More Labels

Jun 5, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-523

વસિષ્ઠ કહે છે કે-હે રામ,વીતહવ્ય પોતાને બ્રહ્મ-રૂપ સમજવાને લીધે,જે કઈ ઇન્દ્ર-પણું આદિ દેખાયું હોય તેને આત્માના જ ચમત્કાર-રૂપ સમજ્યા.પોતે સદાશિવના ગણની પદવી પામ્યા હતા- ત્યારે,એક દિવસ પોતાના આત્મા-તત્વ નું સ્મરણ કરવાના સમયમાં,
તેમને પોતાની મેળે જ,પોતાના સઘળા પૂર્વજન્મનું અવલોકન કરવાની ઈચ્છા થઇ.
એ ઈચ્છા થતાં,તેમને પોતાના જેટલા દેહો નષ્ટ થઇ ગયા હતા અને જેટલા દેહો નષ્ટ થયા નહોતા-તેઓને દીઠા.

નષ્ટ નહિ થયેલા દેહોમાંના એક "વીતહવ્ય" નામના દેહને વિન્ધ્યાચળની  ગુફામાં -ધરતીની અંદર દટાયેલો જોયો.કે જે દેહ કાદવના સમૂહમાં કીડા જેવો દેખાતો હતો અને કાદવના ભારથી  દબાઈ ગયેલો હતો.
એવા દેહને જોઇને આપોઆપ જ એ દેહને કાદવમાંથી બહાર કાઢવાનો એમને વિચાર થયો.
ત્યારે તેમણે પોતાની ઉત્તમ સમજણ-વાળી બુદ્ધિથી વિચાર કર્યો કે-

"આ મારા દેહનાં સઘળાં અંગો દબાઈ ગયાં છે,અને પ્રાણવાયુનો સંચાર પણ બંધ પડી ગયો છે,
તેથી આ દેહ હાલીચાલી શકે તેમ નથી અને કંઈ કરી શકે તેમ પણ નથી.
માટે હું સૂર્યના શરીરમાં પ્રવેશ કરું કે જેથી સૂર્યનો "પિંગળ" નામનો પાર્ષદ,
સૂર્યની આજ્ઞાથી આ મારા દેહને કાઢી આપશે.(જરા વાર પછી તેમને બીજો વિચાર થયો કે)
મારે આ દેહનું શું પ્રયોજન છે? હું તો શાંતિ જ રાખું અને નિર્વિઘ્ન રીતે પરમ નિર્વાણ-રૂપ (વિદેહમુક્ત)
પોતાના પદને પામું. દેહથી લીલા કરવાનું મારે કશું પ્રયોજન નથી.

વસિષ્ઠ કહે છે કે-હે રામ,વીતહવ્ય મુનિએ એ પ્રમાણે વિચાર કરીને અને
જરાવાર ચૂપ રહીને ફરીથી વિચાર કર્યો કે-
"મારે દેહનો ત્યાગ કરવાની પણ જરૂર નથી કે ગ્રહણ કરવાની પણ જરૂર નથી.મારે માટે આ બંને સરખું જ છે.હવે હજુ,આ મારો દેહ જીવતો છે અને હજુ,માટી ભેગો માટી થઇ ગયો નથી,
તો તે  પહેલાં એ દેહમાં રહીને હું કંઇક વિહાર કરું.
હું જેમ પ્રતિબિંબ,અરીસામાં પ્રવેશ કરે છે-તેમ સૂર્યના શરીરમાં પ્રવેશ કરું."

હે રામ,વીતહવ્ય મુનિએ એ પ્રમાણે વિચાર કરીને,સૂક્ષ્મ-લિંગ-રૂપ થઈને,જેમ વાયુ ધમણના છિદ્રમાં પ્રવેશ કરે છે તેમ,સૂર્યના શરીરમાં પ્રવેશ કર્યો.આકાશની મધ્યમાં રહેલા સૂર્યનારાયણે એ મુનિની ધારણા જાણી લઈને પૃથ્વીમાંથી તેમના શરીરને કાઢવા સારું,"પિંગલ" નામના પોતાના પાર્ષદને આજ્ઞા કરી.
વીતહવ્યમુનિનો જીવાત્મા કે જે લિંગ-શરીર-રૂપે સૂર્યના શરીરમાં પેઠો હતો,તેણે તરત જ ચિત્ત વડે સૂર્યને નમસ્કાર કર્યા.પછી,સૂર્યે માન-પૂર્વક આજ્ઞા આપવાથી,એ જીવાત્માએ વિન્ધ્યાચળની ગુફામાં જવાને તૈયાર થયેલા,પિંગલના શરીરમાં પ્રવેશ કર્યો.

પિંગલે તે ગુફામાં આવીને નખથી ધરતીને ખોડીને વીતહવ્યના શરીરને બહાર કાઢ્યું,ત્યારે,
જેમ,પક્ષી આકાશને છોડીને પોતાના માળામાં પ્રવેશ કરે છે,
તેમ,વીતહવ્યના લિંગ-શરીરે,પિંગલ ના શરીરને છોડી દઈને પોતાના સ્થૂળ શરીરમાં પ્રવેશ કર્યો.શરીરને પ્રાપ્ત થયેલા વીતહવ્ય મુનિ અને પિંગલે -પરસ્પર પ્રણામ કર્યા અને પોતપોતાના કાર્યો કરવામાં તત્પર થયા.

વીતહવ્યે તળાવમાં સ્નાન કર્યું અને જપ-સૂર્યનું પૂજન વગેરે કરી -
વ્યવહારો વાળા શરીરથી એ આગળની (પહેલાંની) પેઠે જ શોભવા લાગ્યા.
મૈત્રી-વાળા,સમતાવાળા,ઉત્તમ શાંતિવાળા,ઉત્તમ બુદ્ધિવાળા,કોઈનું સારું થયેલું જોઈ પ્રસન્ન થનારી વૃત્તિવાળા,દયાવાળા,શ્રેષ્ઠ શોભાવાળા,અને સંગોથી રહિત થયેલા ચિત્તવાળા,એ વીતહવ્ય મુનિએ -
તે દિવસ,સમાધિ ધારણ કર્યા વિના જ નદીના કિનારા પર વિહાર કર્યો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE