Mar 2, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-437

પ્રહલાદ કહે છે-કે-એ નિર્મળ પદમાં મારી સ્થિતિ થઇ હતી,એ પણ કહેવા માત્ર જ છે,કારણકે તેનાથી હું ભિન્ન જ નથી.હે.પ્રભુ,"હાય ! હું આ સંસારની ખટપટ થી કાયર થઇ ગયો છું,માટે સંસારનો ત્યાગ કરું છું"એવી ચિંતા,કે જે હર્ષ-શોક-ભય-આદિ વિકારોને આપનારી છે તે તો અજ્ઞાનીઓને જ થવી સંભવે.વળી -"દેહના હોવાથી જ દુઃખ છે"એવી ચિંતા-રૂપી-ઝેરી-નાગણ,પણ તેવા મૂર્ખને જ કરડે.

"આ સુખ છે,આ દુઃખ છે,આ વસ્તુ મારી પાસે છે અને આ વસ્તુ મારી પાસે નથી" એવી રીતે હિલોળા ખાતું,ચિત્ત મૂઢ મનુષ્યો ને જ દુઃખી કરે છે,પણ પંડિતો (જ્ઞાની) ને દુઃખી કરતુ નથી.જેઓએ  તત્વજ્ઞાનને દુર જ રાખેલું હોય છે,એવા મૂઢ પ્રાણીઓને જ "હું જુદો છું અને એ જુદો છે" એવી વાસના રહ્યા કરે છે."આ ત્યાજ્ય છે અને આ ગ્રાહ્ય છે"એવી રીતની મિથ્યા મનની ભ્રાંતિ,જેમ મૂરખને ઘેલો કરી દે છે,તેમ જ્ઞાની ને,તે (ભ્રાંતિ) કદી ઘેલો કરી શકે નહિ.

હે,પ્રભુ,સર્વ જગતમાં તમે જ બ્રહ્મ-રૂપે વ્યાપક છો,માટે આ જગતમાં દ્વૈત ની કલ્પના ઘટે જ કેમ?
આ સઘળું જગત,રજ્જુ-સર્પ -આદિ ની જેમ,અનિર્વચનીય જ ઉઠેલુ છે,માટે તેમાં ત્યાજ્ય શું કે ગ્રાહ્ય શું?
હું તો કેવળ,મારા સ્વ-ભાવથી જ દ્રષ્ટા-અને દૃશ્ય નો વિચાર કરતાં કરતાં,
ક્ષણમાત્ર,પોતાથી,પોતાના જ,સ્વ-રૂપમાં શાંત થયો હતો.

હું એ શાંતિના સમયમાં.પ્રિય-અપ્રિય,ત્યાજ્ય-ગ્રાહ્ય થી રહિત હતો,અને હાલ પણ તેઓથી રહિત જ છું.
હે,દેવ, જે મારું સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું હતું,અને હવે હું સંપૂર્ણ રીતે મારા પોતાના જ સ્વ-ભાવને
પ્રાપ્ત થયો છું.તો પણ આપને,જે ગમતું હોય તે કરવા હું તૈયાર છું.
પણ,હવે,આપ,સાક્ષાત વિષ્ણુ,ત્રૈલોક્ય માં પૂજ્ય છો,એટલા માટે મારી પાસેથી પ્રથમ,
શાસ્ત્ર ના નિયમ પ્રમાણે,પ્રાપ્ત થયેલી પૂજા આપે સ્વીકારવી જોઈએ.

વસિષ્ઠ કહે છે કે-હે,રામ, દાનવોના રાજા,પ્રહલાદે આવાં વચનો કહીને,અર્ઘ્ય-પાત્ર ઊંચું કરીને,
વિષ્ણુ નું,વિષ્ણુ ના આયુધોનું,અને વિષ્ણુમાં રહેલા ત્રૈલોક્ય નું પૂજન કર્યું.

વિષ્ણુ ભગવાન કહે છે કે-હે,દાનવો ના રાજા,ઉઠ,સિંહાસન પર બેસ.હું,પ્રથમ મારા હાથથી તારો રાજ્યાભિષેક
કરું છું,અને તેમ કર્યા પછી મારા પાંચ-જન્ય-શંખ નો નાદ કરીશ,એટલે તે નાદ સંભળાયા પછી,
સિદ્ધ લોકો-દેવતાઓ-વગેરે  જે અહી આવ્યા છે-તેઓ પણ તારો મંગલાભિષેક કરશે.

વસિષ્ઠ કહે છે કે-વિષ્ણુએ આમ કહીને પ્રહલાદ ને સિંહાસન પર બેસાડ્યો,અને તેનો રાજ્યાભિષેક કર્યો.
ત્યાર  પછી સિદ્ધ લોકો અને દેવતાઓ એ પણ મંગલાભિષેક કર્યો.
અભિષેકની વિધિ પતી ગયા પછી,વિષ્ણુ એ પ્રહલાદ ને નીચે પ્રમાણે કહ્યું.

વિષ્ણુ ભગવાન કહે છે કે-હે,નિર્દોષ પ્રહલાદ,જ્યાં સુધી પૃથ્વી રહે,સૂર્ય-ચંદ્રના મંડળો રહે ત્યાં સુધી-
તું અખંડિત-પણે રાજ્ય કર.રાગ-ભય-ક્રોધ ને ત્યજી દઈને,અને સમ-બુદ્ધિ થી,ઇષ્ટ કે અનિષ્ટ-એવા,
કોઈ પણ જાતના ફળોમાં આસક્તિ નહિ રાખતાં,તું રાજ્ય નું પાલન કર.

તેં,બ્રહ્માનંદનું સુખ જોએલુ છે-તેમ છતાં,વૈભવોથી ભરપુર આ રાજ્યમાં,કોઈ પણ જાતની અરુચિ કરવી નહિ,
અને સ્વર્ગલોક કે મનુષ્યલોક માં કોઈ પણ જાતની ખટપટ ઉઠે તેમ કરવું નહિ.
અપરાધીઓનો નિગ્રહ અને સુજનો નો સંગ્રહ-વગેરે રાજ્ય-સંબંધી-જે વિચારો પ્રાપ્ત થાય,તેમાં,
દેશ-કાળ અને ક્રિયાઓ ને અનુસરીને વધ-બંધ-દંડ -આદિ કાર્યો કરજે
અને મનમાં રાગ-દ્વેષ ની વિષમતા નહિ રાખતાં,સમતા થી રહેજે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE