જેવો આભાસ થાય છે તેવો જ તેને અનુભવ થાય છે.
પણ વસ્તુતઃ (સત્યમાં) તો બધું ખોટું જ છે-તથા શૂન્ય છે.

બાળકને મિથ્યા જ્ઞાનથી કલ્પિત પિશાચ ની આકૃતિ જોવામાં આવે છે,તેવી રીતે મનની સ્ફુરણા થી જગત
દેખાય છે,પણ વસ્તુતઃ તો તે છે જ નહિ.આ જે આકાર જોવામાં આવે છે તે બધું માયા-માત્ર છે.તેનો કોઈ
આકાર નથી.તે બીજી વસ્તુ નો રોધ કરી શકે તેમ નથી -અને પોતાને રોધ કરનાર બીજી વસ્તુ પણ
તેનામાં નથી,જે આ જગત -સ્ફુટ જોવામાં આવે છે તે માત્ર સ્વપ્ન-દર્શન ની જેમ રહેલું છે.
એક થાંભલામાં પ્રતિમા ની કલ્પના થવાથી,જેમ તે થાંભલો પ્રતિમા-રૂપે જણાય છે,
તેમ જાગતા મનુષ્ય ને એ અપૂર્વ સ્વપ્નું થયું હોય તેવું આ જગત છે-તેમ તત્વ-વેતા જાણે છે.

જેવી રીતે ચિત્રકાર કોરા થાંભલામાં પોતાના મનથી જેવા આકારની કલ્પના કરે છે,તેવા આકાર તેને
તેમાં દેખાય છે,તેવી રીતે,"સંવેદન-રૂપી-ચિત્રકાર" "ચિદાકાશ-રૂપી-સ્તંભમાં"જેવી સૃષ્ટિ ની ઈચ્છા કરે છે,
તેવી સૃષ્ટિ તેના જોવામાં આવે છે.
જેવી રીતે સ્વપ્નમાં કોઈ માણસ ને બીજા માણસ સાથે યુદ્ધ થાય પણ તેની જ પાસે સૂતેલો  બીજો માણસ
તે યુદ્ધને જોઈ શકતો નથી,તેવી રીતે,અજ્ઞાની મનુષ્યને  સ્વપ્ન ના યુદ્ધની પેઠે -અનેક પ્રકારના
વ્યવહાર-સહિત જગત જણાય છે,પણ જ્ઞાની મનુષ્ય ને તે જોવામાં આવતું નથી.

જેવી રીતે,સોનામાં રહેલું દ્રવ્ય-પણું અગ્નિના સંયોગ થી જોવામાં આવે છે,
તેવી રીતે પરમાત્મા ની સત્તાથી જગત જણાય છે,પરંતુ ખરી રીતે,
જેવી રીતે હાથ-પગ વગેરે અવયવો એ અવયવો થી જુદા નથી,તેમ ઈશ્વરની સત્તા થી જગત જુદું નથી,
પણ જીવ-સમૂહ ના "નિમિત્ત" થી તે પર-બ્રહ્મ માં જ રહેલું છે.

"માયારૂપી-આકાશ" રહેલું આ જગત જો કે માયિક દૃષ્ટિ થી સાચું છે,તો પણ શુદ્ધ દૃષ્ટિ થી ખોટું છે.
કારણકે સૃષ્ટિ ની આદિમાં (મહા-પ્રલય થયા પછી તથા સૃષ્ટિ થયા પહેલા) આ જગત એ
"ચૈતન્ય-સ્વ-ભાવ" થી જ અવશેષ (બાકી) રહે છે.
ત્યાર પછી "કાર્ય-વિભાગ" થવાથી,કારણ-પણુ ઉત્પન્ન થાય છે,પણ તે અસત્ છે.

ખરું જોતાં,મહાપ્રલય થયા પછી-કાર્ય-કારણ ની કલ્પના છે જ નહિ,અને તે સમયે બ્રહ્માની પણ વિદેહ-મુક્તિ થવાથી,તે પણ જગતનું કારણ ઘટી શકે નહિ.કદી કોઈ એમ કહે કે-મુક્તિ થયા પછી,સ્મૃતિ થી બીજા બ્રહ્મા થાય છે,તો તે સ્મૃતિ પણ જ્ઞાન થી જ ઉત્પન્ન થાય છે,માટે આ જગત જ્ઞાન-માત્ર છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE