Sep 1, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-601

જેવા એ (કલ્પાયેલા) દેહો પ્રાપ્ત થાય છે-તેવા જ પ્રકારનો આ દેહ (હમણાં) તમને પ્રાપ્ત થયો છે.
"આ ધન છે,આ દેહ છે,અને આ દેશ છે" એવા સઘળા પ્રકારનો વિભ્રમ,ચિત્તના બળ-રૂપ સંકલ્પનો જ મહિમા છે.હે રામચંદ્ર,આ સંસારને લાંબુ સ્વપ્ન સમજો અથવા લાંબુ મનો-રાજ્ય સમજો.જેમ,સૂર્યના ઉદયથી સઘળું સારી રીતે જોવામાં આવે છે-તેમ તમે કે જે પરમાત્મા જ છો-તેમને-જયારે આપોઆપ યોગ-બુદ્ધિ પ્રાપ્ત થશે ત્યારે જ આ સઘળો વિચાર સારી રીતે સમજવામાં આવશે.

જેમ,પૂર્વે,મેં,મન ની અંદર જ સંકલ્પની રચનાથી થયેલી બ્રહ્મા-ની  ઉત્પત્તિ કહેલી છે,
તેવી જ આ જગતની ઉત્પત્તિ કહેલી છે,વિચિત્ર સંકલ્પો-વાળું મન જ જગતની રચનાના વિભ્રમને ગ્રહણ કરે છે.જેમ,બ્રહ્માની ઉત્પત્તિ સંકલ્પની રચના માત્ર જ છે,તેમ જગત-રૂપી પ્રતીતિ સંકલ્પની રચના-માત્ર જ છે.
જેમ,મન નો કલ્પિત આભાસ જ બ્રહ્મ-પણાને પામ્યો છે,
તેમ,પૂર્વ મરણના સમયમાં "મને"  (મનથી) કલ્પી લીધેલો,દેહ જ આ દેહ-રૂપે પ્રતીત થાય છે.

પૂર્વે વાસનાના અતિશયપણાથી લાંબા કાળ સુધી (પ્રવાહ-રૂપે)
જે દેહને -જેવી રીતે  ચિંતવવા માં આવ્યો છે-તે દેહ,તેવીજ આકૃતિના ઉદયથી હમણાં જોવામાં આવે છે.
જયારે-પુરુષ પ્રયત્નથી મનને અંતર્મુખ કરીને,આત્મ-દર્શન કરવામાં આવે,
ત્યારે આ દેહ-રૂપ  કે જગત-રૂપ "સંકલ્પ" ચૈતન્ય-રૂપ જ થઇ રહે છે.

હે રામચંદ્રજી,પણ જો વિપરીત સંકલ્પ કરવામાં આવે તો વિપરીત જ થઇ જવાય છે.
"આ દેહ હું છું અને આ સંસાર મારો છે" એવી ભાવના કરવામાં આવે તો તેવો જ અનુભવ થાય છે.
મિથ્યા પદાર્થ પણ ભાવનાની મજબૂતી ને લીધે,સાચો પ્રતીત થાય છે.
જે વસ્તુની તીવ્ર વેગથી ભાવના કરવામાં આવે,તે વસ્તુ તુરત જ સર્વત્ર જોવામાં આવે છે.
એટલે,જ ભાવનાથી અભ્યાસ કરવામાં આવેલો સંસાર હમણાં જોવામાં આવે છે.

જેમ,સ્વપ્નમાં એક ક્ષણ પણ -એક દિવસ જેવડી લાંબી લાગે છે,
તેમ,અલ્પ-સમય સુધી રહેનારું આ જગત,પણ અજ્ઞાનના કાળમાં સ્થિર થઇ ગયેલું લાગે છે.
જેમ,મૃગ-જળમાં જળ નહિ હોવા છતાં જળ દેખાય છે,
તેમ,આ ત્રણે  લોક વિદ્યમાન નહિ હોવા છતાં,પણ,સંકલ્પથી જ જોવામાં આવે (દેખાય) છે.
એટલે કે-અજ્ઞાન ને લીધે જ આ જગતની રચના જોવામાં આવે છે.

જ્ઞાનથી કે યોગ્ય વિચારથી,જોતાં આ જગતની રચના જોવામાં આવતી નથી.
તેથી જ્ઞાની પોતાના સંકલ્પથી કલ્પાયેલા આ સંસારથી બીતો નથી.
જે પોતાનો આત્મા છે-તે જ હમણાં બહિર્મુખ દશામાં જગત-રૂપે પ્રતીત થાય છે.
માટે આવી રીતની સંસારની સ્થિતિમાં શા માટે બીવું? (હકીકતમાં જે ભય છે તે પણ આત્મા થી જુદો નથી)
પણ, જે ડરે છે -તેમને-જ-આ વિશે (જગતની રચના વિશે) કહેવું વધુ યોગ્ય છે,
કારણકે જે ડરનાર છે,તે જો આ કહેવાથી શુદ્ધ થાય તો-તેને આ જગતમાં મોહ બિલકુલ જોવામાં આવતો નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE