Aug 1, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-570

"દ્વૈત અસત્ય જ છે" એમ જો અંદર જાણવામાં આવે તો-બ્રહ્મભાવના નો ઉદય થાય છે-
કે જેથી દ્વૈત રસહીન જણાતાં પુરુષને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે.
"આ દેહ હું નથી" એમ સ્પષ્ટ રીતે જાણવામાં આવે-તો બ્રહમભાવનાનો ઉદય થાય છે,
કે જેથી પુરુષને,પોતાના ખોટા અહંકાર પર અરુચિ ઉત્પન્ન થાય છે.

"હું બ્રહ્મ જ છું" એમ ખરી રીતે જાણવામાં આવે,તો એવી ભાવનાનો ઉદય થાય છે કે-
જેનાથી,પુરુષ પોતના સાચા સ્વરૂપની અંદર લીન થાય છે.અને-
તું પણા-હુંપણા -વગેરેનો બાધ થવાથી,
અસ્તિ-ભાતિ-પ્રિય-નામ-રૂપ-એ જગતમાં રહેલા પાંચે અંશો -બ્રહ્મ જ છે-એમ તે માને છે.

આ જે જગત છે-તે -"સત્ય અને સર્વ પ્રકારોના અધિષ્ઠાન-ભૂત બ્રહ્મ"  જ છે" એમ હું જાણું છું,
તેથી મને મોહ-દુઃખ-કર્મો કે તૃષ્ણા -કંઈ પણ નથી.હું સમ છું,સ્વચ્છ છું,અને શોકથી રહિત છું.
હું કલ્પના-રૂપી કલંક થી રહિત છું,નિર્દોષ છું અને સર્વ-રૂપ છું.હું બ્રહ્મ છું-એ જ સાચું છે.
રુધિર-માંસ-હાડકાં-શરીર પણ હું છું અને ચૈતન્ય પણ હું છું-હું બ્રહ્મ છું એ જ સાચું છે.

આકાશ-સૂર્ય-દિશાઓ-પૃથ્વી અને ઘટ-પટ-આદિ આકારો પણ હું છું,હું બ્રહ્મ છું એ જ સત્યતા છે.
ખડ-વન-પર્વતો-સમુદ્રો-પ્રાણીઓના સમૂહો પણ હું છું,મારી બ્રહ્મ-સ્વરૂપે સર્વત્ર એકતા જ છે.
લેવું-દેવું અને સંકોચાવું-ઇત્યાદિ પ્રાણીઓના ધર્મો હું છું.
હું સર્વ-રૂપ  છું,ચિદાત્મા છું,વ્યાપક-રૂપવાળો છું,અને મારા સ્વભાવ-ભૂત બ્રહ્મમાં જ રહ્યો છું.

સર્વમાં વ્યાપક એ દ્રશ્યોથી રહિત,જે ચિન્માત્ર તત્વ (ચૈતન્ય) છે-
તે જ ચિત્ત-આત્મા-બ્રહ્મ-સત્ય-ઋત-જ્ઞ-વગેરે નામથી કહેવાય છે.
ચૈતન્યાત્મક બ્રહ્મ પ્રકાશ-માત્ર છે,નિર્મળ છે,અને સઘળા પ્રાણીઓને જીવ-રૂપે ચેતના આપનાર છે.
તે સર્વ સ્થળોમાં વ્યાપક અને શાંત છે-તેવો અનુભવ થાય છે.
આમ,દ્વૈતને દુર કરતાં સ્વયં-પ્રકાશ-રૂપે જણાતું અને રાગ-દ્વેષ થી રહિત-જે ચૈતન્ય-માત્ર છે-તે હું છું.

શબ્દ-આદિ અને આકાશ-આદિ-સઘળી તન્માત્રાઓનાં કારણો
અને તેઓએ કરેલી જગતની સ્થિતિ-
વળી તેઓની સત્તા-રૂપ,સ્ફુરણ-રૂપ અને સ્વચ્છ જે ચૈતન્ય-રૂપ બ્રહ્મ છે તે હું જ છું.
મારો ક્ષય છે જ નહિ.
વૃત્તિઓ-રૂપ ઉપાધિઓની દ્વારા,નિરંતર નીકળતી,સ્વચ્છ ચૈતન્યની ધારાઓની ણ-રૂપ,
પ્રકાશ-રૂપ,અજરામર અને યોગીઓથી પણ જેનું વર્ણન કરી શકતું નથી-
એવું જે ચૈતન્ય-રૂપ પરબ્રહ્મ છે-તે હું છું.
સઘળા વિષયોથી ઉત્તમ-સુખરૂપ,વાસનાઓથી રહિત જે ચૈતન્ય-રૂપ બ્રહ્મ છે તે હું છું.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE