Dec 11, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-364

હે,રામ,જેમ,રજ્જુ અને સર્પ એક પણ નથી અને જુદા પણ નથી,પરંતુ તેમનામાં સર્પ -તે ખોટો જ છે,
તેમ,આત્મા અને જગત એક પણ નથી અને જુદા પણ નથી,પરંતુ તેમનામાં રહેલું જગત ખોટું જ છે.
આ જગત એ કેવળ આભાસ-માત્ર (ભ્રાંતિ-માત્ર) જ છે.પણ,તેમ છતાં,તે,જગત હમણાં (વર્તમાનમાં) અજ્ઞાન-કાળમાં જ આવું આડંબર-વાળું જોવામાં આવે છે.
સત્ય-માં-આ સઘળું જગત બ્ર્રહ્મ જ છે,અને જે બ્રહ્મ છે તે જ વિસ્તીર્ણ-જગત-રૂપે દેખાય છે.માટે "હું જુદો છું અને જગત જુદું છે" એવી ભ્રાંતિને તમે છોડી દો.

હે,રામ,જેમ વિસ્તીર્ણ મહાસાગરમાં -તરંગ આદિ વિભાગો સાચા સંભવતા નથી,
તેમ,દેશ-કાળ-અને વસ્તુ ના પરિચ્છેદ થી રહિત પરબ્રહ્મમાં,જગત આદિ કલ્પનાઓ સાચી સંભવતી નથી.
જેમ,અગ્નિમાં હિમ (બરફ) નો કણ હોતો જ નથી,
તેમ,સર્વમય અને એક એવા પરમાત્મામાં બીજી કોઈ 'કલ્પના' છે જ નહિ.
જીવ (અહીં પુરુષ) જો તદાકાર મનથી,પોતે જ પોતાના ચૈતન્યમય સ્વરૂપ ની ભાવના કરે-તો-
તે પોતે મલિનતા વિનાના તથા માયાની કુટિલતા વિનાના પોતાના સ્વ-રૂપ (આત્મા) માં જ આનંદ કરે છે.

હે,રામ,આ સંસારમાં શોક પણ નથી,મોહ પણ નથી,જન્મ પણ નથી અને જન્મ-વાળા (જીવો) પણ નથી,
પણ જે સર્વનું અધિષ્ઠાન  બ્રહ્મ છે -તે જ (સત્ય) છે.માટે તમે સંતાપ કરવો છોડી દો.
તમે શીત-ઉષ્ણ આદિ દ્વંદ્વોથી રહિત થાઓ,સર્વદા સત્વગુણમાં રહીને માનસિક વિક્ષેપોથી રહિત થાઓ,
શરીરના યોગ-ક્ષેમ (નિર્વાહ) ની ચિંતાને છોડી દો,ધીરજ ધરો,
દ્વૈતની (દ્વંદ્વોની) "આસક્તિ" થી મુક્ત થાઓ,સંતાપથી રહિત થાઓ.

હે,રામ, તમે સમ-બુદ્ધિવાળા થાઓ,સ્વસ્થ થાઓ,સ્થિર અને શોકરહિત મનવાળા થાઓ,
મનન કરનારા થાઓ,ઉત્તમ મણિની પેઠે સ્વચ્છ થાઓ,અને સંતાપ થી રહિત થાઓ.
તમે દેહાદિકમાં અહંતા-મમતા થી રહિત થાઓ,સંકલ્પોથી રહિત થાઓ,ધીર બુદ્ધિ-વાળા થાઓ,
અંતઃકરણ ને જીતો,આવી પડેલા વ્યવહારને અનુસરો અને સંતાપથી રહિત થાઓ.

હે,રામ, તમે આસક્તિથી રહિત થાઓ,પરિશ્રમ થી રહિત થાઓ,મળો અને પાપથી રહિત થાઓ,
"આ ગ્રાહ્ય છે અને આ ત્યાજ્ય છે" એવા આગ્રહ થી રહિત થાઓ અને,જગતથી ન્યારા પદમાં રહો.
પામવા યોગ્ય વસ્તુને પામીને પૂર્ણ થાઓ,ભરપૂર સમુદ્રની પેઠે ક્ષોભરહિત થાઓ,અને સંતાપથી રહિત થાઓ.

હે,રામ,તમે વિકલ્પોના સમૂહ થી છૂટા થાઓ,માયારૂપી લેપથી રહિત થાઓ,પોતાથી જ પોતામાં તૃપ્ત રહો.
તમે આદિ-અંતથી રહિત સ્વરૂપ-વાળા થાઓ,મનમાં મેરુ-પર્વતના જેવી ધીરજ-રૂપ દૃઢતાવાળા થાઓ.
આપમેળે આવી મળે તે સુખો નો અનુભવ કરો,કોઈ વસ્તુની ઈચ્છા ના રાખો,અને,
પૂર્ણ-મહાસાગર ની જેમ પોતામાં પોતાની જ મોટાઈ પામો,પોતામાં જ પોતાની શીતળતા ને પામો.

હે,સુંદર રામ,જગતની આ સઘળી રચના મિથ્યા જ છે,જ્ઞાની પુરુષ મિથ્યા પદાર્થ માટે  દોડ કરે જ નહિ.
તમે તત્વવેત્તા છો,કલ્પનાઓથી રહિત છો,દુઃખોથી રહિત છો,અને સર્વદા પ્રકાશમાન છો,
આથી તમે શોકથી રહિત થાઓ,
તમારા પિતા જયારે તમને પૃથ્વીનું ચક્રવર્તી રાજ્ય આપે ત્યારે તમે સઘળા ગુણોથી રાજાઓને રાજી રાખજો,
અને સમ-દ્રષ્ટિથી લાંબા કાળ સુધી પ્રજાઓનું સારી રીતે પાલન કરજો.
આત્મવેત્તાએ 'કર્મોનો ત્યાગ' કરવો પણ યોગ્ય નથી અને 'કર્મોમાં આસક્તિ' રાખવી પણ યોગ્ય નથી.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE