Dec 6, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-359

(૨) રામચંદ્રજી એ રાત્રિમાં કરેલો વિચાર
વાલ્મીકિ કહે છે કે-તે રાત્રિએ શ્રીરામ,વસિષ્ઠનાં ઉદાર અને  મધુર વચનોનું
નીચે પ્રમાણે ચિંતવન  (વિચાર) કરતા પૂરી રાત્રિ-પોતાના શયનમાં જ બેઠા રહ્યા હતા.

"આ સંસાર નું ભ્રમણ જોવામાં આવે છે,એ તે શું? આ સઘળા 'લોકો' (પૃથ્વી-લોક-વગેરે) કેમ થયા છે? વિચિત્ર રીતે -પ્રાણીઓ જન્મ-મરણ કેમ પામ્યા કરે છે? આ મન નું રૂપ કેવું છે? આ માયા શાથી ઉઠી છે ? તે  માયા કેમ બંધ પડે ? માયાની નિવૃત્તિ થાય તો શો લાભ ? અથવા શી અડચણ થાય?
વ્યાપક આત્મા (પરમાત્મા કે બ્રહ્મ) માં જગત-રૂપી સંકોચ (કે આરોપ) કેમ આવ્યો? મહાત્મા વસિષ્ઠે મન ના ક્ષય વિષે,ઈન્દ્રિયોને જીતવા વિષે,અને આત્મા વિષે શું કહ્યું હતું?
(ખરે!) આ આત્મા જ "જીવ-ચિત્ત-મન-માયા" વગેરે વિસ્તારવાળા રૂપ થી આ ખોટા સંસારને  બનાવે છે.
(માટે) "કેવળ સંકલ્પ-રૂપી તાંતણાથી જ બંધાયેલા" એ ચિત્ત આદિ પદાર્થો ક્ષય પામે -તો જ દુઃખ ની શાંતિ થાય,પણ એમનો સારી રીતે ક્ષય કરવાને મારે શો ઉપાય કરવો? બુદ્ધિને ભોગોમાંથી શી રીતે પાછી વાળું?

ભોગો છોડી શકાતા નથી અને તેમને છોડ્યા વિના હું વિપત્તિઓ ને મટાડવા સમર્થ થાઉં તેમ નથી.
અહો, આ તો મહા-સંકટ આવી પડ્યું છે!! મારે બ્રહ્મને પામવાનું છે અને
તે બ્રહ્મ મન નો ક્ષય કરવાથી જ મળે તેમ છે,પણ એ મન તો વિષયોમાં લાગનારું છે!
વળી (મહા) અજ્ઞાનને લીધે એ મન પહાડ કરતાં પણ દૃઢ થઇ પડ્યું છે.

મારી બુદ્ધિ જયારે સંસારના સંભ્રમ ને છોડી દઈને,પરમાત્મા ને પ્રાપ્ત થશે,
ત્યારે તે બુદ્ધિ બીજા કોઈનું પણ સ્મરણ કરશે નહિ.
પણ,આ "સઘળા વેગો-ને તથા સઘળા કૌતુકોને છોડી દઈને" મારું મન,આત્મ-પદમાં ક્યારે વિશ્રાંતિ લેશે?
જીવનમુક્તિના શીતળ-પદમાં અત્યંત દૃઢ સ્થિતિ પામીને હું ક્યારે જગતમાં ફરીશ?
મારું મન પોતાના કલ્પિત રૂપને છોડી દઈને આત્મામાં લીન થઈને ક્યારે શાંત થશે?

તૃષ્ણા-રૂપી-તરંગો-એ વ્યાકુળ કરેલા અને આશાઓ-રૂપી-મગરો-ના સમૂહ-વાળા,
"સંસાર-રૂપી-સમુદ્ર" ને તરીને હું ક્યારે સંતાપથી રહિત થઈશ?
આત્મ-જ્ઞાન માં વિચક્ષણતા પામીને -સર્વમાં બ્રહ્મ-દૃષ્ટિ રાખીને,ઉપશમ થી શુદ્ધ-પણા-વાળી,
જીવનમુક્તની સ્થિતિમાં મને ક્યારે શોક-રહિત-પણે રહેવાનું મળશે?
સઘળાં અંગો ને તપાવનારો-આ મોહ-રૂપી-જીર્ણ-જવર ક્યારે નાશ પામશે?

મારું મન,વાયુ વગરના સ્થળમાં રહેલા દીવાની પેઠે,
ભ્રમ ને ત્યજી દઈને, અને અત્યંત પ્રકાશમય થઈને ક્યારે સ્થિરતા ને પામશે?
દુષ્ટ વિષયોથી શરીરને બાળનારી મારી ઇન્દ્રિયોની લીલા ક્યારે દૂર થશે?
"આ દેહ હું છું,હું રડું છું,હું મૂઢ છું" એવા પ્રકારનો વ્યર્થ ભ્રમ ક્યારે નાશ પામશે?
જે આત્મ-પદ મળવાથી,"બુદ્ધિ" સ્વર્ગ આદિનાં સુખોને તુચ્છ ગણે છે,તે પદ મને ક્યારે મળશે?

હે,મન, મુનિ વસિષ્ઠે કહેલા બ્રહ્મ-વિદ્યા સંબધી વિચારો તું તારામાં સ્થિત કરશે? એ મને કહે.
હે,ચિત્ત,હું ફરીવાર દુઃખોના ઝપાટામાં આવી જઈને વિલાપોનું પાત્ર ના બનું તો ઠીક !!


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE