More Labels

Mar 1, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-436

વિષ્ણુ કહે છે કે-અકર્તા-પણું પ્રાપ્ત થયું એટલે,અભોકતાપણું પણ પોતાની મેળે જ પ્રાપ્ત થયું સમજવું,કેમકે -આ સઘળા ત્રૈલોક્યમાં વાવ્યા વિના કોણે લણ્યું છે?
કર્તા-પણું અને અભોકતા-પણું -શાંત થઇ જતાં શાંતિ જ અવશેષ રહે છે.
અને તે શાંતિ પ્રૌઢ-પણું પામે-ત્યારે વિદ્વાન લોકો તેને જ મુક્તિ કહે છે.

સ્વ-રૂપ પ્રગટ થવાથી,સર્વમાં વ્યાપીને રહેલા ચૈતન્યમય અને શુદ્ધ તત્વવેત્તાઓ,
નહિ પ્રાપ્ત થયેલા કયા પદાર્થ નું ગ્રહણ કરે? અને કયા પ્રાપ્ત થયેલા પદાર્થ ને ત્યજી દે? "આ વસ્તુ ગ્રાહ્ય છે કે આ વસ્તુ ત્યાજ્ય છે" એવા પ્રકારનો આગ્રહ દુર થતા,સારી પેઠે શાંતિ ઉદય પામે છે,અને,સ્થિરતા ને પ્રાપ્ત થયેલી,તે શાંતિ જ "મોક્ષ" એ નામથી કહેવામાં આવે છે.

સર્વદા એવી શાંતિમાં રહેલા તારા જેવા શાંત ,જીવનમુક્ત પુરુષો,
શરીર આદિ સઘળા દ્વૈત ની આસક્તિથી રહિત થઈને વ્યવહાર કરે છે.
હે,પ્રહલાદ,તારી સઘળી વાસનાઓ પરમાત્માના જ્ઞાનથી શાંત થઇ છે,માટે તું સ્વરૂપમાં જ રહેલી બુદ્ધિથી,
"જાગ્રતની અને સુષુપ્તિની સંધિમાં રહેલા" ની જેમ,આ જગતની સ્થિતિ ને જોયા કર.

જેઓનું ચિત્ત આત્મામાં જ રહેલું હોય છે.અને આત્મામાં જ તૃપ્તિ પામેલા છે,
તે પુરુષો,અવિચારથી રમણીય લાગતા,અનાત્મ પદાર્થો માં રુચિ કરતા નથી,
અને દુઃખો-(કે જે કદી આત્મા ને સ્પર્શ કરતા નથી) થી ઉદ્વેગ પામતા નથી.
જેમ,દર્પણ,આવી પડેલાં પ્રતિબિંબોને,કોઈ  જાતની સ્પૃહા વિના જ સ્વીકારી લે છે,
તેમ,જીવનમુક્ત પુરુષો આવી પડેલાં વ્યવહાર સંબંધી કાર્યોને "આસક્તિ" વિના જ સ્વીકારી લે છે.

સ્વસ્થ રહીને પોતાની સ્વરૂપની સ્થિતિમાં જાગનારા અને સંસારની સ્થિતિમાં સૂતેલા,જ્ઞાની પુરુષો-
જેમ,ભર-ઊંઘમાં સૂતેલાં બાળકો હાથ પગ હલાવે છે,તેમ સંસાર સંબંધી ક્રિયાઓ કરે છે.
હે,મહાત્મા,પ્રહલાદ,પોતાની અંદર પરમાત્માના પદને પામેલો,તું બ્રહ્માનો આ એક દિવસ (કલ્પ) પૂરો
થતાં સુધી,અહી જ ગુણોવાળી રાજ્યલક્ષ્મીને ભોગવીને પછી અખંડ તત્વ ને પ્રાપ્ત કર.

(૪૧) પ્રહલાદે વિષ્ણુ ની આજ્ઞા સ્વીકારી અને વિષ્ણુએ પ્રહલાદનો અભિષેક કર્યો

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,સૃષ્ટિ ના સમયમાં ત્રૈલોક્ય-રૂપી અદભુત પદાર્થ ને બનાવનારા અને
જગતો-રૂપી-રત્નો ના નિવાસસ્થાન-રૂપ,વિષ્ણુએ શીતળ વાણીથી જયારે પ્રહલાદને આવી આજ્ઞા કરી,
ત્યારે પ્રહલાદે,વિષ્ણુ નો સઘળો અભિપ્રાય મનમાં સમજી (જાણી) લઈને આનંદથી નીચેનું વચન કહ્યું.

પ્રહલાદ કહે છે કે-હે,દેવ,રાજ્ય-સંબંધી,હિત-અહિતોના વિચારથી અને સેંકડો કાર્યો થી થાકી ગયેલો હું,
ક્ષણમાત્ર શાંતિ પામ્યો હતો.આપની કૃપાથી મને સારી રીતે સ્વ-રૂપમાં સ્થિતિ પ્રાપ્ત થઇ છે.
હું,"મારા-સ્વ-રૂપે" સમાધિ અને અસમાધિ-એ બંનેમાં સર્વદા સમાન છું.
હે,મોટા દેવ,આપને મેં અખંડાકાર-વૃત્તિ થી હૃદયકાશની અંદર,ઘણીવાર સુધી જોયા છે.
અને તે ઉપરાંત,આજે,આપે,મારા ઉત્તમ ભાગ્યને લીધે,પાછું આ બહાર (રૂબરૂ) પણ દર્શન દીધું.

હે,પ્રભુ,જેમ,આકાશ નિર્મળ આકાશમાં જ રહે,તેમ,સઘળા સંકલ્પો થી રહિત અને અંત વિનાની બ્રહ્મ-દૃષ્ટિ માં
હું રહ્યો હતો.હું કોઈ શોકથી,મોહથી,વૈરાગ્યના ચિંતવનથી ,દેહ ત્યાગ કરવાની ઈચ્છાથી કે સંસારના ભયથી,
સમાધિમાં રહ્યો હતો એમ નથી,પણ હું તો કેવળ પોતાની મેળે ઉઠેલા નિર્મળ વિચારથી જ તે  વિસ્તીર્ણ પવિત્ર પદમાં રહ્યો હતો.એ નિર્મળ પદ એક જ છે,માટે તેમાં શોક પણ ક્યાંથી હોય? હાનિ પણ ક્યાંથી હોય?
દેહ પણ ક્યાંથી હોય ? કે સંસાર પણ ક્યાંથી હોય? ભય પણ ક્યાંથી હોય? અને
ભય જ નહિ હોવાને લીધે ભયથી રક્ષણ પણ ક્યાંથી હોય?

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE